‘ઇન્ડિયન ચેમ્પિયન્સ લીગ’માં જે ખેલાડી રમશે તેની કરિયર જોખમમાં

નવી દિલ્હીઃ ફટાફટ ક્રિકેટના જમાનામાં દર વર્ષે ઘણી નવી ટી-૨૦ લીગની શરૂઆત થઈ રહી છે. આઇપીએલ બાદ હાલ તામિલનાડુ પ્રીમિયર લીગ (ટીએનપીએલ)માં ક્રિકેટના ચોગ્ગા-છગ્ગાનો વરસાદ ધમાલ મચાવી રહ્યો છે, પરંતુ આ બધા વચ્ચે એવા અહેવાલો મળી રહ્યા છે કે વધુ એક નવી લીગની શરૂઆત થવાની છે. આ લીગનું નામ છે, ‘ઇન્ડિયન ચેમ્પિયન્સ લીગ’ (આઇસીએલ). સૂત્રોની વાત માનીએ તો આ લીગની શરૂઆત વર્ષના અંતમાં કે જાન્યુઆરી-૨૦૧૭માં થઈ શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ લીગની શરૂઆત ઇન્ડિયાની કંપની મેગપાઇ ગ્રૂપના ઉદ્યોગપતિ મળીને કરી રહ્યા છે.

જોકે આ લીગ સામે સૌથી મોટી મુશ્કેલી એ છે કે ફેડરેશન ઓફ ઇન્ટરનેશનલ ક્રિકેટ એસોસિયેશન (FICA) અને આઇસીસી તરફથી આ લીગને માન્યતા આપવામાં આવી નથી. FICAએ ખેલાડીઓને ચેતવણી આપતાં સ્પષ્ટ કહ્યું છે કે ‘ઇન્ડિયન ચેમ્પિયન્સ લીગમાં રમનારા ખેલાડીઓના ભવિષ્ય પર નકારાત્મક અસર પડી શકે છે. આઇસીસી અને FICAએ આ લીગને માન્યતા આપી નથી. આથી આ લીગમાં આઇસીસીના નિયમોના આધાર પર પણ આ લીગ ગેરકાયદે છે.”

ઉલ્લેખનીય છે કે આઇસીએલમાં અત્યાર સુધી આઠ ટીમ ભાગ લેવાની વાત સામે આવી છે, જેમાં દિલ્હી બાદશાહ, ઇન્દોર રેકેટ્સ, મુંબઈ સ્ટાર્સ, ચેન્નઈ વોરિયર્સ, હૈદરાબાદ રાઇડર્સ, બેંગલુરુ ટાઇગર્સ, લખનૌ સુપરસ્ટાર્સ અને ચંડીગઢ હીરોઝ સામેલ છે.

વર્ષ ૨૦૦૭માં શરૂ થયેલી ઇન્ડિયન ક્રિકેટ લીગ (ICL) સાથે આ લીગને કોઈ લેવાદેવા નથી. અહેવાલો અનુસાર આ લીગમાં ઘણા ટોચના ક્રિકેટર્સ રમવાની વાત સામે આવી છે, જેનાં હર્શેલ ગિબ્સ, જસ્ટિન કેમ્પ, સનથ જયસૂર્યા, કામરાન અકમલ, શોએબ મકસૂદ, દાનિશ કનેરિયા, ઇમરાન ફરહાત અને સલમાન બટ જેવા મોટાં નામ પણ સામેલ છે.

સૌથી મોટી વાત એ છે કે આ લીગમાં કોઈ ભારતીય ક્રિકેટર સામેલ થયો હોવાની માહિતી મળી નથી, પરંતુ અંડર-૧૯ના કેટલાક ક્રિકેટર્સે કરાર જરૂર કર્યા છે. ઇન્ડિયન ચેમ્પિયન્સ લીગમાં સામેલ થવા માટે ફોર્મ પણ ઉપલબ્ધ કરાવાઈ રહ્યા છે.

You might also like