કોણ સામેલ છે ભારતના કેપ્ટન બનવાની દોડમાં?

મુંબઈઃ ભારતીય ક્રિકેટમાં કેપ્ટન હોય કે કોચ કે પછી પસંદગી સમિતિનો સભ્ય, એટલે સુધી કે ટીમના ખેલાડીઓની પસંદગીમાં પણ પક્ષપાતના આરોપ લાગતા રહ્યા છે. એક સમયે ક્રિકેટ જગતમાં પ્રભાવશાળી વહીવટકર્તા પોતાની પસંદગીના ખેલાડીને તક આપતા નજરે પડતા હતા. આઇપીએલની નવમી સિઝનમાં ક્રિકેટના નાના ફોર્મેટનાે કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની ના તો પોતાના વ્યક્તિગત પ્રદર્શનથી કે ના તો કેપ્ટનશિપમાં પોતાનો જલવો દેખાડી શક્યો છે. તેની ટીમની આઇપીએલના પ્લેઓફમાંથી બહાર ફેંકાઈ ગઈ છે અને એ સાથે જ ધોનીને બદલવાની ચર્ચા શરૂ થઈ ગઈ. બંગાળ ક્રિકેટ એસોસિયેશનનો અધ્યક્ષ અને ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ ધોનીની કેપ્ટનશિપ પર પ્રશ્નાર્થ ચિહ્ન લગાવતા ટેસ્ટ કેપ્ટન વિરાટને જ ટીમ ઇન્ડિયાનાે ત્રણેય ફોર્મેટનો કેપ્ટન બનાવી દેવાની વકીલાત કરી નાખી છે. આ સાથે જ કેપ્ટનશિપના અન્ય દાવેદારો અંગે પણ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.

વિરાટ કોહલીઃ
પોતાની આક્રમક કેપ્ટનશિપ માટે મશહૂર ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલી બધાં ફોર્મેટમાં ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટનની ભૂમિકા માટે સૌથી યોગ્ય ખેલાડી છે. વિરાટે ધોની દ્વારા અચાનક ટેસ્ટ કેપ્નશિપ છોડી દીધા બાદ ભારતની ટીમને નીચલા સ્થાનેથી બહાર કાઢીને ટેસ્ટ રેન્કિંગમાં ટોચના સ્થાને પહોંચાડી દીધી છે. ભારતમાં ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા અને પછી શ્રીલંકામાં શ્રીલંકાને શ્રેણીમાં હરાવીને ટેસ્ટમાં ફરીથી ભારતની ધાક જમાવી દીધી. આ સાથે જ તે આઇપીએલમાં પણ પોતાની રમત પર કેપ્ટનશિપનો બોજ પડવા દેતો નથી અને સૌથી વધુ રન બનાવીને પર્પલ કેપ પર કબજો જમાવી રાખ્યો છે.

રોહિત શર્માઃ
ભારતીય ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્મા પણ કેપ્ટનશિપના દાવેદારોમાંનો એક છે. મુંબઈ ઇન્ડિયન્સનું નેતૃત્વ કરતા રોહિતે આઇપીએલની બે સિઝનમાં ખિતાબ જીત્યા છે. આ ઉપરાંત રોહિતનું પ્રદર્શન પણ સાતતત્યભર્યું રહ્યું છે અને પોતાની ટીમનું મનોબળ ટકાવી રાખવામાં સફળ રહ્યો છે.

સુરેશ રૈનાઃ
આઇપીએલમાં પહેલી વાર કોઈ ટીમનું નેતૃત્વ કરી રહેલા સુરેશ રૈનાએ પોતાની ટીમને એકજૂથ બનાવી રાખવાની કળાનું સુંદર પ્રદર્શન કર્યું છે અને તેની ટીમ ગુજરાત લાયન્સ સતત ટોચ પર રહેતી આવી છે. રૈનાએ આઇપીએલ અને ભારતીય ટીમના કાર્યવાહક કેપ્ટનના રૂપમાં અગાઉ પણ પોતાના નેતૃત્વના જલવા દેખાડ્યા હતા. સાથે જ તે મહેન્દ્રસિંહ ધોનીનો િવશ્વાસુ પણ છે.

ગૌતમ ગંભીરઃ
લાંબા સમયથી ભારતીય ટીમની બહાર રહેલા દિલ્હીના રણજી અને આઇપીએલમાં કોલકાતા નાઇટ રાઇડર્સનાે કેપ્ટન ગૌતમ ગંભીર પણ રણજી અને આઇપીએલમાં પોતાના સતત સારા પ્રદર્શનથી ભારતીય ટીમમાં વાપસી કરવા થનગની રહ્યો છે અને જો ટીમ ઇન્ડિયામાં તે વાપસી કરી લેશે તો કેપ્ટનશિપના પ્રબળ દાવેદારોમાં તે સામેલ થઈ જશે. ગંભીરની કેપ્ટનશિપમાં દિલ્હીની ટીમે રણજી ટ્રોફીમાં સારું પ્રદર્શન કર્યું હતું અને તે આઇપીએલમાં પણ પોતાની ટીમને ચેમ્પિયન બનાવી ચૂક્યો છે.

You might also like