ભારતીય ઉદ્યોગપતિનો ડ્યુક બોલ વિદેશી ટીમોને પરેશાન કરી રહ્યો છે

નોટિંગહમઃ જો તમે વિચારી રહ્યા હો કે જેમ્સ એન્ડરસન, સ્ટુઅર્ટ બ્રોડ, ક્રિસ વોક્સ અને બેન સ્ટોક્સ જેવા ઇંગ્લિશ બોલર ભારતીય બેટ્સમેનો માટે સૌથી મોટી સમસ્યા છે તો તમે ખોટા છે.

જો એમના હાથમાં લાલ ડ્યૂક બોલ ના હોય તો તેઓ ઇંગ્લિશ કન્ડિશનમાં ભારતીયો સામે મોટી સમસ્યા ના બની શક્યા હોત. લાલ ડ્યૂક બોલનો ઉપયોગ ઈંગ્લેન્ડમાં રમાતી ટેસ્ટ મેચમાં થાય છે. આ બોલની સિલાઈ, સ્વિંગ અને ઉછાળ ટીમ ઇન્ડિયા સહિત બધી વિદેશી ટીમોને ચક્કરમાં નાખી દે છે.

ઈંગ્લેન્ડમાં ડ્યૂક બોલ, ઓસ્ટ્રેલિયામાં કૂકાબુરા અને ભારતમાં એસજી બોલથી ટેસ્ટ મેચ રમાય છે. જ્યારે ઈંગ્લેન્ડમાં વાદળો છવાયેલાં હોય ત્યારે ડ્યૂક બોલ અંદર અને બહાર-બંને તરફ સ્વિંગ થાય છે અને એ જ આ ડ્યૂક બોલની ખાસિયત છે.

બોલની પાછળ એક ભારતીયનું દિમાગઃ ૭૩ વર્ષીય દિલીપ જજોદિયા ૧૯૬૨માં ભારતથી જઈને ઈંગ્લેન્ડમાં વસ્યા. તેમની કંપની મોરેન્ટ ક્રિકેટનો સામાન બનાવવા માંડી. ૧૭૬૦માં સ્થપાયેલી ડ્યૂક કંપનીને દિલીપ જજોદિયાએ ખરીદી લીધી.

જજોદિયા ટેસ્ટ ક્રિકેટર બનવા ઇચ્છતા હતા, પરંતુ એવું બની શક્યું નહીં. હવે તેઓ ‘બોલ મેન’ છે અને એ પણ એક એવો બોલ બનાવનારા, જે ભારતીય ક્રિકેટરો માટે જ ઘાતક બની રહ્યો છે. તેઓ ખુદ ઈંગ્લેન્ડની પ્રત્યેક ટેસ્ટ મેચ માટે ૧૨ બોલ પસંદ કરે છે અને એ જ બોલનો ઉપયોગ ટેસ્ટ મેચમાં કરવામાં આવે છે.

અદ્ભુત સિલાઈઃ જજોદિયા કહે છે, ”એક વ્યક્તિને એક બોલની સિલાઈ કરવામાં ત્રણથી સાડા ત્રણ કલાકનો સમય લાગે છે. જ્યારે હું કોઈ બોલની સિલાઈ જોઉં છું ત્યારે મને ખબર પડી જાય છે કે મારી ફેક્ટરીના કયા વર્કરે એ બોલની સિલાઈ કરી છે. જેવી રીતે કોઈ વ્યક્તિના અક્ષર ઓળખી શકાય છે તેવું જ આ છે.

લોકો એક બેટ માટે ૧૦૦૦ પાઉન્ડ ખર્ચી નાખે છે, પરંતુ તેમને બોલ તો પાંચ પાઉન્ડનો જ જોઈતો હોય છે. ઈંગ્લિશ બોલર જેમ્સ એન્ડરસન વર્તમાન ક્રિકેટનો સૌથી મોટો સ્વિંગર છે. ડ્યૂક બોલ બહુ સમય સુધી જૂનો થતો નથી તેથી તેને રિવર્સ સ્વિંગ મળતી નથી.”

ડ્યૂક બોલની ખાસિયતઃ દિલીપ જજોદિયા કહે છે, ”અમે ચામડાના ચાર ટુકડાની સિલાઈ કરીને એક બોલ બનાવીએ છીએ. ઘણા બોલ બે ટુકડામાંથી બને છે. ચારેય ટુકડા એકસરખી જાડાઈના હોય છે. ચામડાની જાડાઈ ઓછામાં ઓછી ૩.૫ મિલીમીટર હોય છે.

ભારતમાં આવું ચામડું મળતું નથી. ભારતમાં વધુમાં વધુ બે કે અઢી મિલિમીટરની જાડાઈવાળા ચામડાનો ઉપયોગ બોલ બનાવવા માટે થાય છે. ઈંગ્લેન્ડમાં ગાયનું માંસ આસાનીથી મળી જાય છે. ભારતમાં એવું થઈ શકતું નથી. ત્યાર બાદ એક વ્યક્તિ એક બોલની સિલાઈ કરવાના કામમાં લાગી જાય છે.

અમે ચામડા પર ગ્રીસ લગાવીએ છીએ. ગ્રીસ લગાવવાના કારણે બોલ વોટરપ્રૂફ બની જાય છે. જો કોઈ બોલ વધારે ઘેરા રંગનો નજરે પડે તો સમજી લેવાનું કે ચામડાએ વધુ ગ્રીસ શોષી લીધું છે.

You might also like