ભારતે પાક. સેનાના કેપ્ટન સહિત સાતને ઢાળી દીધા

શ્રીનગર: અંકુશ રેખા પર પાકિસ્તાન તરફથી યુદ્ધવિરામ ભંગ અને મંગળવારે માછિલ સેકટરમાં પાકિસ્તાનની કાયરતાપૂર્ણ હરકતનો ભારતીય લશ્કરે જડબાંતોડ જવાબ આપીને પાકિસ્તાનના કેપ્ટન સહિત સાત લોકોને ઢાળી દીધા હતા. ભારતના આ પગલાંથી છંછેડાયેલા પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે જણાવ્યું હતું ભારતે હવે અઘોષિત રીતે પાકિસ્તાન સામે યુદ્ધ શરૂ કરી દીધું છે અને સાથે સાથે તેમણે એવી પણ ચેતવણી આપી છે કે હવે સમગ્ર ક્ષેત્રમાં કોઇ પણ ક્ષણે યુદ્ધ શરૂ થઇ શકે છે.

ભારત તરફથી વળતી કાર્યવાહીમાં પાકિસ્તાની સેનાના એક અધિકારી સહિત ત્રણ સૈનિકોને ઢાળી દેવાયા હતા. આ ઉપરાંત પીઓકેમાં ચાર નાગરિકો માર્યા ગયા હતા. ભારતની જડબાંતોડ કાર્યવાહીથી ફફડી ઊઠેલા પાકિસ્તાનના ડીજીએમઓએ ભારતીય ડીજીએમઓને ફોન કરીને એલઓસી પર તણાવ ઘટાડવા માટે હોટલાઇન પર વાત કરી હતી. જોકે ભારતીય ડીજીએમઓએ તેમને સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું હતું કે જ્યાં સુધી પાકિસ્તાન યુદ્ધવિરામ ભંગ કરવાનું બંધ નહીં કરે અને ત્રાસવાદીઓને ઘૂૂસાડવાનું બંધ નહીં કરે ત્યાં સુધી ભારત તરફથી આ પ્રકારના જડબાંતોડ હુમલા ચાલુ જ રહેશે.

ભારતની જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાની સેનાના એક કેપ્ટન અને ત્રણ સૈનિકો માર્યા ગયા છે. જેમાં કેપ્ટન તૈમૂરઅલીખાન, હવાલદાર મુસ્તાક હુસેન અને લાન્સનાયક ગુલામ હુસેનનો સમાવેશ થાય છે. પાકિસ્તાની ફાયરિંગના જવાબમાં ભારતીય સેનાએ કરેલી આ કાર્યવાહી ર૦૦૩ બાદની સૌથી મોટી કાર્યવાહી હોવાનું જણાવાય છે.

ભારતીય જવાનો પાકિસ્તાનની એ પોસ્ટને નિશાન બનાવી રહ્યા છે જ્યાંથી આતંકવાદીઓને ઘુસાડવા માટે પાકિસ્તાની સેના મદદ કરી રહી છે. પાકિસ્તાની મીડિયાના જણાવ્યા અનુસાર ભારતની જવાબી કાર્યવાહીમાં પીઓકેના દસ લોકો માર્યા ગયા છે. જોકે પાકિસ્તાની સેનાએ પીઓકેમાં ચાર માર્યા ગયાના અને સાત ઘાયલ થયાના અહેવાલોને સમર્થન આપ્યું છે.

પાક. ઘૂંટણિયે પડયુંઃ ડીજીએમઓને ફોન કર્યો
પાકિસ્તાન સાથેની સરહદે વધતા જતા તણાવ અને સીમા પારથી સતત થઇ રહેલા ગોળીબારના કારણે ઉદભવેલી સ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથસિંહે નવી દિલ્હીમાં એક ઉચ્ચસ્તરિય બેઠકનું આયોજન કર્યું હતું. આ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર, ગૃહ સચિવ સહિત ટોચના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

જમ્મુ-કાશ્મીરમાં ર૦૦ આતંકીઓ સક્રિયઃ હંસરાજ આહિર
કેન્દ્ર સરકારે સંસદમાં જણાવ્યું છે કે જમ્મુ-કાશ્મીરમાં ર૦૦ જેટલા આતંકવાદીઓ સક્રિય છે. જેમાંથી ૧૦પ આતંકીઓએ આ વર્ષે પાકિસ્તાનમાંથી ભારતમાં ઘૂસણખોરી કરી છે. રાજ્યસભામાં એક લેખિત જવાબમાં રાજ્ય કક્ષાના ગૃહ પ્રધાન હંસરાજ આહિરે જણાવ્યું હતું કે સરકારે કાશ્મીરની રાજ્ય સરકાર સાથે મળીને સીમા પારથી થઇ રહેલી ઘૂસણખોરી રોકવા માટે બહુઆયામી દૃષ્ટિકોણ અપનાવ્યો છે.
visit : www.sambhaavnews.com

You might also like