આર્મીને ઝટકોઃ ૪૪,૦૦૦ લાઈટ મશીનગન્સ ખરીદવાનો સોદો રદ

નવી દિલ્હી: ભારતીય સેનાને આધુનિક બનાવવાના પ્રયાસોને મોટો ફટકો પડ્યો છે. સંરક્ષણ મંત્રાલયે આર્મીના જવાનો માટે ૪૪,૦૦૦ લાઈટ મશીનગન્સ (એલએમજી) ખરીદવાનો સોદો રદ કરી નાંખ્યો છે. બે વર્ષ દરમિયાન ત્રીજી વખત લશ્કરને આધુનિક બનાવતાં શસ્ત્રોના સોદા પર બ્રેક મારવામાં આવી છે.

આ અગાઉ આર્મી માટે એસોલ્ટ રાઈફલ અને નજીકની લડાઈમાં ઉપયોગી થાય એવી કાર્બાઈન ખરીદવાનો સોદો પણ અટકાવી દેવામાં આવ્યો હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે ૭.૬૨ એમએમ કેલિબર એલએમજીનાં ટેન્ડર અથવા આરપીએફ (રિક્વેસ્ટ ફોર પ્રપોઝલ)ને પાછી ખેંચી લેવામાં આવી છે. વાસ્તવમાં તેની પાછળ સિંગલ વેન્ડર્સ સિચ્યુએશન જવાબદાર હોવાનું જણાવાય છે. ડિસેમ્બર-૨૦૧૫થી લઈને ફેબ્રુઆરી ૨૦૧૭ દરમિયાન એકલી ઈઝરાયેલી વેપન ઈન્ડસ્ટ્રી (આઈડબ્લ્યુઆઈ) આ સોદામાં સામેલ થતા સિંગલ વેન્ડર સિચ્યુએશન ઊભી થઈ છે.

એલએમજી ખરીદીનો આ સમગ્ર પ્રોજેક્ટ રૂ. ૧૩,૦૦૦ કરોડનો હતો. આ પ્રક્રિયા હેઠળ વિદેશી શસ્ત્ર કંપની પાસેથી ૪૪,૦૦૦ લાઈટ મશીનગન સીધી ખરીદવાની હતી. ત્યાર બાદ હથિયારનાં સ્વદેશી ઉત્પાદન માટે શસ્ત્ર કંપની સાથે ટેકનોલોજી ટ્રાન્સફરનો કરાર થવાનો હતો. સંરક્ષણ મંત્રાલયે ગઈ સાલ ૪૪૬૧૮ ક્લોઝ ક્વાર્ટર બેટલ કાર્બાઈનની ખરીદીનું ટેન્ડર પણ રદ કર્યું હતું. આ ટેન્ડર ૨૦૧૦માં રિલીઝ કરવામાં આવ્યું હતું.

You might also like