બીમાર નોકરાણીને કૂતરા સાથે સુવડાવતી હતી ભારતીય મૂળની અમેરિકી સીઈઅો

વોશિંગ્ટન: અમેરિકામાં અાઈટી ફર્મની એક ભારતીય-અમેરિકી સીઈઅો પોતાની નોકરાણી સાથે ખૂબ જ ખરાબ વર્તન કરતી હતી. તે અંગેનો કેસ દાખલ થયો છે. નોકરાણી ભારતથી અમેરિકા સીઈઅોના ઘરે કામ કરવા અાવી હતી. અમેરિકાના શ્રમ વિભાગની ફરિયાદ મુજબ રોજ ઇન્ટરનેશનલ અને અાઈટી સ્ટાફિંગ કંપનીની સીઈઅો હિમાંશુ ભાટિયા પર અાક્ષેપ છે કે જ્યારે તેની નોકરાણી બીમાર પડતી તો ભાટિયા તેને પોતાના ગેરેજમાં એક ચટાઈ પર પાલતુ કૂતરાની બાજુમાં સુવા મજબૂર કરતી હતી.

ભાટિયા પર અાક્ષેપ છે કે જ્યારે તે થોડા દિવસો માટે બહાર જતી તો નોકરાની નિંગવાલના ખાવાની વ્યવસ્થા પણ કરતી નહોતી. અાક્ષેપ મુજબ ભાટિયાઅે તેનો પાસપોર્ટ પોતાના કબજામાં લીધો હતો. તે નોકરાણીને ક્યાંય પણ જવા-અાવવા દેતી ન હતી.

પોતાની અા સહાયકને તે ૪૦૦ અમેરિકી ડોલર ખાવા અને રહેવાની જગ્યા અાપતી હતી. તે સહાયક સાથે એક દિવસમાં ૧૫ કલાક અને અઠવાડિયામાં સાત દિવસ કામ કરાવતી હતી. ઘરેલુ સહાયિકા સૈન જુવાન સ્થિત ઘર પર કામ કરતી હતી. સહાયિકાનું નામ શીલા નિંગવાલ છે. સીઈઅો નોકરાણી સાથે પોતાના મિયામી, લાસવેગાસ અને કેલિફોર્નિયા સ્થિત લોંગ બીચમાં પણ તે કામ કરતી હતી.

અમેરિકી શ્રમ પ્રધાન થોમર્સ ઈ પેરેજે ૨૨ અોગસ્ટે કેલિફોર્નિયાની એક સ્થાનિક અદાલતમાં ભાટિયા પર નોકરાણી સાથે ખરાબ વર્તન કરવાની અને તેનું શોષણ કરવાની ફરિયાદ દાખલ કરી.  ફરિયાદ મુજબ ડિસેમ્બર ૨૦૧૪માં ભાટિયાઅે નિંગવાલને ઇન્ટરનેટ પર શ્રમ કાયદા અંગે જાણકારી લેતાં જોઈ તો તેણે નિંગવાલને એક કાગળ પર સહી કરવા કહ્યું પરંતુ તેને ઇન્કાર કર્યો. નિંગવાલના જણાવ્યા મુજબ કાગળ પર લખ્યું હતું કે ભાટિયા તેને સારો પગાર અાપે છે અને તેમની વચ્ચે નોકરી સાથે જોડાયેલો કોઈ વિવાદ નથી.

સહી કરવાનો ઇન્કાર કરતાં ભાટિયાઅે નિંગવાલને નોકરી પરથી કાઢી મૂકી. તપાસમાં જાણવા મળ્યું કે ભાટિયાઅે જુલાઈ ૨૦૧૨થી ડિસેમ્બર ૨૦૧૨ની વચ્ચે અમેરિકી શ્રમ કાયદાનું ઉલ્લંઘન કર્યું હતું.

દિલ્હીમાં ભણેલી ભાટિયા ૧૯૮૭માં વધુ અભ્યાસ માટે અમેરિકા ગઈ હતી. અભ્યાસ બાદ તેણે અમેરિકામાં જ નોકરી શરૂ કરી. ૧૯૯૩માં તેણે રોઝ ઇન્ટરનેશનલની સ્થાપના કરી. તેણે અગ્રણી ભારતીય અમેરિકી મહિલા ઉદ્યમીઅોમાંથી એક માનવામાં અાવે છે. રોઝ ઇન્ટરનેશનલનું વાર્ષિક ટર્નઅોવર ૨૩૦૦ કરોડથી વધુ છે.

You might also like