મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન મિતાલીના એક જ દિવસમાં બે વર્લ્ડ રેકોર્ડ

લંડનઃ ભારતમાં ક્રિકેટ કે ક્રિકેટરની વાત કરવામાં આ‍વે તો બધાની નજર પુરુષ ક્રિકેટ ટીમ અને તેના ખેલાડીઓ તરફ ટકેલી રહે છે, પરંતુ શું તમે જાણો છો કે ઈંગ્લેન્ડમાં હાલ મહિલા વર્લ્ડકપ રમાઈ રહ્યો છે અને એ ટૂર્નામેન્ટની ઉદ્ઘાટન મેચમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઈંગ્લેન્ડ સામે શાનદાર જીત મેળવી. એ જીત દરમિયાન ભારતીય ટીમની મહિલા ખેલાડીએ એ રેકોર્ડ સર્જી દીધો, જે મહિલા ક્રિકેટ ઇતિહાસમાં કોઈ પણ ખેલાડીના નામ પર નહોતો.

ભારતે ઈંગ્લેન્ડ સામે ૩૫ રનથી શાનદાર જીત નોંધાવી. એ જીતમાં ભારતીય મહિલા બેટ્સવુમન પૂનમ રાઉત, સ્મૃતિ અને મિતાલી રાજની બેટિંગનું જબરદસ્ત યોગદાન રહ્યું, પરંતુ એ મેચ ભારતીય કેપ્ટન મિતાલ માટે બહુ જ ખાસ બની ગઈ. તેણે એ મેચમાં ૭૧ રનની ઇનિંગ્સ રમી. વન ડે ક્રિકેટમાં એ તેની સતત સાતમી અર્ધસદી હતી. મિતાલી હવે દુનિયાની પહેલી એવી મહિલા ક્રિકેટર બની ગઈ છે, જેણે સતત સાત વન ડે મેચમાં અર્ધસદી ફટકરી હોય. તેણે ઈંગ્લેન્ડની શાર્લોટ એડવર્ડ્સની સાથે ઓસ્ટ્રેલિયાની લિન્ડસે રિલર અને એલિસ પેરીનો પણ પાછળ છોડી દીધી છે. આ ત્રણેયના નામે સતત છ અર્ધસદી ફટકારવાનો રેકોર્ડ નોંધાયેલો હતો.

૩૪ વર્ષીય મિતાલીનું બેટ હાલના દિવસોમાં રન મશીન સાબિત થઈ રહ્યું છે. તેણે પોતાની સાત વન ડે ઇનિંગ્સમાં ૭૦*, ૬૪, ૭૩*, ૫૧*, ૫૪, ૬૨* અને ૭૧ રનની ઇનિંગ્સ રમી છે. મિતાલીની વન ડે કરિયરની વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં ૧૭૮ મેચમાં ૫૨.૨૫ની સરેરાશથી મિતાલીએ કુલ ૫૮૫૨ રન બનાવ્યા છે. તેણે પોતાની કરિયરમાં અત્યાર સુધીમાં પાંચ સદી ફટકારી છે. આ ઉપરાંત તેણે રેકોર્ડ બ્રેક ૪૭ અર્ધસદી પણ ફટકારી છે.

‘તમે આવો સવાલ ક્યારેય પુરુષ ક્રિકેટરને પૂછ્યો છે?’
મિતાલીને એક પત્રકારે ‘ભારત-પાક.ના પુરુષ ખેલાડીઓમાંથી કયા પ્લેયરો તમારા ફેવરિટ છે?’ એવો સવાલ પૂછ્યો ત્યારે તેણે ફટ દઈને મિતાલી રાજે કહી દીધું કે, ‘તમે આવો જ સવાલ ક્યારેય કોઈ પુરુષ ક્રિકેટરને પૂછ્યો છે? તમે ક્યારેય તેને પૂછો છો કે કઈ મહિલા ક્રિકેટર તમારી ફેવરિટ ખેલાડી છે? મને ઘણી વાર આવો સવાલ પુછાતો હોય છે, પરંતુ મારી પત્રકારોને સલાહ છે કે પુરુષ ખેલાડીઓને કઈ મહિલા પ્લેયર તમારી ફેવરિટ એવો પ્રશ્ર્ન પૂછવો જોઈએ.’
http://sambhaavnews.com/

You might also like