કેપટાઉનમાં શ્રેણી જીતવા ભારતે આજે આ ‘ચક્રવ્યૂહ’ સાથે ઉતરશે મેદાનમાં..

કેપટાઉનઃ ભારતીય ક્રિકેટ ટીમ આજે લગભગ બે મહિના લાંબા દક્ષિણ આફ્રિકાના પ્રવાસનો અંત જીત સાથે કરવા મેદાનમાં ઊતરવાની છે. ભારત અને યજમાન દક્ષિણ આફ્રિકા વચ્ચે કેપટાઉનના ન્યૂલેન્ડ્સ મેદાન પર ટી-૨૦ શ્રેણીની અંતિમ મેચ રમાશે. આજની મેચ ફાઇનલ સમાન બની છે, કારણ કે બંને ટીમ શ્રેણીમાં ૧-૧ની બરોબરી છે.

આજે જે ટીમ જીતશે તે ટી-૨૦ શ્રેણી પોતાના નામે કરી લેશે. ટેસ્ટ શ્રેણીમાં ૧-૨ના પરાજય પછી ટીમ ઇન્ડિયા વન ડે શ્રેણી પર ૫-૧થી કબજો જમાવ્યો હતો. આ સ્થિતિમાં ટીમ ઇન્ડિયા ટી-૨૦ શ્રેણીમાં જીત હાંસલ કરીને એક નવો ઇતિહાસ રચવા ઇચ્છે છે.

કેપટાઉનના મેદાન પર ભારતીય ટીમ પહેલી વાર ટી-૨૦ મેચ રમવાની છે. આ સ્થિતિમાં દક્ષિણ આફ્રિકાની ટીમની પાસે પરિસ્થિતિઓની બધી જ જાણકારી છે, પરંતુ તેમનો રેકોર્ડ પણ આ મેદાન પર સારો નથી રહ્યો. મેચ લો સ્કોરિંગ રહેવાની પૂરી શક્યતા છે.

ગઈ કાલે મેચની પૂર્વસંધ્યાએ દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન ફરહાન બેહર્ડીને કહ્યું, ”૧૬૦થી ૧૮૦ રનનો સ્કોર મેદાન પર વિનિંગ સ્કોર બની રહેશે. મેચ સ્થાનિક સમય પ્રમાણે સાંજે ૬.૦૦ વાગ્યે શરૂ થશે. આ સમયે મેદાન પર પવન વીંઝાવો શરૂ થઈ જાય છે. ઝડપી પવનને કારણે બોલ થોડો સ્વિંગ થશે.

ફિલ્ડિંગમાં પણ હવાની અસર જોવા મળશે, કારણ કે કેચ લેવામાં હવાને કારણે મુશ્કેલી પડે છે. આની સાથે મેદાનની બાઉન્ડ્રી સેન્ચુરિયનની સરખામણીએ મોટી છે. આ મેદાન પર ચોગ્ગા-છગ્ગા ફટકારવા આસાન નહીં હોય.

મોટી બાઉન્ડ્રી હોવાને કારણે ભારત માટે સ્પિન બોલર્સ કુલદીપ અને ચહલની જોડી કમાલ કરી શકે છે, કારણ કે જે બોલ પર સેન્ચુરિયનમાં આસાનીથી બોલ બાઉન્ડ્રીની બહાર જઈ રહ્યો હતો એવી રીતે અહીં છગ્ગો ફટકારવા માટે બેટ્સમેને બહુ મહેનત કરવી પડશે. કેપટાઉનમાં બોલ હવામાં બહુ દૂર જઈ શકતો નથી, તેના કારણે બેટ્સમેન કેચઆઉટ થઈ શકે છે.

આ તમામ પરિસ્થિતિમાં ભારતીય ટીમના બોલિંગ આક્રમણને સ્વિંગ અને સ્પિન બોલિંગની આસપાસ રાખવું પડશે. વન ડેની સ્ટાર સ્પિન જોડીને ફરી એક વાર આજે પોતાની તાકાત દેખાડવાનો કેપટાઉનમાં મોકો મળશે.

ફાસ્ટ બોલિંગની કમાન સ્વિંગના શહેનશાહ ભુવનેશ્વરકુમાર, બૂમરાહ અને ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાના હાથોમાં રહેશે. આ બોલર્સ જ ટીમ ઇન્ડિયાને જીતના દરવાજા સુધી પહોંચાડી શકે છે.

You might also like