ભારત ઈરાનને ઓઈલનું પેમેન્ટ રૂપિયામાં કરશે

નવી દિલ્હી: ભારતે ઇરાન સાથે ટ્રેડ બંધ કરવાની અમેરિકાની ધમકીનો ઉકેલ શોધી કાઢ્યો છે. ભારત હવે નવેમ્બરથી પોતાના ક્રૂડ ઓઇલના ત્રીજા નંબરના મોટા સપ્લાયર ઇરાનને રૂપિયામાં પેમેન્ટ કરી શકશે. ઇરાને પણ ભારતને મોટી છૂટછાટ આપીને રૂપિયામાં પેમેન્ટ કરવા માટે મંજૂરી આપી હોવાનું જાણવા મળે છે.

એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા પ્રમાણે જાહેર ક્ષેત્રની સૌથી મોટી ઓઇલ કંપની આઇઓસી અને મેંગ્લોર રિફાઇનરી એન્ડ પેટ્રોકેમિકલ્સ લિ. ઇરાનથી ક્રૂડ ઓઇલની આયાત માટે યુકો બેન્ક અથવા આઇડીબીઆઇ બેન્ક દ્વારા પેમેન્ટ કરી શકશે.

ઇરાન પર અમેરિકાના પ્રતિબંધ ૪ નવેમ્બરથી લાગુ પડી જશે અને તમામ બેન્કિંગ ચેનલ બ્લોક થઇ જશે. સપ્ટેમ્બરમાં ખરીદવામાં આવેલ ઓઇલ માટે ઇરાનને નવેમ્બરમાં પેમેન્ટ કરવામાં આવશે કેમ કે ઇરાન ભારતને ૬૦ દિવસની ક્રેડિટ આપે છે.

અધિકારીએ જણાવ્યું હતું કે ઇરાન ભારતને ક્રૂડ ઓઇલના સપ્લાય માટે રૂપિયામાં પેમેન્ટ સ્વીકારવા તૈયાર છે. ભારતે ચાલુ વર્ષે ઇરાન પાસેથી અઢી કરોડ ટન ઓઇલની આયાત કરવાની યોજના તૈયાર કરી છે.

You might also like