પાકિસ્તાનને અંકુશમાં રાખવા ભારતે પણ ઈઝરાયલ જેવી નીતિ અપનાવવી પડશે

728_90

ઈઝરાયલનો મિજાજ મર્દાના છે અને એ દુશ્મનને ઊગતો ડામી દેવામાં માને છે ત્યારે સવાલ એ છે કે પાકિસ્તાન જેવો નાનો દેશ ભારતને વર્ષોથી સતત નડતરરૂપ બની રહ્યો છે અને તેણે પાળેલા આતંકવાદીઓ દ્વારા છાશવારે ભારતમાં ઘૂસણખોરી કરાવી હુમલા કરાવે છે તેમ છતાં ભારત તરફથી પાકિસ્તાનની આવી હરકતોનો કોઈ આકરો જવાબ આપવાની તરકીબ કેમ શોધાતી નથી?

ભારતને કાયમ દુશ્મન માનતા પાકિસ્તાનને તેની ભાષામાં જ જવાબ આપવાનો સમય આવી ગયો છે અને ભારતે પણ ઈઝરાયલ જેવી નીતિ અપનાવવી પડશે. સીરિયામાં લાંબા સમયથી આંતરવિગ્રહ ચાલે છે ને આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ સીરિયા પર કબજો કરવા મથે છે. સીરિયામાં હોળી તો વરસોથી સળગેલી જ છે પણ એ વધારે ભડકી તેનાં મૂળમાં થોડા સમય પહેલાં આવેલી આરબ સ્પ્રિંગ નામની આંધી છે.

સોશિયલ મીડિયાના કારણે આરબ રાષ્ટ્રોમાં વરસોથી જામી ગયેલા સત્તાધીશો સામે બળવાનો વાવર ફેલાયો. રસ્તા પર આવી ગયેલા લોકોએ લીબિયાના કર્નલ મુઅમ્મર ગદ્દાફી સહિત કેટલાય સરમુખત્યારોને ઉખાડીને ફેંકી દીધા. આ ક્રાંતિની અસર સીરિયામાં પણ થઈ. સીરિયામાં વરસોથી જામેલા બશર અલ-અસદને ઘરભેગો કરવા લોકો રસ્તા પર ઊતરી આવ્યા ને વિરોધ પ્રદર્શનો શરૂ થયાં. વિરોધીઓએ રાજકીય કેદીઓની મુક્તિ અને અસદના રાજીનામાની માગ કરી પણ અસદે પોતાની શક્તિનો ઉપયોગ કરીને વિરોધ પ્રદર્શનો ખતમ કરવાની કોશિશ કરી.

રશિયાએ તેમાં અસદને પૂરેપૂરી મદદ કરી. તેના કારણે અસદની સરકાર અને વિદ્રોહીઓ વચ્ચે સશસ્ત્ર જંગ છેડાઇ ગયો. સીરિયાની સરકારે સેંકડો આંદોલનકારીઓને માર્યા અને જેલભેગા કરી દીધાં. એ જ દરમિયાન ઇસ્લામિક સ્ટેટે સીરિયામાં ઝંપલાવ્યું અને કાળો કેર વર્તાવવાનો શરૂ કર્યો. જુલાઇ ૨૦૧૧ માં અસદ વિરોધી સંગઠનોએ પોતાની સેના ઊભી કરી અને અસદ સરકારને ઉખાડી ફેંકવાના ઉદ્દેશ સાથે જંગ શરૂ કર્યો એટલે સીરિયા રણમેદાન જ બની ગયું.

સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ અસદ રશિયાના પીઠ્ઠુ છે ને અમેરિકા સાથે તેમને બનતું નથી. ઈરાન પણ અમેરિકાનું વિરોધી છે ને તેને ઈસ્લામિક સ્ટેટ તરફથી પણ ખતરો છે કેમ કે ઈસ્લામિક સ્ટેટ ઘોર શિયા વિરોધી સંગઠન છે. રશિયાને અમેરિકાની દાદાગીરી ઓછી કરીને દુનિયામાં પોતાનું વર્ચસ્વ ફરી જમાવવામાં રસ છે તેથી આ ત્રણેય ભેગા થઈ ગયાં છે.

ઈઝરાયલની સરહદ સીરિયાને અડકે છે ને ઈરાન સીરિયામાં જામી જાય તો પછી કાલે ઊઠીને તેની નજર ઈઝરાયલ પર પણ બગડે. ઈઝરાયલ આ વાત સમજે જ છે તેથી ઈરાનની હિંમત વધે ને એ કોઈ દુ:સાહસ ના કરે એટલે તેણે ઈરાનને પરચો આપી દીધો. ઈરાનમાં સમજદારી હશે તો એ અહીંથી અટકી જશે ને ફરી ઈઝરાયલને સળી નહીં કરે. બાકી ઈરાનવાળા મરવાના થયા હશે તો પાછા કંઈક કરશે ને ઈઝરાયલ પાછો આ જ ભાષામાં જવાબ આપશે.

ઈઝરાયલે જે કંઈ કર્યું એ જોઈને મજા આવી ગઈ પણ સાથે સાથે દુ:ખ પણ થાય. દુ:ખ ઈઝરાયલે ઈરાનને પાંસરું કર્યું તેનું નથી પણ આપણે ઈઝરાયલની જેમ મરદની માફક કેમ નથી વર્તી શકતા તેનું છે. ઈઝરાયલની અને આપણી હાલતમાં ફરક નથી. બલ્કે આપણી હાલત વધારે ખરાબ છે.

પાકિસ્તાનના આતંકવાદીઓ અવારનવાર ભારત પર હુમલા કરે છે છતાં આપણે કશું કરી શકતા નથી. ઈઝરાયલ સીરિયામાં ઘૂસીને દુશ્મનો પર બોમ્બ ફેંકી આવે છે ને આપણે આપણા દેશમાં ઘૂસી આવેલા આતંકવાદીઓને પહોંચી શકતા નથી. આપણે સર્જિકલ સ્ટ્રાઈક કરીએ તો પણ રાતનાં અંધારામાં કરવી પડે છે ને ઈઝરાયલની જેમ ડંકે કી ચોટ પર તો આપણાથી કશું બોલાતું જ નથી.

ઈઝરાયલની સરહદ ઉત્તર-પૂર્વમાં સીરિયાને અડકે છે તાજેતરમાં ઈઝરાયલની લશ્કરી છાવણી પર સીરિયામાંથી મિસાઈલ અને રોકેટમારો થયો. ઈઝરાયલે સીરિયાની સરહદ પર ગોલન હાઈટ્સ પર કબજો કર્યો છે. ઈઝરાયલે પોતાનાં મિલિટરી પ્લેન રવાના કર્યાં ને સીરિયામાં બોમ્બમારો કરીને મેદાન સાફ કરી દીધું.

સીરિયામાં લાંબા સમયથી હોળી સળગેલી છે. સીરિયામાં વરસોથી જામેલા બશર અલ-અસદને ઘરભેગો કરવા એક બાજુ ઈસ્લામિક સ્ટેટ મચી પડ્યું છે ને બીજી બાજુ લોકો પણ મેદાનમાં આવી ગયા છે.

You might also like
728_90