ભારતને ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબ બનાવાશે : મોદી

મુંબઈ : દેશમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરને વેગ આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુંબઈના વરલી ખાતે આવેલા નેશનલ સ્પોર્ટસ ક્લબ ઓફ ઈન્ડિયામાં ‘મેક ઈન ઈન્ડિયા સપ્તાહ’ને ખૂલ્લું મૂક્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ભારતની ૬૫ ટકા વસતિ ૩૫ વર્ષથી નીચેની (યુવા) છે અને તે દેશની સૌથી મોટી તાકાત છે. આપણે ભારતને ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબ બનાવવા માંગીએ છીએ. વડાપ્રધાન મોદીએ ઉમેર્યું  કે વેપાર ધંધો કરવા માટે મેક ઈન ઈન્ડિયા સરળ મંચ છે.

તેમણે કહ્યું કે તેમની સરકારે સત્તા સંભાળી તે દિવસથી અત્યાર સુધીમાં એફડીઆઈમાં ૪૮ ટકાનો વધારો થયો છે. એક વર્ષમાં મેક ઈન ઈન્ડિયા ભારતનું અત્યાર સુધીનું સૌથી મોટું અભિયાન બની ગયું છે. હાલ ભારત સંભવત એફડીઆઈ માટે સૌથી સરળ અને મુક્ત દેશ છે. તેમણે પાછલી અસરથી વેરા લાગૂ નહીં કરવાની તેમની પ્રતિબધ્ધતા દોહરાવી હતી. ભારતના અર્થતંત્રના વિકાસમાં પોતાનો વિશ્વાસ વ્યક્ત કરતાં મોદીએ કહ્યું કે ચાલુ નાણાંકીય વર્ષનો અંત જીડીપીમાં ૭ ટકા કરતાં વધુ વિકાસ દર સાથે થશે.

તેમણે ઉમેર્યું કે તેમણે પ્રણાલિઓને ચોખ્ખી, સરળ, હકારાત્મક અને વેપારને અનુકુળ બનાવી છે. ભારતને વિપુલ તકોની ભૂમિ ગણાવીને તેમણે કહ્યું કે દેશને ત્રણ ડી – ડેમોક્રસી(લોકશાહી), ડેમોગ્રાફી (વસતિશાસ્ત્ર)અને ડિમાન્ડ (માંગ)-ના આશીર્વાદ પ્રાપ્ત છે. તેમણે તેમાં ચોથો ડી – ડીરેગ્યુલેશન (નિયંત્રણમુક્તિ)ઉમેર્યો હતો. તેમણે કહ્યું કે  ‘મેક ઈન ઈન્ડિયા’ અભિયાને તેમને વિશ્વાસ આપ્યો છે, જે નીતિ અને પ્રક્રિયાને વધુ સરળ બનાવવા માટે તેમને પ્રેરણા પૂરી પાડે છે.

તેમણે કહ્યું કે ચાલુ ત્રિમાસિક ગાળામાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો વિકાસ દર ૧૨.૬ ટકા રહેવાની આશા છે.

તેમણે ઉમેર્યું કે આ વર્ષે કોલસાનું અત્યાર સુધીનું સૌથી વધુ ઉત્પાદન થયું છે. આ ઉપરાંત ૨૦૧૫માં મોટર વ્હીકલનું અત્યાર સુધીનું સૌથી વધુ ઉત્પાદન થયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વિડનના વડાપ્રધાન સ્ટીફન લોફવેન અને ફિનલેન્ડના વડાપ્રધાન જૂહા પેટ્રી સિપિલાની હાજરીમાં અત્રે એમએમઆરડીએ ગ્રાઉન્ડ પર  મેક ઈન ઈન્ડિયા સેન્ટરને ખૂલ્લું મૂકીને ‘મેક ઈન ઈન્ડિયા’ સપ્તાહનો પ્રારંભ કરાવ્યો હતો.

નવી શોધો,ડિઝાઈન અને સાતત્યતા અંગેની થીમ આધારિત મેક ઈન ઈન્ડિયા સેન્ટરમાં સપ્ટેમ્બર, ૨૦૧૪માં  ‘મેક ઈન ઈન્ડિયા’ અભિયાનની શરૂઆત થયા બાદ સૌ પ્રથમ વખત દેશના કેટલાક તદ્દન આધુનિક અને ટ્રેન્ડ સ્થાપિત કરે તેવા ઉત્પાદનો અને ઉત્પાદન પ્રક્રિયા વિશ્વ સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે. ઉદઘાટન બાદ તરત જ મોદી લોફવેન અને સિપિલા સાથે ઓટોમોબાઈલ થી માંડીને સંરક્ષણ અને સ્પેસ ટેક સુધીના વિવિધ ક્ષેત્રોમાં ઈનોવેશન, ડિઝાઈન અને સાતત્યતામાં ભારતના કૌશલ્ય અને નિષ્ણાત હોવાનું દર્શાવતા શ્રેષ્ઠ નમૂના નિહાળવા માટે મેગા પેવેલિયનોની મુલાકાત લીધી હતી.

ત્યારબાદ સાંજે એનએસસીઆઈ ગ્રાઉન્ડ ખાતે મુખ્ય કાર્યક્રમ ‘મેક ઈન ઈન્ડિયા વીક’ ની વિધિવત શરૂઆત કરવામાં આવી હતી.  તેમાં ભારતને વૈશ્વિક રીતે ‘પ્રીફર્ડ મેન્યુફેક્ચરિંગ ડેસ્ટિનેશન’ તરીકે રજૂ કરવામાં આવ્યું હતું.  આ સપ્તાહ (ફેબ્રુઆરી ૧૩ થી ૧૮) સુધી ભારતીય અને વૈશ્વિક ઉદ્યોગ અગ્રણીઓ, કેન્દ્ર અને રાજ્ય સરકારો અને અન્ય હિસ્સેદારોના સંપર્ક માટે વિપુલ તકો ઉપલબ્ધ કરાવશે.

આ પ્રયાસને વધુ જોમ પૂરું પાડવા માટે દેશભરમાં નીતિઓ, વેપારમાં સરળીકરણ, સીધું વિદેશી મૂડીરોકાણ, બૌધ્ધિક સંપદા અધિકારો, રાષ્ટ્રીય ઉત્પાદન અને સંબંધિત વિષયો પર મહત્વના ૨૦ ક્ષેત્રો માટે સ્ટેટ ઈન્વેસ્ટમેન્ટ સેમીનાર, ગ્રૂપ અને પેનલ ડિસ્કશન, પ્રદર્શનો અને અન્ય કાર્યક્રમો યોજાશે.

You might also like