રાહુલ, કોહલી, જાડેજાએ ધમાલ મચાવી ભારતને સરસાઈ અપાવી

સેન્ટ કિટ્સઃ શાનદાર ફોર્મમાં રમી રહેલા લોકેશ રાહુલ (૬૧)ની સતત બીજી અર્ધસદી અને કેપ્ટન વિરાટ કોહલી (૫૧) સાથે તેની અર્ધસદીની ભાગીદારી તેમજ રવીન્દ્ર જાડેજા (૫૬)ની મદદથી ભારતે વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ બોર્ડ પ્રેસિડેન્ટ ઈલેવન વિરુદ્ધ ત્રણ દિવસીય પ્રેક્ટિસ મેચના બીજા દિવસે ઓલઆઉટ થતાં પહેલાં ૩૬૪ રન ખડકી દીધા હતા. વિન્ડીઝ બોર્ડ પ્રેસિડેન્ટ ઈલેવને બીજા દિવસની રમત બંધ થઈ ત્યાં સુધી કેપ્ટન જોન્સનની વિકેટ ગુમાવીને ૨૬ રન બનાવી લીધા હતા. વિન્ડીઝની ટીમ હજુ પણ ભારતના સ્કોર કરતાં ૧૫૮ રન પાછળ છે અને તેની નવ વિકેટ બાકી છે. ઉલ્લેખનીય છે કે ભારતીય સ્પિન ત્રિપુટીના આક્રમણ સામે વિન્ડીઝ બોર્ડ પ્રેસિડેન્ટ ઈલેવનની ટીમ પહેલા દાવમાં ૧૮૦ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

ગઈ કાલે મેચના બીજા દિવસે રાહુલને સાથ આપવા માટે વિરાટ કોહલી મેદાનમાં ઊતર્યો હતો. બંનેએ લંચ સુધીમાં શાનદાર તાલમેલનો પરિચય આપતા કેરેબિયન બોલર્સને સફળતાથી વંચિત રાખ્યા હતા. એ દરમિયાન રાહુલે સતત બીજી અર્ધસદી ફટકારી. લંચ બાદ રાહુલ જ્યારે ૬૧ રને રમી રહ્યો હતો ત્યારે તેણે રિટાયર થવાનું પસંદ કર્યું હતું. ત્યાર બાદ વિરાટે પોતાની અર્ધસદી પૂરી કરી હતી, પરંતુ ત્યાર બાદ તરત જ કોર્નવોલની બોલિંગ તે ૫૧ રન બનાવી એલબી આઉટ થઈ ગયો હતો.

અજિંક્ય રહાણે (૩૨) અને સ્ટુઅર્ટ બિન્ની (૧૬)એ છઠ્ઠી વિકેટની ભાગીદારીમાં ૪૪ રન જોડ્યા હતા. બંને કોર્નવોલનો શિકાર બન્યા હતા, જોકે ઇનિંગ્સ પહેલાં રવીન્દ્ર જાડેજાએ પણ શાનદાર બેટિંગ કરી હતી અને ૬૧ બોલમાં આઠ ચોગ્ગા સાથે ૫૬ રન ઝૂડી કાઢ્યા હતા અને ભારતનો સ્કોર ૩૬૪ રન સુધી પહોંચાડવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

You might also like