ટેસ્ટ : ભારતનો ટોપ ઓર્ડર નિષ્ફળ, અશ્વિને સંભાળી રમત

સેન્ટ લુસિયા : ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે શરૂ થયેલી ત્રીજી ટેસ્ટના પ્રથમ દિવસના અંતે વેસ્ટ ઇન્ડિઝ તરફથી શાનદાર બોલિંગ પ્રદર્શન સામે ભારતીય ટોપ ઓર્ડરના બેટ્સમેનો નિષ્ફળ રહ્યા હતા. એક સમયે ભારતે 87 રનમાં 4 મહત્વપૂર્ણ વિકેટ ગુમાવી દેતાં મોટા સ્કોરની આશા પણ નહીંવત થઇ ગઇ હતી. પરંતુ ભારતના સંકટમોચક બનીને આવેલ આર. અશ્વિને ટીમ ઇન્ડીયાની રમત સંભાળી લેતા દિવસના અંતે ભારતે 5 વિકેટના નુકસાન પર 234 રન બનાવી લીધા હતા. રમતના અંતે અશ્વિન 75 અને રિદ્ધિમાન સાહા 46 રને અણનમ રહ્યા હતા.

આ અગાઉ વેસ્ટ ઇન્ડિઝના સુકાનીએ ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ આપી હતી. ભારતીય ઇનિંગ્સનો પ્રારંભ રાહુલ અને શિખર ધવને કર્યો હતો. રાહુલે 50 રન બનાવ્યા હતા. તે સિવાય ભારતીય ટોપ ઓર્ડર નિષ્ફળ રહ્યો હતો. જેમાં શિખર ધવન 1, વિરાટ કોહલી 3, રોહિત શર્મા 9 રન બનાવી આઉટ થયા હતા. જ્યારે રહાણે 35 રનનું યોગદાન આપ્યું હતું.

અશ્વિને પોતાની શાનદાર ઇનિંગ્સ રમતા પ્રથમ રહાણે સાતે 39 રનની ભાગીદારી નોંધાવી હતી. રહાણેના આઉટ થયા બાદ અશ્વિને અને સાહાએ ભારતીય રમતને સંભાળી લીધી હતી. તે બંનેએ છઠ્ઠી વિકેટ માટે અણનમ 108 રનની ભાગેદારી નોંધાવી ભારતીય ટીમને એક સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી હતી. દિવસના અંતે ભારતે 5 વિકેટે 234 રન બનાવ્યા હતા. અશ્વિન 75 અને સાહા 46 રને રમતમાં છે. વેસ્ટ ઇન્ડિઝ તરફથી જોસેફ અને ચેસ બે-બે વિકેટ ઝડપી હતી જ્યારે ગાબ્રિએલે એક વિકેટ ઝડપી હતી. ચાર મેચની ટેસ્ટ શ્રેણીમાં ભારત પહેલેથી 1-0થી આગળ છે.

You might also like