ભુવીની ઘાત બોલિંગ સામે વિન્ડીઝ ઘૂંટણિયે પડ્યું

સેન્ટ લૂસિયાઃ ટીમ ઇન્ડિયાએ ડેરેન સેમી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં વેસ્ટ ઇન્ડીઝ સામે ચાલી રહેલી ત્રીજી ટેસ્ટ મેચના ગઈ કાલે ચોથા દિવસની રમત પૂરી થઈ ત્યાં સુધીમાં ત્રણ વિકેટે ૧૫૭ રન બનાવી લઈને કુલ ૨૮૫ રનની સરસાઈ હાંસલ કરી લીધી છે. ભારતે પહેલા દાવમાં ૩૫૩ રન બનાવ્યા હતા. ગઈ કાલે ભુવનેશ્વરકુમાર (૩૩ રનમાં પાંચ વિકેટ)ની કાતિલ બોલિંગ સામે વેસ્ટ ઇન્ડીઝની ટીમનો વાવટો માત્ર ૨૨૫ રનમાં જ સમેટાઈ જતાં ભારતને ૧૨૮ રનની મહત્ત્વપૂર્ણ સરસાઈ મળી હતી.

ટેસ્ટ મેચના બીજા દિવસની રમત પૂરી થઈ ત્યારે વેસ્ટ ઇન્ડીઝે મજબૂત શરૂઆત કરતા એક વિકેટે ૧૦૭ રન બનાવ્યા હતા. ત્રીજા દિવસની રમત વરસાદના કારણે ધોવાઈ ગઈ હતી. ગઈ કાલે ચોથા દિવસે ઈશાંત શર્માએ ડેરેન બ્રાવો (૨૯)ને કેચ આઉટ કરાવીને વેસ્ટ ઇન્ડીઝને બીજો ઝટકો આપ્યો હતા. ત્યાર બાદ અશ્વિને બ્રાથવેટ (૬૪)ને વિકેટકીપર સાહાના હાથમાં ઝિલાવી દઈને વિન્ડીઝને ત્રીજો ઝટકો આપ્યો હતો. વેસ્ટ ઇન્ડીઝની ચોથી વિકેટ ભુવનેશ્વરે ઝડપી હતી. ભુવીએ બ્લેકવૂડને ૨૦ રને વિરાટના હાથમાં ઝિલાવી દીધો હતો. સેમ્યુઅલ્સ જ્યારે ૪૮ રને બેટિંગ કરી રહ્યો હતો ત્યારે ભુવીએ તેને ક્લીન બોલ્ડ કર્યો હતો.

જાડેજાએ રોસ્ટન ચેસ ખાતું ખોલે એ પહેલાં જ પેવેલિયન ભેગો કરી દીધો હતો. ભુવનેશ્વર ફરી ત્રાટક્યો હતો અને તેણે વિન્ડીઝના કેપ્ટન જેસન હોલ્ડરને બે રને એલબી આઉટ કરી દીધો હતો. પોતાની પ્રથમ ટેસ્ટ રમી રહેલા અલ્ઝારી (૦)ના રૂપમાં ભુવનેશ્વરે પોતાની ચોથી વિકેટ ઝડપી હતી. ત્યાર બાદ કમિન્સ (૦)ને અશ્વિને આઉટ કર્યો હતો, જ્યારે ડોવરિચ (૧૮)ને ભુવનેશ્વરે કેચઆઉટ કરાવ્યો હતો. ભુવનેશ્વરકુમારની આ પાંચમી વિકેટ હતી.

આમ વેસ્ટ ઇન્ડીઝની ટીમનો પ્રથમ દાવ ૨૨૫ રનમાં સમેટાઈ જતા ભારતને મહત્ત્વપૂર્ણ સાબિત થનારી ૧૨૮ રનની સરસાઈ મળી હતી.

ત્યાર બાદ ભારતીય ઓપનરો કે. એલ. રાહુલ અને શિખર ધવન ભારતના બીજા દાવની શરૂઆત કરવા મેદાનમાં ઊતર્યા હતા. ભારતનો સ્કોર જ્યારે ૪૯ રન હતો ત્યારે ભારતની પહેલી વિકેટ કે. એલ. રાહુલના રૂપમાં પડી હતી. કમિન્સે રાહુલ (૨૮)ને બ્રેથવેટ દ્વારા કેચઆઉટ કરાવી દીધો હતો. ત્રીજા નંબર પર ભારતીય કેપ્ટન વિરાટ કોહલી મેદાનમાં આવ્યો હતો, પરંતુ તે પહેલી ઇનિંગ્સની જેમ ફરી એક વાર િનષ્ફળ રહ્યો હતો અને ફક્ત ચાર રન બનાવી કમિન્સની બોલિંગમાં એલબી આઉટ થયો હતો. વિરાટના આઉટ થયા બાદ ચોથા નંબર પર બેટિંગ કરવા રહાણે આવ્યો હતો.

ભારતનો સ્કોર જ્યારે ૭૨ રન હતો ત્યારે એક છેડો સંભાળીને ધૈર્યપૂર્વક બેટિંગ કરી રહેલો શિખર ધવન ૨૬ રન બનાવીને રોસ્ટન ચેસની બોલિંગમાં એલબી આઉટ થયો હતો. જોકે ત્યાર બાદ રહાણે અને પહેલી ઇનિંગ્સમાં સસ્તામાં આઉટ થયેલા રોહિત શર્માએ ભારતીય ઇનિંગ્સને સ્થિરત આપી હતી અને દિવસની રમત પૂરી ત્યાં સુધીમાં આ બંનેએ વિન્ડીઝને કોઈ તક આપી નહોતી. અજિંક્ય રહાણે ૯૩ બોલમાં ૫૧ રન બનાવી અને રોહિત શર્મા ૫૭ બોલમાં એક ચોગ્ગા અને ત્રણ છગ્ગા સાથે ૪૧ રન બનાવીને અણનમ રહ્યા હતા.

You might also like