શું જમૈકામાં પણ વિરાટ કોહલી-કુંબલેની જોડીનો જાદુ ચાલશે?

જમૈકાઃ વેસ્ટ ઇન્ડીઝમાં ટીમ ઇન્ડિયાની સફળતા પાછળ કેપ્ટન અને કોચની વિચારસરણીનો જ સૌથી મોટો હાથ છે. આ બંનેની જુગલબંદી એવી છે કે બંને પાસે આઇડિયાની કોઈ ઊણપ નથી. આ જોડી હંમેશાં ફ્રન્ટફૂટ પર રમવાનું પસંદ કરે છે અને એ પહેલી ટેસ્ટ દરમિયાન જોવા પણ મળ્યું હતું, જ્યારે કોહલી-કુંબલેની ટીમે ઘણા બોલ્ડ નિર્ણય લીધા અને તેને સાચા સાબિત પણ કરી બતાવ્યા. આવતી કાલથી ટીમ ઇન્ડિયા જમૈકામાં વેસ્ટ ઇન્ડીઝ સામે બીજી ટેસ્ટ રમવા ઊતરશે. હવે ફરી એક વખત આશા રાખવામાં આવી રહી છે કે આ જોડી જમૈકા ટેસ્ટમાં પણ ટીમ ઇન્ડિયાને જીત અપાવશે.

ટીમ ઇન્ડિયાની લાઇફ લાઇન આ બંને ધુરંધરોના હાથમાં જ છે. એક પહેલાં પ્લાન બનાવે છે અને બીજો એ પ્લાનને મેદાનમાં અમલી બનાવે છે અને વિન્ડીઝ પ્રવાસ દરમિયાન બંનેની ટ્યૂનિંગ પણ જોરદાર ચાલી રહી છે. આ જ કારણે અત્યાર સુધી લીધેલા બધા નિર્ણયો સચોટ સાબિત થયા છે.

પહેલો નિર્ણય હતો એન્ટિગામાં ત્રણ ફાસ્ટ બોલર સાથે ઊતરવાનો
પ્રથમ ટેસ્ટ પહેલાં રમાયેલી બે પ્રેક્ટિસ મેચમાં ફાસ્ટ બોલર્સની સ્થિતિ દયનીય રહી હતી. બોલર્સને વિકેટ તો નહોતી જ મળી, સાથે સાથે રન પણ બહુ લૂંટાવ્યા હતા. ઈશાંતને બાદ કરતા બધા ફાસ્ટ બોલર પોતાની લાઇન-લેન્થ માટે ફાંફા મારતા નજરે પડ્યા હતા, પરંતુ પછીથી બધાને ચોંકાવતા કોહલી-કુંબલેએ ત્રણ ફાસ્ટ બોલર મેદાનમાં ઉતાર્યા અને આ જોડીએ ખેલેલો દાવ સાચો પડ્યો.

બીજો નિર્ણય હતો અશ્વિનને બેટિંગમાં પ્રમોટ કરવો
અશ્વિન ટીમ ઇન્ડિયામાં એક બોલર પ્રથમ છે અને બેટ્સમેન બાદમાં. તેને એન્ટિગા ટેસ્ટમાં છઠ્ઠા નંબર પર બેટિંગ કરવાનો નિર્ણય લેવો આસાન વાત નહોતી. ઘણા ક્રિકેટ પંડિતોને આશ્ચર્ય થયું, પરંતુ જ્યારે અશ્વિને સદી ફટકારી દીધી ત્યારે તેની ચારે તરફ પ્રશંસા થઈ હતી.

ત્રીજો નિર્ણય હતો જાડેજા બહાર, મિશ્રા અંદર
બંને પ્રેક્ટિસ મેચ દરમિયાન બોલ અને બેટથી સૌથી સારું પ્રદર્શન જાડેજાએ જ કર્યું હતું, તો પણ તેને એન્ટિંગા ટેસ્ટમાં મેદાનમાં ઊતરવાની તક મળી નહીં, બલકે તેના સ્થાને લેગ સ્પિનર અમિત મિશ્રા પ્લેઇંગ ઈલેવનમાં આવ્યો. મિશ્રાએ બોલ અને બેટ- બંનેથી શાનદાર પ્રદર્શન કર્યું અને પોતાની પસંદગીને સાર્થક કરી બતાવી.

ચોથો નિર્ણય હતો રાહુલના સ્થાને ધવન
શ્રેણી શરૂ થયા પહેલાં શિખર ધવનનું ફોર્મ સવાલોના ઘેરામાં હતું, જ્યારે બીજી તરફ કે. એલ. રાહુલ આઇપીએલ સહિત અન્ય જગ્યાએ રનનો પહાડ ખડકીને વિન્ડીઝ આવ્યો હતો. બધાને ગળા સુધીની ખાતરી હતી કે રાહુલ પ્લેઇંગ ઈલેવનમાં ધવનને પછાડી દેશે, પરંતુ ધવનને વિશ્વાસ અપાવતા કોહલી-કુંબલેએ તેને ટીમમાં સ્થાન આપ્યું. ધવને પણ કોહલી-કુંબલેને નિરાશ ના કર્યા અને ૮૪ રનની અદ્ભુત ઇનિંગ્સ રમી.

આમ કોહલી-કુંબલેની જોડીએ ઘણા એવા અદ્ભુત નિર્ણયો લીધા, જે મેદાન પર બિલકુલ સચોટ સાબિત થયા. હવે આશા રાખવામાં આવી રહી છે કે આ બંનેની જોડી આવતી કાલે ભારતીય સમય અનુસાર રાત્રે ૭.૩૦થી શરૂ થઈ રહેલી બીજી ટેસ્ટમાં પણ ભારતને વધુ એક જીત અપાવશે.

You might also like