જમૈકાઃ બોલર લેશે બેટ્સમેનની પરીક્ષા

કિંગ્સ્ટનઃ ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે બીજી ટેસ્ટ મેચ આજથી સબીના પાર્ક મેદાન પર ભારતીય સમય અનુસાર રાત્રે ૮.૩૦ વાગ્યાથી શરૂ થશે. શ્રેણીમાં ૧-૦થી આગળ ભારતીય ટીમ અહીં સરસાઈને બેવડાવવાનો પ્રયાસ કરશે. આ મેદાન દુનિયામાં ફાસ્ટ બોલર્સનું સ્વર્ગ માનવામાં આવે છે અને અહીં પાછલી ૧૫ મેચમાં પરિણામ આવ્યું છે.

વર્ષ ૧૯૯૯ બાદથી ઓછામાં ઓછી ૧૦ મેચની યજમાની કરનારાં મેદાનોમાં એકમાત્ર સબીના પાર્ક એવું છે, જ્યાં કોઈ મેચ ડ્રો થઈ નથી. પીચ ક્યૂરેટર માઇકલ હ્યુટનના જણાવ્યા અનુસાર અહીંની પીચ અગાઉની જેમ જ ફાસ્ટ બોલર્સને એટલી મદદરૂપ નથી રહી, પરંતુ બીજી ટેસ્ટમાં ફાસ્ટ બોલર્સને મદદ જરૂર મળશે. પીચ પર લીલું ઘાસ છોડવામાં આવ્યું છે અને બાઉન્સ પણ સારો એવો મળશે. શરૂઆતની બે કલાક દરમિયાન પીચમાં ભેજનો ફાયદો પણ બોલર્સને મળશે. યજમાન ટીમ વળતો હુમલો કરવાનો પ્રયાસ કરશે. પહેલી ટેસ્ટમાં વિન્ડીઝને ઇનિંગ્સ અને ૯૨ રને હારનો સામનો કરવો પડ્યો હતો.
ટીમ ઇન્ડિયાએ સંભાળીને રમવું પડશે

આ મુકાબલામાં લીલીછમ પીચમાંથી કઈ ટીમને ફાયદો થશે અને કઈ ટીમને નુકસાન થશે એ કહેવું બહુ જ મુશ્કેલ છે, પરંતુ યજમાન ટીમ આ મુકાબલો જીતવા માટે કોઈ કસર છોડવા ઇચ્છતી નથી. સામે પક્ષે ભારતીય ટીમનો ઉત્સાહ ટોચ પર છે, પરંતુ ભારતીય ટીમે જરા સંભાળીને રમવું પડશે. જોકે ટીમ ઇન્ડિયાનો બેટિંગ ક્રમ મજબૂત છે, પરંતુ ઓપનિંગ બેટ્સમેન મુરલી વિજયની ફિટનેસ અંગે થોડી શંકા સેવાઈ રહી છે. વિજય આજની મેચમાં રમશે કે નહીં તે અંગેનો નિર્ણય મેચની થોડી મિનિટો પહેલાં લેવાશે.

પાંચ બોલર્સ સાથે ટીમ ઇન્ડિયા મેદાનમાં ઊતરશે
બીજી ટેસ્ટમાં કેપ્ટન વિરાટ કોહલીએ યોગ્ય ટીમ કોમ્બિનેશન બનાવવું પડશે. કિંગ્સ્ટનની લીલીછમ વિકેટ જોતા ટીમ ઇન્ડિયા બીજી ટેસ્ટમાં પણ પાંચ બોલર્સ સાથે મેદાનમાં ઊતરશે, કારણ કે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ઘરેલુ શ્રેણીમાં મુશ્કેલ વિકેટો પર ભારતીય ટીમે આ રણનીતિ નહોતી અપનાવી. શ્રીલંકા વિરુદ્ધ ત્રીજી ટેસ્ટમાં લીલીછમ વિકેટ પર કોહલીએ સ્ટુઅર્ટ બિન્નીને મેદાનમાં ઉતાર્યો હતો.
આ બોલર્સ પર નજર રહેશે
કિંગ્સ્ટનની ઘાસવાળી વિકેટ પર ભારતના ત્રણેય ફાસ્ટ બોલર ઈશાંત શર્મા, ઉમેશ યાદવ અને મોહંમદ શમીને શાનદાર પ્રદર્શન કરવું પડશે. બીજી તરફ આ પીચ યજમાન ટીમને માફક આવે તેવી છે. તેઓ પોતાના ફાસ્ટ બોલિંગ આક્રમણમાં વધારો કરશે. અંડર-૧૯ ટીમના ફાસ્ટ બોલર અલ્જારી જોસેફને ટીમમાં સામેલ કરાયો છે, જ્યારે મિગુલ કમિન્સ પણ અંતિમ ઈલેવનમાં સ્થાન પામે તેવી શક્યતા છે. જોસેફે બાંગ્લાદેશમાં રમાયેલા અંડર-૧૯ વિશ્વકપમાં ૧૩ વિકેટ ઝડપી હતી.
ફોર્મ અંગે બહુ ચિંતિત નથીઃ પૂજારા
ટીમ ઇન્ડિયાના બેટ્સમેન ચેતેશ્વર પૂજારાએ અંતિમ અર્ધસદી છ ઇનિંગ્સ પહેલાં ફટકારી હતી, પરંતુ સૌરાષ્ટ્રના આ બેટ્સમેને કહ્યું કે તે પોતાના ફોર્મ અંગે બહુ ચિંતિત નથી અને ટીમની સફળતામાં યોગદાન આપીને ખુશ છે. પૂજારા વેસ્ટ ઇન્ડીઝ વિરુદ્ધ એન્ટિગા ટેસ્ટમાં પહેલી ઇનિંગ્સમાં ફક્ત ૧૬ રન બનાવી શક્યો હતો.
ચેતેશ્વરે કહ્યું, ”હું ચિંતિત નથી. હું સારી બેટિંગ કરી રહ્યો છું. દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ શ્રેણીમાં પડકારજનક પીચ પર મેં સારી બેટિંગ કરી હતી. ઘણી વાર તમારે યથાર્થવાદી બનીને પોતાની સદી કે બેવડી સદીના બદલે એ જોવું પડે છે કે તમારું ટીમની સફળતામાં શું યોગાન છે. હું પ્રથમ ટેસ્ટમાં ખરાબ શોટ રમ્યો. પહેલા સેશનમાં મેં મહેનત કરી હતી, જ્યારે બોલ સ્વિંગ થઈ રહ્યો હતો. મેં હંમેશાં મારી ભૂમિકા નિભાવી છે.”

You might also like