વાનખેડેમાં બેટ્સમેનોના ૩૧ માર્ચે ધૂમધડાકા જોવા મળશે

મુંબઈઃ બેટ્સમેનોને અનુકૂળ વાનખેડે સ્ટેડિયમની પીચ પર ફરી એક ધૂમ-ધડાકા જોવા મળી શકે છે. આ જ કારણે અહીં ગુરુવારે ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે રમાનાર ટી-૨૦ વિશ્વ કપની સેમિ ફાઇનલ મેચ રોમાંચક બનવાની આશા છે.

સેન્ટર પીચ એ જ છે, જેના પર ગત વર્ષ ૨૫ ઓક્ટોબરે વન ડે આંતરરાષ્ટ્રીય મેચમાં દક્ષિણ આફ્રિકાના ક્વિન્ટન ડીકોક, ફાફ ડુપ્લેસિસ અને ડીવિલિયર્સે સદી ફટકારીને ભારત સામે ૪૩૯ રનનું લક્ષ્ય રાખ્યું હતું. ભારતીય ટીમ એ મેચમાં ૩૬ ઓવરમાં ૨૨૪ રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. અજિંક્ય રહાણેએ ભારત તરફથી સૌથી વધુ ૮૭ રન બનાવ્યા હતા.

આ મેદાન પર ટી-૨૦ વિશ્વ કપની ત્રણ મેચ રમાઈ છે, જેમાં મોટા સ્કોર નોંધાયા છે. ૧૬ માર્ચે વેસ્ટ ઇન્ડીઝે ઈંગ્લેન્ડના ૧૮૨ રનના લક્ષ્યનો પીછો કરીને જીત હાંસલ કરી હતી. તેના બે દિવસ બાદ હાઈ સ્કોરિંગ મેચમાં ઈંગ્લેન્ડે દક્ષિણ આફ્રિકાના ૨૨૯ રનના લક્ષ્યનો પીછો કરીને મેચ જીતી લીધી હતી. ૨૦ માર્ચે ત્રીજે મેચમાં દક્ષિણ આફ્રિકાના ૨૦૯ રનના જવાબમાં અફઘાનિસ્તાન જેવી નાના દરજ્જાની ટીમે ૧૭૨ રન બનાવ્યા હતા.

પીચ ક્યુરેટર રમેશ મહામુનકારે કહ્યું, ”સેમિફાઇનલ માટે સેન્ટર પીચને તૈયાર કરવામાં આવી છે. આ સ્પોર્ટિંગ પીચ છે, જેના પર બેટ્સમેન ઊછળતા બોલ પર શોટ લગાવવાનો આનંદ માણી શકશે. આ પીચ પર બોલર્સને પણ ઉછાળ મળશે. અન્ય મેદાનો પર ૮૧ વારની બાઉન્ડ્રી હોય છે, જ્યારે વાનખેડેની બાઉન્ડ્રી તેનાથી નવ-દસ વાર નાની છે. આથી આક્રમક બેટ્સમેનો માટે ચોગ્ગા-છગ્ગા ફટકારવા આસાન બની રહેશે.” આ પીચની દેખભાળ બીસીસીઆઇ (પશ્ચિમ ક્ષેત્ર)ના પીચ પ્રભારી ભૂતપૂર્વ ટેસ્ટ ક્રિકેટર ધીરજ પરસાણા કરી રહ્યા છે, જ્યારે ભૂતપૂર્વ ટેસ્ટ ઓપનર સુધીર નાઇક વાનખેડેના સલાહકાર ક્યુરેટર છે.

You might also like