ટેસ્ટ: ત્રીજા દિવસના અંતે શ્રીલંકાનો સ્કોર 4 વિકેટે 165

કોલકાતાઃ ટીમ ઇન્ડીયા અને શ્રીલંકા વચ્ચે 3 મેચની ટેસ્ટ સિરિઝની પ્રથમ મેચ કોલકાતાના ઐતિહાસિક ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમ ખાતે રમાઇ રહી છે. જેમાં ભારત પ્રથમ ઇનિંગ્સમાં 172 રનમાં ઓલઆઉટ થઇ ગયું છે. શ્રીલંકાની ઇનિંગ્સની શરૂઆત પણ ખરાબ થઇ હતી. ત્રીજા દિવસના અંતે શ્રીલંકાની ટીમે 4 વિકેટના નુકસાન પર 165 રન બનાવી લીધા છે.  રમતના અંતે દિનેશ ચાંડીમલ 13 અને નિરોશન ડિકવેલા 14 રને રમતમાં છે.

આ અગાઉ ભારતની ટીમ 172 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. ભારત તરફથી ચેતેશ્વર પુજારાએ સૌથી વધુ 52 રનનું યોગદાન આપ્યું હતુ. સાહાએ 29, શમીએ 24 જ્યારે જાડેજાએ 22 રન બનાવ્યા હતા. શ્રીલંકા તરફથી લકમલે 4 વિકેટ ઝડપી હતી.

પ્રવાસી શ્રીલંકા અને ભારત વચ્ચે ટેસ્ટ શ્રેણીની રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટમાં આજે ત્રીજા દિવસની રમત શરૂ  થઇ હતી. આ ટેસ્ટના પ્રથમ બે દિવસની મોટા ભાગની રમત વરસાદને કારણે ધોવાઈ ગઈ છે. આ મેચના ત્રીજા દિવસે પણ શ્રીલંકન બોલર્સનું વર્ચસ્વ રહ્યું હતું.

આજે ભારતનો સ્કોર જ્યારે ૭૯ રન પર પહોંચ્યો ત્યારે ચેતેશ્વર પૂજારાની લડાયક ઇનિંગ્સનો અંત આવ્યો હતો. ચેતેશ્વર પૂજારા બાવન રન બનાવીને ગમાગેની બોલિંગમાં બોલ્ડ આઉટ થયો હતો. તેણે ૧૧૭ બોલનો સામનો કરીને ૧૦ ચોગ્ગા પણ ફટકાર્યા હતા. ત્યાર બાદ ૧૨૭ રનના સ્કોર પર સાતમી વિકેટના રૂપમાં જાડેજા ૨૨ રન બનાવી આઉટ થયો હતો.

આઠમી વિકેટના રૂપમાં રિદ્ધિમાન સાહા ૨૯ રન બનાવી પરેરાનો શિકાર બન્યો હતો. ત્યાર બાદ ભારતની નવમી વિકેટ ૧૪૬ રનના સ્કોર પર પડી હતી. ભુવી ૧૩ રન બનાવી લકમલનો ચોથો શિકાર બન્યો હતો. આ લખાઈ રહ્યું છે ત્યારે ભારતનો સ્કોર નવ વિકેટે ૧૬૬ રન છે. મોહંમદ શમી ૧૮ રને અને ઉમેશ યાદવ છ રને બેટિંગ કરી છે.

હવામાન અને પીચની હાલત જોતાં શ્રીલંકાના બેટ્સમેનો માટે પણ અહીં બેટિંગ કરવી આસાન નહીં જ હોય, કારણ કે ભારતનું બોલિંગ આક્રમણ શ્રીલંકાના બોલિંગ આક્રમણ કરતાં ઘણું સારું દેખાઈ રહ્યું છે. ભારત પાસે સ્વિંગનો સુલતાન કહેવાતો ભુવનેશ્વર કુમાર અને મોહંમદ શમીની જોડી છે. આ ઉપરાંત દુનિયાના ટોચના બે સ્પિનર અશ્વિન અને જાડેજા છે. ટૂંકમાં, હવે જો વરસાદનું વિઘ્ન નહીં નડે તો આ ટેસ્ટ મેચ દિલચસ્પ બની રહેશે તેમાં કોઈ શંકા નથી.

You might also like