શ્રીલંકા સામે કોલકાતા ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા વાપસી કરી શકશે?

કોલકાતાઃ અહીં પ્રવાસી શ્રીલંકા સામે ગઈ કાલે શરૂ થયેલી પ્રથમ ટેસ્ટના પ્રથમ દિવસે જ ફક્ત ૧૨ ઓવરની રમત દરમિયાન મુશ્કેલીમાં મુકાયેલી ટીમ ઇન્ડિયાની પરિસ્થિતિમાં આજે મેચના બીજા પણ કોઈ સુધારો જોવા મળ્યો નહોતો અને દિવસની શરૂઆતની રમતમાં જ ભારતે અજિંક્ય રહાણેની વિકેટ ગુમાવી હતી. ગઈ કાલની રમત બંધ રહી ત્યારે ભારતે ત્રણ વિકેટ ગુમાવીને ૧૭ રન બનાવ્યા હતા. ગઈ કાલના અણનમ બેટ્સમેનો ચેતેશ્વર અને રહાણેએ આજે ભારતની ઇનિંગ્સ આગળ ધપાવી હતી. મેચ આજે અડધો કલાક વહેલી શરૂ થઈ હતી. આજે પણ વરસાદ પડશે તેવી આગાહી અહીંના હવામાન ખાતાએ કરી છે.

ભારતીય ટીમનો સ્કોર જ્યારે ૩૦ રને પહોંચ્યો હતો ત્યારે શનાકા ત્રાટક્યો હતો અને તેણે ચાર રને બેટિંગ કરી રહેલા રહાણેને ડિકવેલાના હાથમાં ઝિલાવી દીધો હતો. છેલ્લા અહેવાલ મળ્યા ત્યારે ભારતનો સ્કોર ચાર વિકેટે ૩૫ રન છે. ચેતેશ્વર પૂજારા ૧૮ રને અને અશ્વિન ચાર રને બેટિંગ કરી રહ્યા છે.

ભારતના બેટિંગ કોચ સંજય બાંગરે જોકે ગઈ કાલે આશા વ્યક્ત કરી હતી કે ભારતીય ટીમ મેચ આગળ વધવાની સાથે વાપસી કરશે. તેણે કહ્યું હતું, ”ચોથા અને પાંચમા દિવસ માટે અમે બધા વિભાગોનું ધ્યાન રાખ્યું છે. ભેજના કારણે વિકેટ પર હળવા ખાડા પડશે. અસમાન ઉછાળ હશે. બંને સ્પિનર અમારા માટે મહત્ત્વપૂર્ણ છે. અમારી પાસે સ્વિંગ અને સીમ ઉપરાંત જરૂરી ઝડપ પણ છે.”

બાંગરે વધુમાં જણાવ્યું હતું કે, ”આ મેચ ડે-નાઇટ જેવી હશે. આ સ્થિતિમાં ક્યારેક લાલ બોલ સાથે રમત ઘણી મુશ્કેલ બની જાય છે. લાલ બોલને જોઈ શકવો વધુ મુશ્કેલ બને છે.” હવે ભારતીય ચાહકો આશા રાખી રહ્યા છે કે ટીમના કોચ સંજય બાંગરે વ્યક્ત કરેલી આશા ફળીભૂત થાય.

શ્રીલંકા ડર્યા વિના રમેઃ આર્નોલ્ડ
શ્રીલંકાના ભૂતપૂર્વ બેટ્સમેન રસેલ આર્નોલ્ડે કહ્યું છે, “શ્રીલંકાએ ભારતમાં પોતાની પહેલી ટેસ્ટ મેચ જીતવા માટે ભૂતકાળને ભૂલી જવો જોઈએ. શ્રીલંકાના ખેલાડીઓએ ઈતિહાસને ભૂલી જઈને પોતાના શ્રેષ્ઠ દેખાવ કરવાના પ્રયત્ન કરવા જોઈએ, કારણ કે શ્રીલંકાની ટીમ માટે ભારતમાં રમવું ઘણું મુશ્કેલ છે.” આર્નોલ્ડે વધુમાં કહ્યું કે, ”ભારતની ટીમ હાલમાં ઘણી સારી અને મજબૂત છે. બંને ટીમ વચ્ચે બહુ મોટો તફાવત રહે છે. પાકિસ્તાન સામે સફળતા મેળવ્યા પછી શ્રીલંકાની ટીમ ભારતમાં સારો દેખાવ કરી શકે તેમ છે.”

You might also like