નિદહાસ ટ્રોફી : ભારત-શ્રીલંકા વચ્ચે મેચ, શ્રીલંકન સુકાની પર બે મેચનો લાગ્યો પ્રતિબંધ

કોલંબો : શ્રીલંકાને ભારત સામેની મહત્વપૂર્ણ મેચ અગાઉ ઝટકો લાગ્યો છે. શ્રીલંકાના સુકાની દિનેશ ચાંડીમલને ધીમી ઓવર ફેંકવા બદલ ટૂર્નામેન્ટની આગામી બે મેચ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. બાંગ્લાદેશ સામેની મેચ દરમિયાન શ્રીલંકાએ નક્કી કરેલા સમયમાં ચાર ઓવર ઓછી નાંખી હોવાના કારણે સુકાની ચાંડીમલ પર બે મેચનો પ્રતિબંધ મુક્યો છે. આમ ટૂર્નામેન્ટની હવે પછીની બે મેચ ભારત અને બાંગ્લાદેશ સામેની મેચમાં રમશે નહીં.

નિદહાસ ટ્રોફીમાં આજે ભારત-શ્રીલંકા વચ્ચે મેચ યોજાશે. જેમાં આજની મેચ જીતીને ભારત ત્રિકોણીય શ્રેણીની ફાઇનલમાં પોતાનું સ્થાન નક્કી કરી શકશે. આજે ભારત-શ્રીલંકા આ ટી-20 શ્રેણીમાં બીજી વખત આમને-સામને જોવા મળશે. શ્રેણીની પ્રથમ મેચમાં શ્રીલંકાએ ભારતને પરાજય આપ્યો હતો.

જ્યારે ત્યારબાદ ભારતે બાંગ્લાદેશ સામે વિજય નોંધાવ્યો હતો. આમ આ મેચમાં શ્રીલંકા સામેને હિસાબ બરાબર કરવા ભારત માટે એક તક છે. ભારત માટે સુકાની રોહિત શર્માનું ફોર્મ ચિંતાજનક છે. બીજી તરફ બંને મેચમાં ભારતની નબળી ફિલ્ડીંગને લઇને ચોતરફથી ટીકા કરવામાં આવી હતી. પ્રથમ શ્રીલંકા સામેની મેચમાં ભારતની નબળી ફિલ્ડીંગના કારણે હાર થઇ હતી.

You might also like