શ્રીલંકા સામેની બાકીની વન ડે મેચમાં રાષ્ટ્રગીત નહીં ગવાય

કેન્ડીઃ આવતી કાલે અહીંના પલ્લેકલ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં શ્રીલંકા સામેની બીજી વન ડે મેચ શરૂ થાય એ પહેલાં કોઈ રાષ્ટ્રગીત નહીં ગવાય. પાંચ વન ડે શ્રેણીની બાકીની ચાર પૈકી એકેય મેચમાં રાષ્ટ્રગીત ગાવામાં નહીં આવે એવી જાણકારી શ્રીલંકા ક્રિકેટ બોર્ડના અધિકારી દિનેશ રત્નસિંઘમે આવી છે. તેમણે જણાવ્યું કે અમે ભારત સામેની શ્રેણી શરૂ થયા પહેલાં જ નક્કી કર્યું હતું કે આ પ્રવાસમાં રમાનારી જુદા જુદા ફોર્મેટની કોઈ એક જ મેચમાં રાષ્ટ્રગીત ગાવું.

ગોલમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચની શરૂઆતમાં બંને ટીમે રાષ્ટ્રગીત ગાયાં હતાં. કોલંબો અને કેન્ડી ખાતેની બીજી અને ત્રીજી ટેસ્ટમાં રાષ્ટ્રગીત ગવાયાં નહોતાં. એવી જ રીતે દામ્બુલા ખાતે રમાયેલી પ્રથમ વન ડેમાં બંને દેશનાં રાષ્ટ્રગીત ગવાયાં હતાં એટલે હવે કેન્ડી અને કોલંબો ખાતે રમાનારી અન્ય વન ડે મેચો દરમિયાન રાષ્ટ્રગીત ગવાશે નહીં. જોકે આવતા મહિને (૬ સપ્ટેમ્બરે) આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાનારી એકમાત્ર ટી-૨૦ મેચમાં બંને દેશનાં રાષ્ટ્રગીત ગવાશે.

You might also like