ત્રીજી ટેસ્ટની અંતિમ ઇલેવન પસંદગીને લઇને ‘વિરાટ’ મંથન

જોહાનિસબર્ગઃ ત્રણ ટેસ્ટ મેચની શ્રેણીના સતત બે મુકાબલા હારીને શ્રેણી ગુમાવી ચૂકેલી ટીમ ઇન્ડિયા અને નંબર વન ટીમને હરાવીને ઉત્સાહમાં આવી ગયેલી યજમાન ટીમ દક્ષિણ આફ્રિકા વચ્ચે શ્રેણીનો અંતિમ મુકાબલો આગામી બુધવારને ૨૪ જાન્યુઆરીથી અહીંના વન્ડરર્સ સ્ટેડિયમમાં થશે. ટીમ ઇન્ડિયા રવિવારથી પ્રેક્ટિસ શરૂ કરવાની છે.

હાલ ટીમ ઇન્ડિયાનું મેનેજમેન્ટ વિચારી રહ્યું છે કે એવું શું કરવામાં આવે કે જેના કારણે ક્લીન સ્વિપથી બચી શકાય, કારણ કે યજમાન ટીમ હાલ આઇસીસી ટેસ્ટ રેન્કિંગમાં બીજા સ્થાન પર છે અને તેને નંબર વનનો ખિતાબ નજરે પડી રહ્યો છે. એ જ કારણ છે કે દ. આફ્રિકા આગામી ટેસ્ટમાં વધુ આક્રમક બનીને મેદાનમાં ઊતરશે. ભારતે જો આ મેચ જીતીને અથવા તો ડ્રો કરાવીને નાક બચાવવું હોય તો તેણે પોતાની સર્વશ્રેષ્ઠ અંતિમ ઈલેવન પસંદ કરવાના રહસ્યને ઉકેલવું પડશે.

કેપટાઉન ટેસ્ટથી જ કેપ્ટન વિરાટ કોહલીની ટીમની પસંદગી સામે સવાલો ઊઠી રહ્યા છે. કેપટાઉનમાં તેણે વિદેશી પીચના માસ્ટર બેટ્સમેન અજિંક્ય રહાણેના સ્થાને પાટા વિકેટના હીરો રોહિત શર્માનો સમાવેશ કરીને ટીકાઓ વહોરી લીધી હતી. બીજી ટેસ્ટમાં ભુવનેશ્વરને બહાર બેસાડીને વિરાટ ટીકાકારોના નિશાન પર આવી ગયો. બીજી ટેસ્ટમાં પણ તેણે રહાણેને ટીમમાં સ્થાન આપ્યું નહીં.

હવે ત્રીજી ટેસ્ટ માટે નિશ્ચિત રીતે ભારતીય કેપ્ટન વિકેટ જોઈને અંતિમ ઈલેવનની પસંદગી કરશે. જોકે વિરાટ સેન્ચુરિયનની સુપર સ્પોર્ટ્સ પાર્ક સ્ટેડિયમની પીચને સમજવામાં થાપ ખાઈ ગયો હતો, કારણ કે જો તેણે પીચ ઓળખી લીધી હોત તો પોતાની સેટ થયેલી ફોર્મ્યુલા પ્રમાણે બે સ્પિનરને ટીમમાં સામેલ કરત. જો આમ થયું હોત તો તે નિર્ણય દક્ષિણ આફ્રિકાની ટીમને કદાચ ભારે પડી ગયો હોત, પરંતુ વિરાટ સંપૂર્ણપણે ભારતમાં હોય છે એવી પીચ પર ચાર ફાસ્ટ બોલર્સને લઈને મેદાનમાં ઊતર્યો.

હવે અંતિમ ટેસ્ટમાં જે ૧૭ ખેલાડીઓ વિરાટ પાસે છે તેમાં મુરલી વિજય અને કે. એલ. રાહુલને ઓપનર તરીકે જાળવી રાખવા સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી. જોકે બીજી ટેસ્ટમાં શિખરના સ્થાને ટીમમાં સામેલ કરાયેલાે રાહુલ ખાસ કંઈ ઉકાળી શક્યો નહોતો, પરંતુ હવે તેને પણ વધુ એક તક મળવી જોઈએ, કારણ કે જોહાનિસબર્ગની ફાસ્ટ પીચ બેટિંગ કરવી શિખર ધવન માટે બહુ જ મુશ્કેલ હશે. ત્રીજા અને ચોથા નંબર પર ચેતેશ્વર પૂજારા અને વિરાટ કોહલીનું ઊતરવું નક્કી છે.

ત્રીજી ટેસ્ટમાં નંબર પાંચ પર રોહિતના સ્થાને રહાણેને તક મળવી જોઈએ, કારણ કે તે એક છેડેથી વિકેટ પડતી અટકાવી શકે છે. બીજી ટેસ્ટમાં વિરાટે જ્યારે ૧૫૩ રન બનાવ્યા હતા ત્યારે તેનો સાથ આપવા ટોચનો કોઈ બેટ્સમેન ક્રીઝ પર હાજર નહોતો. ટીમમાં ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને અશ્વિનનું સ્થાન નિશ્ચિત જ છે. જોહાનિસબર્ગની પીચ અને પ્રદર્શન જોતાં ફાસ્ટ બોલર તરીકે ભુવનેશ્વર, ઈશાંત શર્મા અને મોહંમદ શામીને તો રમાડવા જ જોઈએ.

You might also like