આફ્રિકામાં ટેસ્ટ શ્રેણી જીતી ભારત રચશે ઇતિહાસ!

કેપટાઉનઃ ટીમ ઇન્ડિયા દક્ષિણ આફ્રિકામાં ૨૫ વર્ષથી ટેસ્ટ શ્રેણી નહીં જીતવાની નિષ્ફળતાને ભૂલીને વિરાટની કેપ્ટનશિપમાં તા. ૫ જાન્યુઆરી ને શુક્રવારથી કેપટાઉનના ન્યૂલેન્ડ્સ સ્ટેડિયમમાં ઇતિહાસ રચવાના ઇરાદાથી ઊતરશે. ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકામાં પ્રથમ ટેસ્ટ શ્રેણી વર્ષ ૧૯૯૨માં મોહંમદ અઝહરુદ્દીનના નેતૃત્વમાં રમી હતી.

એ પ્રવાસ દરમિયાન ભારતનો ટેસ્ટ શ્રેણીમાં ૧-૦થી પરાજય થયો હતો. ૧૯૯૨ પ્રવાસને મળીને ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકાની ધરતી પર કુલ છ ટેસ્ટ શ્રેણી રમી ચૂકી છે, જેમાંથી ભારતનો પાંચ શ્રેણીમાં પરાજય થયો છે. જોકે વર્ષ ૨૦૧૦માં ભારત એક શ્રેણી ડ્રો કરાવવામાં સફળ રહ્યું હતું. અત્યાર સુધીમાં ટીમ ઇન્ડિયાના કુલ પાંચ કેપ્ટન દક્ષિણ અાફ્રિકાની ધરતી પર ટીમ લઈને પહોંચ્યા છે, પરંતુ તેઓ ટેસ્ટ શ્રેણી જીતવામાં સફળ રહ્યા નથી. એમ. એસ. ધોનીએ જરૂર ૨૦૧૦ની ટેસ્ટ શ્રેણી ડ્રો કરાવી હતી.

ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાનો દ. આફ્રિકામાં રેકોર્ડ
૧. કેપ્ટન મોહંમદ અઝહરુદ્દીનઃ ૪ મેચની ટેસ્ટ શ્રેણી. વર્ષ ૧૯૯૨-૯૩. દક્ષિણ આફ્રિકા ૧-૦થી જીત્યું.
૨. કેપ્ટન સચીન તેંડુલકરઃ ૩ મેચની ટેસ્ટ શ્રેણી. વર્ષ ૧૯૯૬-૯૭. દક્ષિણ આફ્રિકા ૨-૦થી જીત્યું.
૩. કેપ્ટન સૌરવ ગાંગુલીઃ ૨ મેચની ટેસ્ટ શ્રેણી. વર્ષ ૨૦૦૧-૦૨. દક્ષિણ આફ્રિકા ૧-૦થી જીત્યું.
૪. કેપ્ટન રાહુલ દ્રવિડઃ ૩ મેચની ટેસ્ટ ઔશ્રેણી. વર્ષ ૨૦૦૬-૦૭. દક્ષિણ આફ્રિકા ૨-૧થી જીત્યું.
૫. કેપ્ટન એમ. એસ. ધોનીઃ ૩ મેચની ટેસ્ટ શ્રેણી. વર્ષ ૨૦૧૦-૧૧. શ્રેણી ૧-૧થી ડ્રો રહી.
૬. કેપ્ટન એમ. એસ. ધોનીઃ ૨ મેચની ટેસ્ટ શ્રેણી. વર્ષ ૨૦૧૩-૧૪. દક્ષિણ આફ્રિકા શ્રેણી ૧-૦થી જીત્યું.

ટીમ ઇન્ડિયાનો દક્ષિણ આફ્રિકાનો રેકોર્ડ બહુ જ ખરાબ રહ્યો છે. દક્ષિણ આફ્રિકાની ધરતી પર ભારતીય ટીમ કુલ ૧૭ ટેસ્ટ મેચ રમી છે, જેમાંથી ફક્ત બે ટેસ્ટ મેચ જ ભારતીય ટીમ જીતી શકી છે. ટીમ ઇન્ડિયાએ દક્ષિણ આફ્રિકામાં વર્ષ ૨૦૦૬ના પ્રવાસ દરમિયાન રાહુલ દ્રવિડના નેતૃત્વમાં અહીં પહેલો ટેસ્ટ વિજય મેળવ્યો હતો. જોહાનિસબર્ગમાં રમાયેલી એ ટેસ્ટ મેચ ભારતીય ટીમે મેન ઓફ ધ મેચ જાહેર થયેલા એસ. શ્રીસંથની ઘાતક બોલિંગને કારણે ૧૨૩ રનથી જીતી લીધી હતી.

ત્યાર બાદ ટીમ ઇન્ડિયાએ વર્ષ ૨૦૧૦માં એમ. એસ. ધોનીની કેપ્ટનશિપમાં ડરબન ટેસ્ટ જીતી હતી. એ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાની જીતનો હીરો વી. વી. એસ. લક્ષ્મણ રહ્યો હતો, જેણે મેચમાં કુલ ૧૩૪ રન બનાવ્યા હતા. લક્ષ્મણ ઉપરાંત હરભજનસિંહ અને ઝહીર ખાને પોતાના શાનદાર બોલિંગ પ્રદર્શનથી ટીમ ઇન્ડિયાને એ મેચમાં ૮૭ રનથી વિજય અપાવ્યો હતો. લક્ષ્મણને એ મેચમાં મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

You might also like