આજના મુકાબલા માટે એબી ડીવિલિયર્સ કરી ખાસ તૈયારી

પોર્ટ એલિઝાબેથઃ ભારત સામે છ મેચની વન ડે શ્રેણીની શરૂઆતની ત્રણ વન ડેમાં ઈજાને કારણે બહાર રહેનારાે દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ બેટ્સમેન એ. બી. ડિવિલિયર્સ ટીમમાં વાપસી કરી ચૂક્યો છે. ચોથી મેચમાં તેણે વાપસી કરી અને હવે પાંચમા મુકાબલાની જોરદાર તૈયારીમાં લાગી ગયો.

પોર્ટ એલિઝાબેથમાં આજે ભારતીય સમય અનુસાર સાંજે ૪.૩૦ વાગ્યે રમાનારી મેચ માટે ડીવિલિયર્સની તૈયારીને જોઈને તમે પણ વિચારમાં પડી જશો કે પેડ, થાઈ પેડ પહેરેલો ડીવિલિયર્સ શું કરી રહ્યો છે અને શા માટે કરી રહ્યો છે…

સામાન્ય રીતે મેચના એક દિવસ પહેલાં બેટ્સમેન નેટ પર શોટની પ્રેક્ટિસ કરે છે. નબળાઈઓ દૂર કરવા માટે ખાસ બોલનો સામનો કરવાનો હોય છે, પરંતુ ડીવિલિયર્સ પેડ પહેરીને ટેનિસ રમી રહ્યો હતો. પ્રેક્ટિસ દરમિયાન સાઇટ સ્ક્રીનના સહારે ડીવિલિયર્સે ફોરહેન્ડ અને બેકહેન્ડ શોટ ફટકાર્યા. ઘણા સમય સુધી તેણે મેદાનમાં બેટના સ્થાને રેકેટ હાથમાં પકડ્યું હતું.

ડીવિલિયર્સને પ્રેક્ટિસ કરતો જોઈને આજની મેચના પાકિસ્તાનના અમ્પાયર અલીમ દાર પણ મેદાનમાં પહોંચી ગયા અને ડીવિલિયર્સની સાથે ટેનિસનો આનંદ માણવા લાગ્યા. આ દરમિયાન એબીએ એક ઊંચો શોટ ફટકાર્યો ત્યાર બાદ જ એ જાણી શકાયું કે તે ક્રિકેટના બદલે ટેનિસ શા માટે રમી રહ્યો હતો.

ડીવિલિયર્સના ઊંચા શોટ પર જ્યારે અલીમ દાર કેચ ઝડપવા દોડ્યા તો બોલ તેનાથી દૂર ચાલ્યો ગયો. આવું જ કંઈક અહીંની મેચ દરમિયાન પણ થાય છે, કારણ કે પોર્ટ એલિઝાબેથમાં જીત અને હારનું અંતર ખેલાડી નહીં, હવા નક્કી કરે છે.

ટેનિસના સહારે ડીવિલિયર્સ પોતાના હેન્ડ-આઈ કોર્ડિનેશનને વધુ સારું બનાવવા ઇચ્છે છે, કારણ કે મેચ દરમિયાન ઝડપી પવનથી બોલ ઘણો સ્વિંગ કરે છે. ક્રિકેટ બોલની સરખામણીમાં ટેનિસનો બોલ હળવો હોય છે, જે હવાને કારણે વધારે ફંટાઈ જાય છે. આ સ્થિતિમાં મેચ માટે ખુદને તૈયાર કરવાનો આનાથી વધુ સારો વિકલ્પ કોઈ હોઈ શકે નહીં.

પોર્ટ એલિઝાબેથને હવાઓનું શહેર કહેવામાં આવે છે. આ શહેરને દક્ષિણ ગોળાર્ધના અંતિમ સ્થાનના રૂપમાં માનવામાં આવે છે. સમુદ્રના કિનારે હોવાને કારણે કારણે અહીં હવા ઘણી ઝડપી હોય છે. હવામાન વિભાગ દ્વારા ઝડપી પવનની આગાહી પણ કરવામાં આવી છે. આ સ્થિતિમાં આજે બેટ્સમેન માટે રન બનાવવા ઘણા મુશ્કેલ બની શકે છે.

ઝડપી પવનને કારણે બેટ્સમેનને એક તરફ જ્યાં સ્વિંગ સમજવામાં મુશ્કેલી પડે છે, એવી જ પરેશાનીઓ અહીં બોલર્સ માટે પણ છે જ. બોલર્સને અહીંના મેદાન પર અન્ય મેદાનની સરખામણીએ પોતાની લાઇન લેન્થ પર ઘણી વધારે મહેનત કરવી પડે છે.

બેટ્સમેન અને બોલર્સની સાથે સાથે ફિલ્ડર્સને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે, જેનું ઉદાહરણ તમે ડીવિલિયર્સે ફટકારેલા ઊંચા શોટનો કેચ કરવા દોડેલા અમ્પાયર અલી દાર પરથી આવી શકે છે. ફિલ્ડર હવામાં ફટકારાયેલા શોટનું જજમેન્ટ લઈ શકતા નથી અને તેઓ માટે કેચ કરવો મુશ્કેલ બની જાય છે.

You might also like