ઈન્ડિયા Vs સાઉથ આફ્રિકા, આફ્રિકાની ટીમનો કેપ્ટન જ ઘાયલ થતાં ટીમમાંથી બાકાત

સેન્ચુરિયનઃ ડરબનમાં પ્રથમ વન ડે હારનારી દક્ષિણ આફ્રિકાની ટીમને એક મોટો ઝટકો લાગ્યો છે. દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ આંગળીમાં થયેલી ઈજાના કારણે ભારત સામે વર્તમાન વન ડે અને આગામી ટી-૨૦ શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે.

ડુ પ્લેસિસ ડરબન વન ડે દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો, જોકે મેચ બાદ તેણે કહ્યું હતું, ”મારી આંગળીમાં ફક્ત ઝટકો લાગ્યો છે. આથી આશા રાખું છું કે આગામી મેચ પહેલાં હું સાજો થઈ જઈશ.” જોકે બાદમાં થયેલા પરીક્ષણથી જાણવા મળ્યું કે તેની આંગળીમાં ફ્રેક્ચર થયું છે. આ ફ્રેક્ચર ઠીક થતાં ત્રણથી છ સપ્તાહનો સમય લાગશે. આ કારણે ફાફ વન ડે શ્રેણીની બાકી બચેલી પાંચ મેચ અને ત્યાર બાદ રમાનારી ટી-૨૦ શ્રેણીમાં નહીં રમી શકે.

ભારત સામે નિર્ધારિત ઓવરની બાકીની મેચ માટે ફાફના સ્થાને દક્ષિણ આફ્રિકાના કેપ્ટનના નામની આજે મોડી સાંજે જાહેરાત કરાશે. ડુપ્લેસિસના સ્થાને ફરહાન બેહરડીનને ટીમમાં સામેલ કરી લેવાયો છે. શ્રેણીની બીજી વન ડે આવતી કાલે રવિવારે રમાવાની છે.

ડુ પ્લેસિસ સામે હવે તા. ૧ માર્ચથી ડરબનમાં ઓસ્ટ્રેલિયા સામે રમાનારી પ્રથમ ટેસ્ટ માટે ફિટ થઈ જવાનો પડકાર રહેશે, જોકે તેનું ઈજાગ્રસ્ત થવું દક્ષિણ આફ્રિકા માટે મોટા ઝટકા સમાન છે.

You might also like