ઈન્ડિયા Vs સાઉથ આફ્રિકા, બોલરોની મહેનત પર બેટ્સમેનોએ પાણી ફેરવી દીધું

કેપટાઉન, શનિવાર
ગઇ કાલે કેપટાઉનમાં શરૂ થયેલી પ્રથમ ટેસ્ટના પ્રથમ દિવસે ભારતીય બોલરોની મહેનત પર બેટ્સમેનોએ કંગાળ દેખાવ કરીને પાણી ફેરવી દીધું હતું. ભુવનેશ્વરકુમાર (ચાર વિકેટ)ના નેતૃત્વમાં ભારતીય બોલરોએ અત્રે પ્રથમ ટેસ્ટમાં દ‌િક્ષણ આફ્રિકાની પ્રથમ ઇનિંગ્સને ૭૩.૧ ઓવરમાં ર૮૬ રન પર સમેટી લીધી હતી, પરંતુ પ્રથમ દિવસે ભારતે પણ માત્ર ર૮ રનના સાવ ઓછા સ્કોરમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. ચેતેશ્વર પૂજારા પાંચ અને રોહિત શર્મા કોઇ પણ રન બનાવ્યા વગર ક્રિઝ પર છે. હવે આજે બાકી રહેલા બેટ્સમેનોના પ્રદર્શન પર કરોડો ક્રિકેટ ચાહકોની મીટ છે.

દ‌િક્ષણ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટમાં ટેસ્ટ ક્રિકેટના બેસ્ટ ખેલાડી મનાતા અજિંક્ય રહાણેને ટીમમાં વિરાટ કોહલીએ સ્થાન ન આપતાં લાખો ક્રિકેટ ચાહકોનો રોષ વિરાટ કોહલી પર ભભૂકી ઊઠ્યો હતો. ટ્વિટર સહિત સોશિયલ મીડિયા પર વિરાટ કોહલીના આ નિર્ણયની સખત શબ્દોમાં ઝાટકણી કાઢવામાં આવી હતી.

ગઇ કાલે મુરલી વિજય, શિખર ધવન અને કેપ્ટન વિરાટ કોહલીના સ્વરૂપમાં ભારતે ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. આ અગાઉ પ્રથમ ટોસ જીતીને બેટિંગ કરનાર દ‌િક્ષણ અાફ્રિકાની શરૂઆત ખૂબ જ નબળી રહી હતી અને ૧ર રનના સ્કોર સુધી પહોંચતાં પહોંચતાં તેના ત્રણ મુખ્ય બેટ્સમેન ડીન એલ્ગર (૦), એડન માર્કરામ (પ) અને હાસીમ આમલા (૩) પેવેલિયન ભેગા થઇ ગયા હતા અને આ ત્રણેય વિકેટ ભુવનેશ્વરે ખેરવી હતી.

ત્યાર બાદ અનુભવી એબી ડિવિલિયર્સ અને કેપ્ટન ફાફ ડુપ્લેસીસની જોડીએ ચોથી વિકેટ માટે શતકીય પાર્ટનર‌િશપ નોંધાવીને ટીમને સંભાળી હતી. ‌િડવિલિયર્સ (૬પ) અને ડુપ્લેસીસે (૬ર) રન કર્યા હતા. ક્વીનટન ડીકોકે (૪૩) અને પાછલા ક્રમના વેલોન ફિલેન્ડરે (ર૩) અને કેશવ મહારાજે (૩પ) રન બનાવીને યજમાન ટીમનો સ્કોર ર૮૬ સુધી પહોંચાડ્યો હતો.

પરંતુ રમતનો સમય પૂરો થાય ત્યાં સુધીમાં ભારતે ર૮ રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. ઓફ સ્ટમ્પની બહાર જતા બોલ સામે રમવાની વિરાટ કોહલીની નબળાઇ ફરી એક વાર ઉઘાડી પડી ગઇ હતી. ભારતે છેલ્લા કલાકમાં ૧૧ ઓવર રમવાની હતી, પરંતુ દ‌િક્ષણ આફ્રિકાની પેસ ત્રિપુટી-વર્નોલ ફિલેન્ડર, ડેલ સ્ટેન અને માર્ન મોર્કલેએ ભારતના ટોપ ઓર્ડરને બાઉન્સ અને ‌િસ્વન દ્વારા મુશ્કેલીમાં મૂકી દીધા હતા.

You might also like