આજે બીજી ટી-૨૦ઃ દ. આફ્રિકાને ફીરકી જાળમાં ફસાવવા ઊતરશે ટીમ ઇન્ડિયા

સેન્ચુરિયનઃ ભારતનો દક્ષિણ આફ્રિકા પ્રવાસ હવે અંતિમ તબક્કામાં છે. આ પ્રવાસની બાકી રહેલી બે ટી-૨૦ મેચમાંની એક આજે સેન્ચુરિયનના સુપર સ્પોર્ટ પાર્કમાં ભારતીય સમય અનુસાર રાત્રે ૯.૩૦ વાગ્યે શરૂ થશે. આ મેચ ભારત અને દક્ષિણ આફ્રિકા, બંને માટે મહત્ત્વપૂર્ણ છે.

આજે જો ભારત યજમાન ટીમને હરાવી દેશે તો તે વન ડે શ્રેણી બાદ ટી-૨૦ શ્રેણી પણ પોતાના નામે કરી લેશે. ભારતે પ્રથમ ટી-૨૦ જોહાનિસબર્ગમાં ૨૮ રનથી જીતી લઈને શ્રેણીમાં ૧-૦ની સરસાઈ હાંસલ કરી લીધી છે. વન ડે શ્રેણીમાં ભારતે ૫-૧થી દક્ષિણ આફ્રિકાને કારમો પરાજય આપ્યો હતો. હવે ભારતની નજર ટી-૨૦ શ્રેણી પર કબજો જમાવવાની છે. આના માટે ટીમ ઇન્ડિયા યજમાનોને સ્પિનની જાળમાં ફસાવવાની રણનીતિ સાથે મેદાનમાં ઊતરશે.
સુપરહિટ જોડીની વાપસી થશે.

જોહાનિસબર્ગમાં રમાયેલી પ્રથમ ટી-૨૦ મેચમાં યુઝવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવની સુપરહિટ સ્પિન જોડી મેદાન પર નહોતી. કુલદીપને આરામ આપવામાં આવ્યો હતો અને ચહલ થોડો મોંઘો સાબિત થયો હતો. સેન્ચુરિયનની પીચનો મિજાજ વર્તમાન પ્રવાસ દરમિયાન થોડો ધીમો રહ્યો છે અને આ સ્થિતિમાં ભારતીય ટીમ મેનેજમેન્ટ પ્લેઇંગ ઈલેવનમાં ચહલ ઉપરાંત કુલદીપને પણ સામેલ કરી શકે છે. કુલદીપે વન ડે શ્રેણીમાં સૌથી વધુ ૧૭ વિકેટ ઝડપી હતી. ચહલ-કુલદીપની જોડીની વાપસીનો અર્થ થાય છે દક્ષિણ આફ્રિકાની છાવણી માટે ખતરાની ઘંટડી…

સેન્ચુરિયનમાં ચોથી વાર
વર્તમાન પ્રવાસ દરમિયાન ભારતીય ટીમ ચોથી વાર સેન્ચુરિયનમાં રમશે. ટેસ્ટ શ્રેણીની બીજી ટેસ્ટ મેચ અહીં રમાઈ હતી, જેમાં દક્ષિણ આફ્રિકાનો ૧૩૫ રનથી વિજય થયો હતો. વન ડે શ્રેણીની બીજી અને છઠ્ઠી મેચ પણ અહીં જ રમાઈ હતી, જેને ભારતે ક્રમશઃ નવ વિકેટે અને આઠ વિકેટે જીતી લીધી હતી. ચહલે બીજી વન ડેમાં પાંચ વિકેટ ઝડપી હતી, જ્યારે છઠ્ઠી વન ડેમાં વિરાટ કોહલીએ અણનમ ૧૨૯ રન બનાવ્યા હતા. ભારતીય ટીમ આ મેદાન પર જીતનો સિલસિલો જાળવી રાખવાના ઇરાદા સાથે આજે મેદાનમાં ઊતરશે.

કેપ્ટન વિરાટ ફિટ
પહેલી ટી-૨૦ મેચમાં ઈજાને કારણે મેદાન છોડી જનારા ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અંગે ટીમ મેનેજમેન્ટે સ્પષ્ટ કરી દીધું છે કે ચિંતાની કોઈ વાત નથી. વિરાટ આજની મેચ માટે ફિટ છે. વર્તમાન પ્રવાસની પ્રથમ વન ડે મેચમાં પણ વિરાટને ફિલ્ડિંગ દરમિયાન ઘૂંટણમાં ઈજા થઈ હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે સેન્ચુરિયનમાં જો ભારતીય ટીમ આજે જીતી જશે તો ૨-૦ની અજેય સરસાઈ હાંસલ કરી લેશે. આ સ્થિતિમાં ૨૪ ફેબ્રુઆરીએ કેપટાઉનમાં રમાનારી અંતિમ ટી-૨૦ મેચમાં વિરાટને આરામ આપવામાં આવશે.

પીચ અને હવામાન
સાંજના સમયે વરસાદની શક્યતા છે, જે મેચમાં વિઘ્ન નાખી શકે છે. સુપર સ્પોર્ટ પાર્કમાં ટોસ જીતનારી ટીમ ફાયદામાં રહે છે, કારણ કે અહીં રમાયેલી છ ટી-૨૦ મેચમાંથી ચાર મેચ એ ટીમ જીતી છે, જેણે ટોસ જીત્યો હતો. ટોસ જીતીને પહેલા બેટિંગ કરનારી ટીમે છ ટી-૨૦ મેચમાંથી પાંચ મેચ જીતી છે.

You might also like