જૂનમાં ઝનૂનઃ ભારત-પાકિસ્તાન ક્રિકેટ ઇતિહાસમાં કોના પક્ષમાં રહ્યો છે આ મહિનો?

નવી દિલ્હીઃ ક્રિકેટમાં જ્યારે ભારત-પાક. મુકાબલાની વાત આવે છે ત્યારે દર્શકોનું ઝનૂન સાતમા આસમાને પહોંચી જાય છે. એમાંય જ્યારે મામલો ફાઇનલનો હોય તો પછી કહેવું જ શું? રવિવારે બંને ટીમે ચેમ્પિયન્સ ટ્રોફીના ખિતાબ માટે જંગમાં ઊતરી હતી. ક્રિકેટ ચાહકો અવનવી ચર્ચા કરતા હતા, કેટલાક ઇતિહાસનો ઉલ્લેખ કરતા હતા, કેટલાક વળી આંકડા રજૂ કરીને મેચનું પરિણામ જાહેર કરી રહ્યા હતા. આ બધી ચર્ચાઓ ઉપર અહીં નજર કરીએ કે આખરે જૂન મહિનો આ બંને ટીમ માટે અત્યાર સુધી કેવો રહ્યો છે, આખરે કોના પક્ષમાં રહ્યો છે જૂન મહિનાનો ઇતિહાસ.

જૂનમાં સુપરહોટ ફાઇનલ
ગત રવિવારે ભારત-પાક.ના રસ્તાઓ સૂમસામ બની ગયા હતા. જૂનની ગરમીથી પણ વધુ ગરમી હતી આ સુપરહોટ મેચની. ઈંગ્લેન્ડના ખુશનુમા વાતાવરણમાં બંને ટીમ મેદાનમાં ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ હાંસલ કરવા ઊતરી. એવું પહેલી વાર નથી બન્યું કે જૂન મહિનામાં આ બંને ટીમ સામસામે ટકરાઈ હોય, પરંતુ અત્યાર સુધી વન ડે ક્રિકેટમાં જેટલી મેચ બંને વચ્ચે રમાઈ છે તેની સરખામણીમાં રવિવારનો મુકાબલો મેચ શરૂ થતાં પહેલાં જ ઘણો હોટ બની ગયો હતો. અહીં નજર કરીએ જૂનમાં અત્યાર સુધી રમાયેલી ભારત-પાક.ની મેચ પર.

૧. માન્ચેસ્ટર (ઈંગ્લેન્ડ)ઃ ૮ જૂન-૧૯૯૯, ભારતે પાક.ને ૪૭ રનથી પરાજય આપ્યો.
૨. ઢાકા (બાંગ્લાદેશ)ઃ ૩ જૂન-૨૦૦૦, પાકિસ્તાને ભારતને ૪૪ રનથી હરાવ્યું.
૩. ઢાકા (બાંગ્લાદેશ)ઃ ૧૦ જૂન-૨૦૦૮, ભારતે પાક.ને ૧૪૦ રનથી કચડી નાખ્યું.
૪. ઢાકા (બાંગ્લાદેશ)ઃ ૧૪ જૂન-૨૦૦૮, પાકિસ્તાને ભારતને ૨૫ રનથી હરાવ્યું.
૫. કરાચી (પાકિસ્તાન)ઃ ૨૬ જૂન-૨૦૦૮, ભારતે પાક.ને છ વિકેટથી હાર આપી.
૬. દાંબુલા (શ્રીલંકા)ઃ ૧૯ જૂન-૨૦૧૦, ભારતે પાકિસ્તાનને ત્રણ વિકેટે હરાવ્યું.
૭. બર્મિંગહમ (ઈંગ્લેન્ડ)ઃ ૧૫ જૂન-૨૦૧૩, ભારતે પાકિસ્તાનને આઠ વિકેટે હાર આપી.
૮. બર્મિંગહમ (ઈંગ્લેન્ડ)ઃ ૪ જૂન-૨૦૧૭, ભારતે પાકિસ્તાનને ૧૨૪ રનથી પરાજિત કર્યું.
૯. લંડન (ઈંગ્લેન્ડ)ઃ ૧૮ જૂન-૨૦૧૭, પાકિસ્તાનને ભારતને ૧૮૦ રનથી હરાવ્યું.

એટલે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધી જૂન મહિનામાં ફક્ત નવ વન ડે મેચ રમાઈ છે, જેમાંથી ભારતે છ મેચ જીતી છે, જ્યારે પાકિસ્તાન ફક્ત ત્રણ મેચ જ જીતી શક્યું છે. આમાંની એક મેચમાં તો ભારતે પાકિસ્તાનને તેની જ ધરતી પર હરાવ્યું હતું. આના પરથી સ્પષ્ટ થાય છે કે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ હારી જવા છતાં જૂન મહિનો અત્યાર સુધી ભારતના પક્ષમાં રહ્યો છે.
http://sambhaavnews.com/

You might also like