ભારત-પાક.ની આ મેચોએ જ્યારે દર્શકોના શ્વાસ અધ્ધર કરી દીધા હતા

લંડનઃ આવતી કાલે રમાનારી ભારત-પાક. વચ્ચેની ફાઇનલ મેચમાં દરેક શોટ, દરેક બોલની સાથે દર્શકોના શ્વાસ અધ્ધર થઈ જશે. આવું ફક્ત ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચમાં જ બની શકે છે. અહીં નજર કરીએ ભારત-પાક.ના એવા મુકાબલાઓ પર, જેણે દર્શકોના શ્વાસ અધ્ધર કરી દીધા હતા.

• ૨૦૦૩ વિશ્વકપ (સેન્ચુરિયન)
પાકિસ્તાને એ મેચમાં પહેલી બેટિંગ કરીને ભારતને ૨૭૪ રનનું લક્ષ્ય આપ્યું હતું. સઈદ અનવરે ૧૦૧ રનની ઇનિંગ્સ રમી હતી. ભારત જ્યારે લક્ષ્યનો પીછો કરવા ઊતર્યું ત્યારે શોએબ અખ્તરની બોલિંગમાં બેકવર્ડ પોઇન્ટ ઉપર છગ્ગો ફટકારી દીધો. ભારત-પાક.ના ક્રિકેટ ચાહકો માટે એ દૃશ્ય ક્યારેય ન ભૂલી શકાય તેવું બની રહ્યું. સચીને ૯૮ રનની શાનદાર ઇનિંગ્સ રમી. તેના આઉટ થયા બાદ દ્રવિડ અને યુવરાજે ભારતને ૪૬મી ઓવરમાં જ જીત અપાવી દીધી હતી.

• ૨૦૦૪ ચેમ્પિયન્સ ટ્રોફી (બર્મિંગહમ)
એ મેચમાં જે ટીમ જીતે તે આગળ વધવાની હતી અને હારી જનારી ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ જવાની હતી. ભારતની શરૂઆત બહુ જ ખરાબ રહી અને ૭૩ રનના સ્કોર પર જ ટીમના પાંચ બેટ્સમેન પેવેલિયનમાં પાછા ફર્યા હતા. ત્યાર બાદ રાહુલ દ્રવિડ અને અજિત અગરકરે ભારતને ૨૦૦ રનના સ્કોર સુધી પહોંચાડ્યું. ૨૦૧ રનના લક્ષ્યનો પીછો કરવા ઊતરેલી પાકિસ્તાની ટીમે પણ શરૂઆતમાં વિકેટો ગુમાવતાં લો સ્કોરિંગ મેચ પણ રોમાંચક બની ગઈ. યુસુફ યોહાના અને ઇન્ઝમામ ઉલ હકની ૭૫ રનની ભાગીદારીએ પાકિસ્તાનને વિજય અપાવી દીધો હતો.

• ૨૦૦૭ ટી-૨૦ વર્લ્ડકપ (ડર્બન)
પહેલી વાર બંને ટીમ ટી-૨૦ મેચમાં સામસામે ટકરાઈ હતી. ઉથપ્પાની અર્ધસદી અને ધોનીની અંતિમ ઓવરોમાં તોફાની બેટિંગની મદદથી ભારતે પાકિસ્તાનને ૧૪૨ રનનું લક્ષ્ય આપ્યું હતું. પાકિસ્તાની ટીમ સતત વિકેટો ગુમાવતી રહી, પરંતુ મિસબાહ ઉલ હકની અર્ધસદીની મદદથી પાકિસ્તાનનો સ્કોર ભારતની બરોબરીએ આવી ગયો. અંતિમ બોલ પર મિસબાહ રનઆઉટ થવાને કારણે મેચ ટાઇમાં પરિણમી. આ મેચનો નિર્ણય બોલઆઉટ દ્વારા થયો. હરભજનસિંહ, ઉથપ્પા અને સેહવાગે વિકેટ પર બોલ મારીને ભારતને રોમાંચક જીત અપાવી હતી.

•૨૦૦૭ ટી-૨૦ વર્લ્ડકપ ફાઇનલ (જોહાનિસબર્ગ)
ભારત-પાકિસ્તાન વચ્ચેની સંભવતઃ અત્યાર સુધીની સૌથી રોમાંચક મેચ છે. ભારતીય ટીમે પહેલી બેટિંગ કરતાં ગંભીરના ૭૫ રનની મદદથી ૧૫૭ રનનું લક્ષ્ય પાક.ને આપ્યું. પાકિસ્તાનની શરૂઆત ઘણી ખરાબ રહી અને સતત વિકેટો પડતી રહી. ઇમરાન નઝીર અને યુનુસ ખાને અનુક્રમે ૩૩ અને ૨૪ રનની ઇનિંગ્સ રમી અને પાકિસ્તાની ઇનિંગ્સને સ્થિરતા આપી. મિસબાહ ઉલ હકે શાનદર બેટિંગ કરીને પાકિસ્તાનને અંત સુધી મેચમાં જાળવી રાખ્યું. મેચનો રોમાંચ ત્યારે ચરમસીમાએ હતો, જ્યારે કેપ્ટન ધોનીએ જોગીન્દર શર્માને અંતિમ ઓવર ફેંકવા કહ્યું. બધાને આશ્ચર્ય થયું, કારણ કે જોગીન્દરે અગાઉ ઘણા રન લૂંટાવી દીધા હતા. અંતિમ ચાર બોલ પર પાકિસ્તાનને જીત માટે માત્ર છ રનની જ જરૂર હતી. મિસબાહે શોર્ટ લેગ તરફ ઊંચો શોટ ફટકાર્યો, જેને શ્રીસંતે ઝડપી લીધો. આ સાથે ભારતે પહેલો ટી-૨૦ ખિતાબ જીતી લીધો હતો. એ મેચ દરમિયાન સ્ટેડિયમમાં બેઠેલા તેમજ ટીવી સામે બેઠેલા ક્રિકેટ ચાહકોના રુંવાડાં ઊભાં થઈ ગયાં હતાં.
http://sambhaavnews.com/

You might also like