ઇતિહાસ કહે છે, પાકિસ્તાનને કચડી નાખશે ટીમ ઇન્ડિયા

અમદાવાદઃ ઈંગ્લેન્ડ વિરુદ્ધ આઠ વિકેટની જીત સાથે જ પાકિસ્તાન ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પહોંચી ગયું. પાકિસ્તાનની આ જીતનો જશ્ન પાક. પ્રશંસકોની સાથે-સાથે ભારતીય ક્રિકેટ ચાહકોના ચહેરા પર પણ જોવા મળ્યો હતો, કારણ કે તેઓને ખાતરી હતી કે ભારત સેમિફાઇનલમાં બાંગ્લાદેશને હરાવી દેશે અને ફાઇનલમાં ફરી એક વાર ભારત-પાક.નો હાઈ વોલ્ટેજ મુકાબલો જોવા મળશે. બન્યું છે પણ કંઈક એવું જ. ભારતે બીજી સેમિફાઇનલમાં બાંગ્લાદેશને રીતસર કચડી નાખીને શાનથી ફાઇનલની ટિકિટ કન્ફર્મ કરી લીધી. હવે આવતી કાલે રવિવારે ભારતીય સમય અનુસાર ભારત-પાક. વચ્ચે જેની કરોડો ક્રિકેટ ચાહકો રાહ જોઈ રહ્યા છે તે ડ્રીમ ફાઇનલ રમાશે. આ ટક્કર પહેલાં એ જાણવું બહુ જરૂરી છે કે આખરે ભારત-પાક.ના આ મુકાબલામાં ‘સિકંદર’ કોણ બનશે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે વન ડે ક્રિકેટમાં કુલ ૧૨૮ વાર ટક્કર થઈ છે, જેમાં ભારતે બાવન મેચમાં અને પાકિસ્તાને ૭૨ મેચમાં વિજય મેળવ્યો છે, પરંતુ કહાણી આનાથી થોડી આગળ પણ છે. બંને ટીમ છેલ્લાં ૧૦ વર્ષમાં ૨૧ વન ડેમાં ટકરાઈ છે, જેમાંથી ભારતે ૧૨ મેચ જીતી છે અને પાકિસ્તાન ફક્ત આઠ મેચમાં જીતી શક્યું છે.

ICC ટૂર્નામેન્ટની બાદશાહ છે ટીમ ઇન્ડિયા
ટીમ ઇન્ડિયા આઇસીસી ટૂર્નામેન્ટની બાદશાહ છે. આઇસીસી ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમ સામે પાકિસ્તાની ટીમનું કંઈ ચાલતું નથી અને હંમેશાં પાક. ટીમને હારનો સામનો કરવો પડે છે. ક્રિકેટ વિશ્વકપ અને ટી-૨૦ વિશ્વકપ મળીને બંને ટીમ વચ્ચે કુલ ૧૧ વાર ટક્કર થઈ છે, જેમાં ભારત ૧૧-૦થી આગળ છે. ભારત અને પાકિસ્તાન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ચાર ટકરાયા છે, જેમાંથી બંને ટીમ ૨-૨ની બરોબરી પર છે, જેમાંથી એક વાર તો આ વખતની ટૂર્નામેન્ટના ગ્રૂપ સ્ટેજમાં પાક.ને હરાવ્યું છે.

આઇસીસી ટૂર્નામેન્ટમાં એવું પહેલી વાર નહીં બને કે જ્યારે ટીમ ઇન્ડિયા અને પાકિસ્તાન ફાઇનલ મુકાબલાે રમી રહ્યા હશે. આજથી ૧૦ વર્ષ પહેલાં ૨૦૦૭ના ટી-૨૦ વર્લ્ડકપ દરમિયાન ભારત-પાક. વચ્ચે ખિતાબી જંગ જામ્યો હતો. એ મેચમાં પાકિસ્તાનને અંતિમ ઓવરમાં પાંચ રન ધૂળ ચટાડીને મહેન્દ્રસિંહ ધોનીના નેતૃત્વ હેઠળની ટીમ ઇન્ડિયા ચેમ્પિયન બની હતી.

આ વખતે પણ ભારત ચેમ્પિયન બની શકે છે
ભારતીય ટીમ આ વખતની આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીના ખિતાબની પ્રબળ દાવેદાર છે. ભલે પાકિસ્તાની ટીમ ફાઇનલમાં પહોંચી ગઈ હોય, પરંતુ હજુ પણ તેનામાં શક્તિશાળી ભારતીય ટીમનો મુકાબલો કરવાનો દમ દેખાતો નથી. આઇસીસી વન ડે રેન્કિંગમાં ભારત ત્રીજા સ્થાને છે, જ્યારે પાકિસ્તાન આઠમા સ્થાને છે. બંને ટીમના ખેલાડીઓની સરખામણીમાં પણ ભારતીય ટીમ વધુ સંતુલિત, અનુભવી અને મજબૂત નજરે પડી રહી છે. પાકિસ્તાનની સરખામણીએ ભારતે આ વખત વધુ સારું પ્રદર્શન કર્યું છે. ટૂંકમાં આવતી કાલની મેચ રોમાંચક-શ્વાસ થંભાવી દેનારી તેમજ થ્રિલર ફાઇનલ બની રહે એવી ક્રિકેટ ચાહકો આશા રાખી રહ્યા છે.

ઈંગ્લેન્ડમાં ક્રિકેટ જ નહીં, હોકીમાં પણ સુપર સન્ડે
લંડનઃ ટીમ ઇન્ડિયા ૧૮ જૂન એટલે કે આવતી કાલે ફાધર્સ ડેના રોજ પાકિસ્તાન સામે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં ટકરાશે. જોકે ભારત પાસે પાકિસ્તાનને હરાવવા માટે એક નહીં, પરંતુ બે તક છે. એક બાજુ લંડનમાં કેનિંગ્ટન ઓવલ મેદાન પર ભારત અને પાકિસ્તાનની વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ક્રિકેટ મેચ રમાશે તો બીજી બાજુ હોકીમાં પણ બંને દેશની ટીમ સામસામે ટકરાશે. ભારતીય હોકી ટીમ પણ જીતના ઇરાદાથી વર્લ્ડ હોકી લીગની સેમિફાઈનલમાં રમવા ઊતરશે છે. ભારતીય પુરુષ હોકી ટીમ સ્કોટલેન્ડને ૪-૧થી હરાવીને વર્લ્ડ હોકી લીગની સેમિફાઈનલમાં પહોંચી છે. ગ્રૂપ-બીની આ મેચ ભારતીય સમય અનુસાર સાંજે ૬.૩૦ વાગ્યે શરૂ થશે.
http://sambhaavnews.com/

You might also like