Super Saturday: મીરપુરમાં ભારત-પાક.નો મહામુકાબલો

મીરપુરઃ પાકિસ્તાન વિરુદ્ધ મીરપુરમાં આજે સાંજે ૭.૦૦ વાગ્યે શરૂ થનારા મહામુકાબલા પહેલાં ધોનીની ટીમ જે રીતની શરૂઆત ઇચ્છતી હતી એવી જ શરૂઆત એશિયા કપમાં બાંગ્લાદેશ સામેની જીત સાથે મળી. આઇસીસીની કોઈ પણ ટૂર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાનની ટક્કર સૌથી મોટું આકર્ષણ હોય છે અને એશિયા કપમાં પણ એ શ્વાસ અધ્ધર કરી દેનારો દિવસ આવી પહોંચ્યો છે. એક વાત નક્કી છે કે આ મેચ દરમિયાન દર્શક જરૂર પોતાની બેઠક સાથે ચીપકેલા રહેશે અને કરોડો ચાહકોની સાથે ખેલાડીઓની ધડકન પણ વધેલી જ રહેશે. જે ટીમનું દિલ મોટું અને દિમાગ ઠંડું હશે એ જ ટીમ બાજી મારશે. એક વર્ષથી જે મેચનો ઇંતેજાર ક્રિકેટ ચાહકો કરી રહ્યા હતા એ વિશ્વ ક્રિકેટની રોમાંચક ભારત-પાક.ની ટક્કર આજે જોવા મળશે.

આજની મેચનું મહત્ત્વ એ કારણે પણ વધી જાય છે, કારણ કે આગામી મહિને આઇસીસી ટી-૨૦ વિશ્વકપ પહેલાં બંને ટીમ વચ્ચે કદાચ આ એકમાત્ર મુકાબલો હશે. આજની મેચમાં બધાની નજર રોહિત-વિરાટ અને પાક. ટીમમાં પ્રતિબંધ પછી વાપસી કરી રહેલા ફાસ્ટ બોલર મોહંમદ આમિર પર રહેશે.
બંને ટીમ ગત મહિને ઘણું ટી-૨૦ ક્રિકેટ રમી છે. ભારત આ વર્ષે અત્યાર સુધીમાં સાત ટી-૨૦ મેચ રમ્યું છે, જેમાંથી છ મેચ જીતી લીધી છે, જ્યારે પાકિસ્તાની ખેલાડીઓ પાકિસ્તાન સુપર લીગમાં રમીને અહીં પહોંચ્યા છે. પરંપરાગત રીતે ભારત વૈશ્વિક ટૂર્નામેન્ટમાં પાકિસ્તાન સામે ક્યારેય હાર્યું નથી, પરંતુ એશિયા કપમાં એવું નથી. એશિયા કપમાં બંને ટીમ બરાબરી પર છે. ભારત માટે એકમાત્ર સંશય કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની ફિટનેસનો છે.
બાંગ્લાદેશ સામેની મેચમાં તે ઈજાગ્રસ્ત હોવા છતાં રમ્યો હતો. જો આજે તે નહીં રમે તો પાર્થિવને અંતિમ ઈલેવનમાં તક મળશે. આના સિવાય ટીમમાં કોઈ ફેરફાર થાય તેવી શક્યતા નથી. રોહિતે બાંગ્લાદેશ સામેની મેચમાં શાનદાર ઇનિંગ્સ રમી હતી. હાર્દિક પંડ્યાએ પોતાની ઉપયોગિતા સાબિત કરી આપી છે. આજની મેચમાં િશખર ધવન, વિરાટ કોહલી, યુવરાજ અને સુરેશ રૈના પાસેથી ભારતીય ચાહકો શાનદાર પ્રદર્શનની આશા રાખી રહ્યા છે.
આફ્રિદીને પોતાના ટોચના ક્રમના બેટ્સમેનો મોહંમદ હફીઝ અને શારજીલ ખાન પાસેથી સારા પ્રદર્શનની આશા છે.

આ ઉપરાંત ટીમમાં ખુર્રમ મંજૂર, શોએબ મલિક, ઉમર અકમલ અને ખુદ આફ્રિદી છે. અહીંની ફાસ્ટ વિકેટ મોહંમદ આમિર, વહાબ રિયાઝ અને મોહંમદ સામીને બહુ માફક આવે તેવી છે.

શાહિદ આફ્રિદીની ડંફાશઃ મારા બોલર્સ છ ઓવરમાં જ ભારતને તહસ-નહસ કરી નાખશે
પોતાના ફાસ્ટ બોલિંગ આક્રમણને લઈને બહુ જ આસ્વસ્થ દેખાઈ રહેલા પાકિસ્તાની કેપ્ટન શાહિદ આફ્રિદીએ કહ્યું કે તેના ફાસ્ટ બોલર ભારતના ટોચના બેટિંગ ક્રમને શરૂઆતની છ ઓવરમાં જ તહસ-નહસ કરી નાખશે. આફ્રિદીએ ગઈ કાલે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું, ”ફાસ્ટ બોલર આવી પરિસ્થિતિમાં આક્રમણના મુખ્ય આધાર હોય છે. અમારી પાસે ચાર ફાસ્ટ બોલર છે અને તેઓને વિકેટ ઝડપનારા બોલર માનવામાં આવે છે. અમારા ફાસ્ટ બોલર શરૂઆતની છ ઓવરનો ઉપયોગ કરીને ભારતના ટોચના બેટ્સમેનોને પેવેલિયનમાં મોકલવાની કોશિશ કરશે.

પાકિસ્તાની કેપ્ટન આફ્રિદીએ ભારત સરકાર પર હુમલો કર્યો
પાકિસ્તાની કેપ્ટન આફ્રિદીએ મેચ પહેલાં વાતવાતમાં ભારત સરકાર પર નિશાન તાકતા ભારતના પ્રશંસકોને નારાજ કરી દીધા. બંને દેશ વચ્ચે ક્રિકેટ સંબંધો અંગે પૂછવામાં આવતા આફ્રિદીએ કહ્યું, ”ક્રિકેટ બે દેશને નજીક લાવવાનો આધાર છે. બંને દેશના લોકો એકબીજાને પોતાના દેશમાં રમતા જોવા ઇચ્છે છે, પરંતુ હંમેશાં અમારી સરકાર જ આની પહેલ કરે છે.” આમ આફ્રિદી દ્વારા કહેવાયેલા ‘અમારી સરકાર’ શબ્દને વિવાદ ઊભો કરી દીધો છે.

You might also like