પુણે વન ડે : ન્યૂઝીલેન્ડને લાગ્યા પ્રારંભિક ઝટકા

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ત્રણ વન ડે મેચની શ્રેણીની બીજી વન ડેમાં ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણયકર્યો હતો ભારતીય ટીમમાં કુલદીપની જગ્યા પર અક્ષર પટેલનો સમાવેશકરવામાં આવ્યો છે જ્યારે ન્યૂઝીલેન્ડે ટીમમાં કોઇ ફેરફાર કર્યો નથી.

મુંબઈમાં મળેલી કારમી હાર બાદ ભારતીય ટીમ પર સિરીઝ હારવાનો ખતરો તોળાઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે રવિવારે વાનખેડે સ્ટેડિયમ પર રમાયેલી પ્રથમ વન ડેમાં હોટ ફેવરિટ ગણાતી ભારતીય ટીમને ન્યૂઝીલેન્ડે આસાનીથી હરાવી દીધી હતી. ન્યૂઝીલેન્ડની ટીમ સિરીઝમાં ૧-૦ની લીડથી આગળ છે. કાેહલી બ્રિગેડ માટે આજની મેચ ‘કરો યા મરો’ના મુકાબલા સમાન છે. ટીમ ઈન્ડિયાએ સિરીઝમાં બની રહેવા માટે પુણે વન ડે જીતવી જરૂરી છે. બીજી તરફ ન્યૂઝીલેન્ડની ટીમ છેલ્લી જીતથી ફોર્મમાં આવી ગઈ છે અને તે પુણેમાં જ સિરીઝ પર કબજો કરવા ઈચ્છે છે.

આજની મેચમાં પણ ટીમ ઈન્ડિયાનો મદાર કેપ્ટન કોહલીના પ્રદર્શન પર રહેશે. વાનખેડેમાં ૧૨૧ રનની સ્ફોટક ઈનિંગ્સ સાથે કોહલી એકલા હાથે લડ્યો હતો. ઓપનર રોહિત શર્મા, શિખર ધવન ઉપરાંત કેદાર જાધવ કે એમ.એસ. ધોની ખાસ સફળ રહ્યા ન હતા. ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ વન ડેમાં ડાબેરી બોલરો સામે ભારતીય બેટ્સમેનો લાચાર સાબિત થયા હતા અને મેચ હાથમાંથી નીકળી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે ટીમ ઈન્ડિયાએ છેલ્લી છ વન ડે સિરીઝ જીતી છે. ૨૦૧૬માં ઝિમ્બાબ્વેમાં ૩-૦થી શરૂ થયેલો વિજયરથ ન્યૂઝીલેન્ડ સામે ૩-૨, ઈંગ્લેન્ડ સામે ૨-૧, વેસ્ટ ઈ‌ન્ડીઝ સામે ૩-૧ અને શ્રીલંકા સામે ૫-૦ અને ઓસ્ટ્રેલિયા સામે ૪-૧ની જીતથી દોડી રહ્યો છે. છેલ્લાં બે વર્ષથી ભારતીય ટીમ ભાગ્યે જ નબળી પડી છે, પણ કિવિઓએ પ્રથમ વન ડેમાં જોરદાર ઝાટકો આપ્યો હતો.

પુણેના સ્ટેડિયમમાં ભારતીય ટીમ આજે તેની ત્રીજી વન ડે રમશે. આ મેદાન પર ભારતને એક જીત અને એક હાર મળી છે. મેદાનના રેકોર્ડને જોઈએ તો આજે હાઈ સ્કોરિંગ મેચ જોવા મળશે તેવી આશા છે. આ મેદાનમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની છેલ્લી ટક્કરમાં કુલ ૭૦૬ રનનો વરસાદ થઈ ગયો હતો.

કેપ્ટન વિરાટ કોહલી વર્ષ ૨૦૧૭ની તેની ૨૫મી વન ડે રમવા આજે મેદાનમાં ઊતરશે. વિરાટ આ વર્ષે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. તેણે ૨૪ વન ડેમાં પાંચ સદી અને સાત અર્ધસદી વડે સૌથી વધુ ૧૩૧૮ રન બનાવ્યા છે. ઈંગ્લેન્ડનો કેપ્ટન જો રૂટ ૯૮૩ રન સાથે બીજા ક્રમે છે.

You might also like