આજે કોણ જીતશે? ભારત, ન્યૂઝીલેન્ડ કે પછી ‘ક્યાંત’?

વિશાખાપટ્ટનમઃ ન્યૂઝીલેન્ડ સામે રાંચીમાં ૧૯ રને પરાજય બાદ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી પાંચ મેચની વન ડે શ્રેણી ૨-૨થી બરોબરી પર છે. એવામાં આવતી કાલે વિશાખાપટ્ટનમમાં રમાનારી પાંચમી અને અંતિમ વન ડે ફાઇનલ જેવી બની ગઈ છે. આવતી કાલની મેચ જીતી લઈને શ્રેણી પોતાના નામે કરી લેવા બંને ટીમ ઉત્સુક છે. ન્યૂઝીલેન્ડ આજ સુધી ભારતીય ધરતી પર એક પણ વન ડે શ્રેણી જીતી શકી નથી. આ સ્થિતિમાં ભારત માટે આ ગૌરવશાળી રેકોર્ડને બચાવવો બહુ જ મહત્ત્વનો છે, પરંતુ દક્ષિણ ભારતના બંદર શહેર વિશાખાપટ્ટનમથી આવનારા સમાચાર ટીમ ઇન્ડિયા અને તેના ચાહકોને થોડા નિરાશ કરનારા છે.

અસલમાં ભારતીય હવામાનખાતાના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં સર્જાયેલું ‘ક્યાંત’ વાવાઝોડું આંધ્ર પ્રદેશ તરફ ફંટાવાની શક્યતા છે. આની અસર ગઈ કાલથી જોવા મળી રહી છે. વાવાઝોડું બુધવારની સવારે ૫.૩૦ વાગ્યા બંગાળની ખાડીના મધ્ય-પૂર્વમાં વિશાખાપટ્ટનમથી પૂર્વ-દક્ષિણ પૂર્વ ૬૨૦ કિમી દૂર અને મછલીપટ્ટનમથી પૂર્વ-ઉત્તર પૂર્વ ૮૩૦ કિમી દૂર હતું.

હવામાનખાતાના જણાવ્યા અનુસાર ‘ક્યાંત’ નામનું આ વાવાઝોડું બેથી ત્રણ દિવસ પોતાની અસર દેખાડશે અને પછી બંગાળની ખાડીથી પશ્ચિમ-મધ્ય તરફ આગળ વધી શકે છે. ‘ક્યાંત’ આગામી ૨૪ કલાકમાં થોડું વધુ તોફાની બની શકે છે. આગામી ૭૨ કલાકમાં પશ્ચિમ-દક્ષિણ પશ્ચિમ તરફથી બંગાળની ખાડીના પશ્ચિમ-મધ્ય તરફ આગળ વધવાની શક્યતા છે અને પછી આવતી કાલે શનિવારે પ્રકાશમ જિલ્લાના દરિયા કિનારા સાથે ટકરાઈ શકે છે.

જોકે આ એક દરિયાઈ તોફાન છે, પરંતુ આની અસર એ હશે કે ઝડપી પવનની સાથે-સાથે વરસાદ પણ પડી શકે છે અને જો આવતી કાલે ૨૯ ઓક્ટોબરે વિશાખાપટ્ટનમમાં વરસાદ પડ્યો તો પછી પાંચમી વન ડે પર ‘ક્યાંત’નું ગ્રહણ લાગી શકે છે. ધોનીના નેતૃત્વ હેઠળની ટીમ ઇન્ડિયા નહીં ઇચ્છે કે મેચ સંપૂર્ણપણે ધોવાઈ જાય. જો ૨૦-૨૦ ઓવર્સની મેચ પણ રમાઈ શકે તો ટીમ ઇન્ડિયા તેને જીતી લઈને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પોતાના ઘરમાં જીતનો સિલસિલો જાળવી રાખશે. હવે સવાલ એ રહે છે કે આવતી કાલની મેચમાં કોણ જીતશે? ભારત, ન્યૂઝીલેન્ડ કે પછી ‘ક્યાંત’ વાવાઝોડું?

નિર્ણાયક મુકાબલો જીતવા તૈયારઃ ટેલર
ન્યૂઝીલેન્ડની ટીમની નજર ભારતમાં ઐતિહાસિક દ્વિપક્ષી વન ડે શ્રેણી જીતવા પર ટકેલી છે. ટીમના સિનિયર બેટ્સમેન રોસ ટેલરે ગઈ કાલે જણાવ્યું, ”ટેસ્ટ મેચમાં મળેલી ૦-૩ની હારને ભૂલીને વન ડે શ્રેણીની આવતી કાલે રમાનારા નિર્ણાયક મુકાબલો જીતવા તૈયાર છીએ. તમે ઘરની બહાર વારંવાર શ્રેણી ના જીતી શકો, ખાસ કરીને ભારતીય ઉપખંડમાં. આ ઘણો રોમાંચક સમય છે. અમને આશા છે કે જેવું અમે અગાઉ કર્યું છે તેનાથી ઘણું વધુ સારું પ્રદર્શન કરી શકીએ છીએ.”

You might also like