દુનિયા યાદ રાખશે મિતાલીની આ ‘4S’ ફોર્મ્યુલા

લંડનઃ ભારતીય મહિલા ક્રિકેટ ટીમ એ તબક્કે આવીને ઊભી છે, જ્યાં એક વધુ સારું પ્રદર્શન ઇતિહાસ બદલી નાખશે. આવતી કાલે આઇસીસી મહિલા વિશ્વકપની ફાઇનલમાં ભારતનો મુકાબલો યજમાન ઈંગ્લેન્ડ સામે થવાનો છે, જ્યાં ભારતીય ટીમ જીતની પ્રબળ દાવેદાર નજરે પડી રહી છે. મિતાલીના નેતૃત્વવાળી આ ટીમ પાસે એક એવી ફોર્મ્યુલા છે, જેને પુરુષ ક્રિકેટર્સની ટીમ વર્ષોથી શોધી રહી છે. ક્રિકેટના નિષ્ણાતોનું કહેવું છે કે ઈંગ્લેન્ડની સરખામણીમાં ટીમ ઇન્ડિયાનું પલડું ભારે દેખાઈ રહ્યું છે.

શું છે આ ‘4S’ ફોર્મ્યુલા?
આના માટે ભારતીય ટીમના ઇતિહાસ પર આપણે નજર કરવી પડશે. આ ૧૯૬૦થી ૧૯૭૦ વચ્ચેનો સમય હતો, જ્યારે ભારત તરફથી એરાપલ્લી પ્રસન્ના, શ્રીનિવાસ વેંકટરાઘવન, ભગવત ચંદ્રશેખર અને બિશનસિંહ બેદી જેવા દિગ્ગજ સ્પિનર રમતા હતા. આ ચોકડી સામે દિગ્ગજ બેટ્સમેન પણ ક્રીઝ પર ડાન્સ કરતા નજરે પડતા હતા. આ ચારેય સ્પિનરે મળીને કુલ ૮૫૩ વિકેટ ઝડપી છે, જે એ સમયના હિસાબથી ઘણી વધારે છે, કારણ કે ત્યારે આટલી બધી મેચ રમાતી નહોતી. ઇતિહાસ ફરી એક વાર પુનરાવર્તન કરી રહ્યો છે. બસ, ફર્ક એટલો જ છે કે આ વખતે પુરુષ ક્રિકેટરમાં નહીં, પરંતુ મહિલા ક્રિકેટમાં આવું બની રહ્યું છે અને મામલો ટેસ્ટનો નહીં, પરંતુ વન ડેનો છે.

હવે તમે િવચારી રહ્યા હશો કે મહિલાઓની ટીમની સૌથી મોટી તાકાત શી છે? મોટા ભાગના લોકો કેપ્ટન મિતાલી રાજ, સ્ટાર બોલર ઝૂલન ગોસ્વામી કે પછી સેમિફાઇનલમાં અણનમ ૧૭૧ રન ફટકારનારી હરમનપ્રીત કૌરનું નામ લઈ રહ્યા છે ત્યારે આ ચાર પુરુષ સ્પિનરને શા માટે આજે યાદ કરવામાં આવી રહ્યા છે?

અસલમાં ભારતીય મહિલા ટીમ પાસે ચાર એવી જ સ્પિનર હાજર છે, જે કોઈ પણ પીચ પર બોલ સ્પિન કરવાની ક્ષમતા રાખે છે. ઉલ્લેખનીય છે કે ઈંગ્લેન્ડની પીચોને ઝડપી બોલિંગ માટે મદદરૂપ માનવામાં આવે છે અને એવું માનવામાં આવી રહ્યું હતું કે ઝૂલન ગોસ્વામી ઈંગ્લેન્ડમાં શાનદાર પ્રદર્શન કરશે, પરંતુ આ ભારતની ચાર મહિલા સ્પિનર્સે ઝૂલનને પણ ઘણી પાછળ છોડી દીધી છે. હરીફ ટીમો માટે સૌથી મોટો સવાલ એ ઊભો થયો છે કે ટીમ ઇન્ડિયાની આ ‘4S’ ફોર્મ્યુલાનો તોડ કેવી રીતે કાઢવો, કારણ કે સમગ્ર વર્લ્ડકપમાં સૌથી વધુ વિકેટ ઝડપવાના મામલામાં ત્રણ ભારતીય સ્પિનર સામેલ છે.
આ સ્પિનર્સમાં દીપ્તિ શર્મા (૧૨ વિકેટ), પૂનમ યાદવ (૯ વિકેટ), એક્તા બિષ્ટ (૯ વિકેટ) અને રાજેશ્વરી ગાયકવાડ (૬ વિકેટ) સામેલ છે. આમાં રાજેશ્વરીએ ન્યૂઝીલેન્ડ સામે પાંચ વિકેટ ઝડપીને બધાને ચોંકાવી દીધા હતા. એમ પણ અંગ્રેજ બેટ્સવુમનને સ્પિનર સામે રમવામાં મુશ્કેલીનો સામનો કરી રહી છે. ભારતીય ચાહકો આશા રાખી રહ્યા છે કે આવતી કાલે પણ ઈંગ્લેન્ડની ટીમ ફરી એક વાર મિતાલીની આ ‘4S’ ફોર્મ્યુલા સામે ડાન્સ કરતી જોવા મળશે.

ઈંગ્લૅન્ડે લોઢાના ચણા ચાવવા પડશે: કેપ્ટન મિતાલી
લંડનઃ ભારતની કેપ્ટન મિતાલી રાજે ICC મહિલા વર્લ્ડ કપની આવતી કાલે બપોરે ૨.૩૦ વાગ્યાથી શરૂ થનારી નારી ફાઈનલ પૂર્વે હરીફ ટીમ ઈંગ્લેન્ડને ચેતવણી આપતાં કહ્યું હતું કે દિવસે દિવસે રમતમાં સુધારો કરી રહેલી તેની ટીમ સામે યજમાન રાષ્ટ્રની ખેલાડીઓ ભારે સંઘર્ષની આશા રાખી શકે છે. ઈંગ્લેન્ડ માટે ઘણું કપરું બનશે, પણ બધો આધાર અમે કેવો દેખાવ કરીએ છીએ તેના પર છે. એમ તેણે કહ્યું હતું. હરમનપ્રીત કૌરના ૧૧૫ બોલમાં ૧૭૧ રનના સનસનાટીભર્યા દાવથી ભારતે સેમી-ફાઈનલમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયાની ટીમને ૩૬ રનથી પરાજિત કરી ફાઈનલમાં પ્રવેશ કર્યો છે અને મિતાલીએ આ વિજયને મોટી સિદ્ધિ તરીકે ગણાવ્યો હતો.

મિતાલીએ કહ્યું હતું કે તેની ટીમની ખેલાડીઓ હવે ખરેખર આંતરરાષ્ટ્રીય કક્ષાની છે. મિતાલીએ કહ્યું હતું કે વર્લ્ડ કપની ફાઈનલમાં રમવાનો મોકો ખેલાડીની કારકિર્દીમાં એકાદ વાર જ આવે છે.

http://sambhaavnews.com/

You might also like