IndvsEng: ભારતે પ્રથમ દિવસના અંતે 6 વિકેટે 307 રન બનાવ્યાં

ટીમ ઇન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચની શ્રેણીની ત્રીજી ટેસ્ટ નોટિંધમના ટ્રેન્ટ બ્રિજના મેદાનમાં શરૂ થઇ હતી. ટોસ હાર્યાં બાદ પ્રથમ બેટિંગમાં ઉતરેલી ભારતીય ટીમે પ્રથમ દિવસના અંતે 6 વિકેટના નુકસાન પર 307 રન બનાવી લીધા છે.

પ્રથમ દિવસના અંતે ટેસ્ટમાં પદાર્પણ કરનાર ઋષભ પંત 22 રન બનાવી અણનમ રહ્યો હતો. હાર્દિક પંડયા 18 રન બનાવી ભારતની છઠ્ઠી વિકેટના ભાગરૂપે આઉટ થયા બાદ પ્રથમ દિવસની રમતની સમાપ્તિ કરી દેવામાં આવી હતી. ભારત તરફથી સૌથી વધારે રન સુકાની વિરાટ કોહલીએ બનાવ્યા હતા.

વિરાટ કોહલીએ 97 રન બનાવ્યા હતા. વિરાટે 97 રન 152 બોલમાં બનાવ્યા હતા. જેમાં 11 બાઉન્ડ્રી ફટકારી હતી. તેના સિવય ઉપ-સુકાની અજકિંય રહાણેએ 131 બોલમાં 12 બાઉન્ડ્રીની મદદથી 81 રનની ઇનિંગ્સ રમી હતી. ઇંગ્લેન્ડ તરફથી ક્રિસ વોકસે ત્રણ વિકેટ ઝડપી હતી.

સુકાની વિરાટ કોહલી અને રહાણેએ ભારતની ઇનિંગ્સને સંભાળી હતી. બંને વચ્ચે ચોથા વિકેટ માટે 159 રનન ભાગેદારી નોંધાઇ હતી. પ્રથમ દિવસના અંત સમયે ટેસ્ટમાં ડેબ્યૂ કરનાર ઋષભ પંતે કેટલાક શાનદાર શોટ ફટકાર્યા હતા.

ત્રીજી ટેસ્ટમાં ભારતીય ઓપનિંગ જોડીએ સારી શરૂઆત આપી હતી. શિખર ધવને 35 તેમજ લોકેશ રાહુલે 23 રન બનાવ્યા હતા. આમ બંને ખેલાડીએ ભારતની પ્રથમ વિકેટમાં 60 રન જોડ્યા હતા. ભારતે ત્રીજી ટેસ્ટમાં ત્રણ ફેરફાર કર્યા હતા.

જેમાં મુરલી વિજય, દિનેશ કાર્તિક અને કુલદીપ યાદવની જગ્યાએ શિખર ધવન, ઋષભ પંત અને જસપ્રીત બુમરાહનો ટીમમાં સમાવેશ કર્યો હતો.

નોટિંધમમાં ભારતે સૌ પ્રથમ ટેસ્ટ 1959માં રમી હતી જેમાં એક ઇનિંગ્સ અને 59 રને પરાજય થયો હતો. ભારતે અત્યાર સુધીમાં આ મેદાનમાં 6 ટેસ્ટ મેચ રમી છે જેમાં માત્ર એક ટેસ્ટ મેચમાં જીત મેળવી છે. જ્યારે બે મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.

You might also like