રાજકોટ ટેસ્ટ: ભારતની પ્રથમ ઇનિંગ્સ 488 રનમાં સમટેાઇ, રશિદની 4 વિકેટ

રાજકોટઃ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચનો આજે ચોથો દિવસ છે. પહેલાે અને બીજો દિવસ સંપૂર્ણપણે ઈંગ્લેન્ડના નામે રહ્યો હતો, જ્યારે ગઈ કાલનો ત્રીજો દિવસ મુરલી વિજય અને પૂજારાની સદીના દમ પર ભારતના નામે રહ્યો. હવે આજે ચોથો દિવસ કોના નામે રહેશે એ જોવું દિલચસ્પ બની રહેશે, કારણ કે આજનો દિવસ ઘણી હદ સુધી મેચની દશા અને દિશા નક્કી કરશે. જોકે આજે સવારે જ ઈંગ્લેન્ડના સ્પિનર રશીદ અને ઝફર અન્સારી સામે ભારતીય ટીમનો ધબડકો થયો છે. ગઈ કાલનો અણનમ બેટ્સમેન અને જેની પાસેથી ટીમ ઇન્ડિયાને બહુ જ મોટી આશા હતી તે કેપ્ટન વિરાટ કોહલી આજે જ્યારે ૪૦ રને બેટિંગ કરી રહ્યો હતો ત્યારે રશીદની બોલિંગમાં હિટવિકેટ આઉટ થયો હતો, જ્યારે અજિંક્ય રહાણે આજે નિષ્ફળ રહ્યો હતો અને ફક્ત ૧૩ રન બનાવી અન્સારીની બોલિંગમાં બોલ્ડ આઉટ થયો હતો. ત્યારબાદ કોઇપણ બેટ્સમેન વધુ ક્રિઝ પર ટકી ન શકતાં ભારતની પ્રથમ ઇનિંગ્સ 488 રનમાં સમેટાઇ ગઇ હતી. અશ્વિને 70 રનન નિર્ણાયક ઇનિંગ્સ રમી હતી.

ગઈ કાલે મેચના ત્રીજા સત્ર સુધી બધું જ ભારત માટે ઠીકઠાક ચાલી રહ્યું હતું, પરંતુ અંતિમ સત્રમાં અચાનક ઈંગ્લેન્ડે ત્રણ ઝટકા આપીને ભારતને થોડું પરેશાન કરી નાખ્યું હતું. પૂજારા (૧૨૪), વિજય (૧૨૬) અને નાઇટ વોચમેનના રૂપમાં મેદાનમાં આવેલો અમિત મિશ્રા (૦૦) આઉટ થયા બાદ દિવસભરની મહેનત પર પાણી ફરી વળતું જોવા મળ્યું. ગઈ કાલે ભારતે દિવસની રમત પૂરી થતા સુધીમાં ચાર વિકેટે ૩૧૯ રન બનાવી લીધા હતા.

આજે ઈંગ્લેન્ડની ટીમ પાસે દબાણ બનાવવા માટે શાનદાર મોકો છે. ગઈ કાલે અંતિમ ક્ષણોમાં ઝડપેલી બે વિકેટને કારણે ઈંગ્લેન્ડના બોલર્સનું મનોબળ ઘણું ઊંચું હશે. હવે આજે મેચના ચોથા દિવસે તેઓની રણનીતિ એ જ રહેશે કે જલદીમાં જલદી ટીમ ઇન્ડિયાને ઓલઆઉટ કરી મહત્ત્વપૂર્ણ સરસાઈ હાંસલ કરે, કારણ કે આ મેદાન પર ૧૦૦-૧૫૦ રનની સરસાઈ પણ પહાડ જેવી સાબિત થઈ શકે છે. આજે મેચનો ચોથો દિવસ હોવાથી વિકેટ નિશ્ચિત રીતે જ જોરદાર ટર્ન લેવા માંડશે. એમાંય આવતી કાલે મેચના અંતિમ દિવસે તો સ્પિન બોલિંગ સામે બેટ્સમેનો માટે વિકેટ પર ઊભા રહેવું પણ મુશ્કેલ બની જશે.

You might also like