અંગ્રેજોએ નાના ફોર્મેટમાં મોટી શરૂઆત કરી

કાનપુરઃ અંગ્રેજ બોલર્સના વચ્ચે વચ્ચે ધીમા બોલ અને પોતાના બેટ્સમેનોના ખરાબ શોટને કારણે ભારતીય ટીમ ગઈ કાલે ત્રણ ટી-૨૦ મેચની શ્રેણીના પહેલા મુકાબલામાં સાત વિકેટે ૧૪૭ રન જ બનાવી શકી. ત્યાર બાદ મહેમાન ટીમના બેટ્સમેનોના છગ્ગા અને ભારતીય ફાસ્ટ બોલર્સની કંગાળ બોલિંગે ભારતીય ટીમની સાત વિકેટે પરાજયની પટકથા લખી નાખી. આની સાથે જ ૦-૪થી ટેસ્ટ અને ૧-૨થી વન ડે શ્રેણી હારનારી ઈંગ્લેન્ડે ટી-૨૦ શ્રેણીમાં ૧-૦ની સરસાઈ હાંસલ કરી લીધી છે.

બિનજવાબદાર બેટિંગઃ
ખીચોખીચ ભરેલા ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં ઇંગ્લિશ કેપ્ટન ઇયોન મોર્ગને ઝાકળમાં બોલિંગ કરવાથી બચવા માટે ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો. ટાઇમલ મિલ્સે બે દિવસ પહેલાં જ કહ્યું હતું કે તે ફક્ત ફાસ્ટ નહીં, બલકે સ્માર્ટ બોલિંગ કરશે અને ગઈ કાલે તેનું અનુકરણ ઈંગ્લેન્ડના બધા બોલર્સે કર્યું. મિલ્સ, જોર્ડન, પ્લન્કેટ અને સ્ટોક્સે સ્લોઅર બોલનો શાનદાર ઉપયોગ કર્યો. ભારતીય બેટ્સમેનોના ખરાબ શોટે પણ ભારતના પરાજયમાં મહત્ત્વનો રોલ ભજવ્યો. પહેલી ઇનિંગ્સ દરમિયાન પીચમાં થોડો અસામાન્ય ઉછાળ પણ જોવા મળ્યો, જેના કારણે ભારતીય બેટ્સમેનોને હાથ ખોલવાનો મોકો જ ન મળ્યો.

ઓપનર કોહલી પણ રાહત આપી ના શક્યોઃ
ભારતીય ઓપનર્સ મોટી ભાગીદારી નિભાવવામાં સતત નિષ્ફળ રહેતા અને સુરેશ રૈનાને અંતિમ ઈલેવનમાં ફિટ કરવાના ચક્કરમાં વિરાટ કોહલી (૨૯ રન) પોતાની કેપ્ટનશિપવાળી પહેલી ટી-૨૦ મેચમાં જ કે. એલ. રાહુલ (૦૮ રન) સાથે ઇનિંગ્સની શરૂઆત કરવા ઊતર્યો, પરંતુ પાછલી ત્રણ ઇનિંગ્સમાં ૧૧, ૦૫ અને ૦૮ રનનો સ્કોર કરનારાે રાહુલ જોર્ડનના શોર્ટ બોલ પર પુલ કરવાના ચક્કરમાં ફાઇન લેગ પર ઝિલાઈ ગયો. ચાર ચોગ્ગા ફટકારીને રમી રહેલો કોહલી પણ આઠમી ઓવરમાં મોઇન અલીની બોલિંગમાં મિડ વિકેટ પર મોર્ગનના હાથમાં કેચ આપી બેઠો. કોહલી પોતાની કેપ્ટનશિપમાં પહેલી વાર અને ટી-૨૦માં ત્રીજી વાર ઓપનિંગ કરી રહ્યો હતો, પરંતુ ગઈ કાલે તે ફક્ત ૨૯ રન જ બનાવી શક્યો.

રૈના જામ્યો, બાકી બધા ફેલઃ
વન ડે શ્રેણીમાં શાનદાર સદી નોંધાવી વાપસી કરનારાે યુવરાજસિંહ ૧૨ રન જ બનાવી શક્યો. ફાઇન લેગ સુધી દોડીને પહોંચેલા આદિલ રશીદે યુવીનો શનદાર કેચ ઝડપ્યો. ગત વર્ષે ટી-૨૦ વિશ્વકપની સેમિફાઇનલ બાદ મેદાનમાં ઊતરેલાે સુરેશ રૈના સારું રમી રહ્યો હતો, પરંતુ ૩૪ રનના અંગત સ્કોર પર સ્ટોક્સે ફેંકેલાે યોર્કર બોલ ચૂકી ગયો અને રૈનાનું લેગ સ્ટમ્પ ઊડી ગયું. વન ડે શ્રેણીમાં ડ્રિન્ક્સ લાવવા સુધી સીમિત રહેલો મનીષ પાન્ડે (૦૩)ને પણ ગઈ કાલે મેદાનમાં ઊતરવાની તક મળી હતી, પરંતુ તે નિષ્ફળ રહ્યો. હાર્દિક પંડ્યા (૦૯)ના આઉટ થયા બાદ ભારતનો સ્કોર ૧૬.૨ ઓવરમાં છ વિકેટે ૧૧૮ રન થઈ ગયો. ત્યાર બાદ ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની (અણનમ ૩૬)એ પોતાની પહેલી આંતરરાષ્ટ્રીય મેચ રમી રહેલા પરવેઝ રસૂલ (૦૫) સાથે રન વધારવાની કોશિશ કરી, પરંતુ તે નિષ્ફળ રહી. અંતિમ દસ ઓવરમાં ભારતે બાઉન્ડ્રી દ્વારા ફક્ત ૨૨ રન (ચાર ચોગ્ગા, એક છગ્ગા) બનાવ્યા. ધોની પર એટલું દબાણ હતું કે તે અંતિમ ઓવરના શરૂઆતના ત્રણ બોલમાં બે ચોગ્ગા સાથે ફક્ત ૧૦ રન બનાવવામાં જ સફળ રહ્યો, પરંતુ અંતિમ ત્રણ બોલમાં તે ફક્ત બે રન જ બનાવી શક્યો હતો અને ભારતે નિર્ધારિત ૨૦ ઓવરમાં સાત વિકેટ ગુમાવીને ૧૪૭ રનનો સ્કોર નોંધાવ્યો હતો.

અંગ્રેજની શાનદાર બેટિંગઃ
આશિષ નહેરાની પહેલી ઓવરમાં ફક્ત ચાર રન બનાવનારા ઓપનર સેમ બિલિંગ્સ (૨૨)એ બીજી ઓવર ફેંકવા આવેલા જસપ્રીત બૂમરાહ પર જબરદસ્ત હુમલો કર્યો હતો અને ત્રણ ચોગ્ગા અને એક છગ્ગા સાથ ૨૦ રન ઝૂડી કાઢ્યા હતા.  ત્યાર બાદની ઓવરમાં જેસન રોય (૧૯)એ નહેરાની બોલિંગમાં છગ્ગો ફટકાર્યો હતો. ૩.૧ ઓવરમાં જ ઈંગ્લેન્ડે ૪૨ રન બનાવી લીધા હતા, પરંતુ ટી-૨૦ સ્પેશિયાલિસ્ટ યુજવેન્દ્ર ચહલે પોતાની પહેલી ઓવરના પહેલા જ છગ્ગો ખાધા બાદ પછીના બોલ પર જ જેસન રોયને બોલ્ડ આઉટ કરી દીધો હતો. આ જ ઓવરના પાંચમા બોલ પર બિલિંગ્ને પણ ક્લીન બોલ્ડ કરી દીધો હતો.

ચારથી આઠમી ઓવર દરમિયાન મહેમાન ટીમ ૨૬ રન જ બનાવી શકી હતી, પરંતુ ત્યાર બાદ જો રૂટ (અણનમ ૪૬) અને કેપ્ટન મોર્ગન (૫૧)એ ભારતીય ટીમને મેચની બહાર કરી દીધી હતી. મોર્ગને ચાર છગ્ગા ફટકાર્યા હતા. આ સાથે જ તે પોતાની ટીમ તરફથી ૧૫૦૦થી વધુ રન બનાવનારો પહેલો અને ઓવરઓલ ૧૨મો ઇંગ્લિશ બેટ્સમેન બની ગયો હતો.
http://sambhaavnews.com/

You might also like