ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની શ્રેણીનું આયોજન આસાન નહીં હોય

નવી દિલ્હીઃ આગામી તા. ૧૫ જાન્યુઆરીથી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે વન ડે અને ત્યાર બાદ રમાનારી ટી-૨૦ શ્રેણીનું આયોજન બીસીસીઆઇના નવા ‘સરદારો’ માટે આસાન નહીં હોય. ઈંગ્લેન્ડની ટીમ ભારતમાં ૧૫ જાન્યુઆરીથી વન ડે શ્રેણી રમવાની છે. ત્યાર બાદ ઈંગ્લેન્ડ ત્રણ ટી-૨૦ મેચની શ્રેણી રમાશે. અચાનક બીસીસીઆઇ અને રાજ્ય સંઘના પદાધિકારીઓને હટાવવાથી આ શ્રેણીના આયોજન પર સંકટનાં વાદળ ઘેરાઈ જશે એ નક્કી છે, કારણ કે ફક્ત બીસીસીઆઇ સીઈઓ અને અન્ય અધિકારીઓ માટે આ વહીવટ કરવો આસાન કામ નહીં હોય. આ ઉપરાંત જે અધિકારીઓની હકાલપટ્ટી કરાઈ છે તે અને જે અધિકારીઓએ રાજીનામાં આપવાં પડશે તેઓ આમાં કાંટા બિછાવવાની કોશિશ કરવાના જ છે.

આ પહેલાં યોજાયેલી ભારત-ઈંગ્લેન્ડ, ભારત-ન્યૂઝીલેન્ડ શ્રેણીના આયોજનના સમયે પણ ઘણી મુશ્કેલીઓ પેદા થઈ હતી એટલું જ નહીં, એક સમયે તો બોર્ડે પણ શ્રેણીનું આયોજન નહીં થઈ શકે એવું કહી દીધું હતું. હવે જ્યારે ઘરઆંગણે યોજાનારી બે શ્રેણી માટે ઈંગ્લેન્ડની ટીમ માટે હોટલથી માંડીને ઘણી વ્યવસ્થાઓ કરવાની હોય છે. આ બંને શ્રેણીમાં મેચનું આયોજન મહારાષ્ટ્ર, ઓડિશા, કોલકાતા, ઉત્તર પ્રદેશ, વિદર્ભ અને કર્ણાટક ક્રિકેટ સંઘે કરવાનું છે. મહારાષ્ટ્ર ક્રિકેટ સંઘના અધ્યક્ષપદેથી અજય શિર્કેએ રાજીનામું આપવું પડશે. ઉત્તર પ્રદેશ ક્રિકેટ સંઘના સચિવપદેથી રાજીવ શુક્લાએ રાજીનામું આપવું પડશે. કર્ણાટક ક્રિકેટ સંઘના અધિકારીઓએ પણ રાજીનામાં આપવાં પડશે.

આ પરિસ્થિતિમાં આટલા ઓછા સમયમાં બે-બે પડકાર સામે લડવું સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત થનારી વ્યક્તિઓ માટે આસાન નહીં હોય. જોકે હજુ બધા રાજ્ય ક્રિકેટ સંઘ કહી રહ્યા છે કે તેઓ મેચનું આયોજન કરશે, પરંતુ સમયની સાથે-સાથે તેઓના સૂર પણ બદલાશે જ.

http://sambhaavnews.com/

You might also like