આ પાંચ કારણથી ભારત રાજકોટ ટેસ્ટ હારી શકે છે

રાજકોટઃ ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે શ્રેણીની પ્રથમ ટેસ્ટ અહીં રમાઈ રહી છે. ભારત હજુ ટેસ્ટ રેન્કિંગમાં નંબર વન પર છે. ટીમ ઇન્ડિયાએ પોતાની પાછલી શ્રેણીઓમાં દક્ષિણ આફ્રિકા, ન્યૂઝીલેન્ડ અને વેસ્ટ ઇન્ડીઝને હરાવ્યું છે, જ્યારે ઈંગ્લેન્ડની ટીમનું તાજેતરમાં બાંગ્લાદેશની ટીમ સામે કંગાળ પ્રદર્શન રહ્યું હતું, જેનું કારણ બાંગ્લાદેશી સ્પિનર બન્યા હતા, પરંતુ પ્રથમ ટેસ્ટમાં જ ઈંગ્લેન્ડની ટીમે ભારતીય ટીમને આશ્ચર્યમાં મૂકી દીધી છે, જેવું અંગ્રેજોએ વર્ષ ૨૦૧૨માં કર્યું હતું. એ સમયે મોન્ટી પાનેસર અને ગ્રીમ સ્વોને શાનદાર સ્પિન બોલિંગ કરીને ટીમને શ્રેણી જીતાડવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. ઈંગ્લેન્ડે રાજકોટ ટેસ્ટની પહેલી ઇનિંગ્સમાં ૫૩૭ રનનો વિશાળ સ્કોર ખડકી દીધો છે. હવે આ સ્થિતિમાં ઈંગ્લેન્ડ આ મેચ ગુમાવે તેવી કોઈ જ શક્યતા દેખાતી નથી. આ સાથે હવે બે જ ચીજ બાકી રહે છે. ટીમ ઇન્ડિયા સંઘર્ષ કરીને ટેસ્ટને ડ્રોમાં ખેંચે અથવા પાંચ એવા કારણ છે, જેના કારણે ભારત રાજકોટ ટેસ્ટ હારી શકે છે.

ઈંગ્લેન્ડનો ભારતમાં રેકોર્ડ
ઈંગ્લેન્ડે ભારતીય પ્રવાસ દરમિયાન ઘણી વાર શાનદાર પ્રદર્શન કર્યું છે. ઈંગ્લેન્ડનો ભારતમાં જીત-હારનો આંકડો ૩-૪નો છે. પાછલાં ૧૦ વર્ષમાં અંગ્રેજ ટીમે જ ટીમ ઇન્ડિયાને તેના ઘરમાં હરાવી છે, જેમાં ઇંગ્લિશ બેટ્સમેનની સરેરાશ ૪૦ની રહી છે. ભલે અંગ્રેજ ટીમનું પ્રદર્શન બાંગ્લાદેશમાં કંગાળ રહ્યું હોય, પરંતુ તે આરામથી વાપસી કરી શકે છે. ઈંગ્લેન્ડની બેટિંગ લાઇનમાં ઘણી ઊંડાઈ છે. આ વાત રાજકોટ ટેસ્ટમાં સાબિત થઈ ચૂકી છે.

અશ્વિન પર વધુ પડતું નિર્ભર રહેવું
ભારતનાે મુખ્ય સ્પિનર આર. અશ્વિન હાલ જોરદાર ફોર્મમાં છે, પરંતુ રાજકોટ ટેસ્ટમાં તે વધુ વિકેટ ઝડપી શક્યો નહીં. ટીમ ઇન્ડિયાની નિર્ભરતા અશ્વિન પર જ હતી, પરંતુ તેની પાસે રાખવામાં આવેલી અપેક્ષા પ્રમાણે તે વિકેટ ઝડપી શક્યો નહીં. આ ઉપરાંત અમિત મિશ્રાનું પ્રદર્શન પણ કંગાળ રહ્યું. ભારતીય બોલિંગનું ટ્રમ્પ કાર્ડ અશ્વિન પહેલી ઇનિંગ્સમાં નિષ્ફળ રહ્યો.

રિવર્સ સ્વિંગ
રિવર્સ સ્વિંગ બોલિંગ સામે ભારતીય બેટ્સમેનો હંમેશાં નબળા પુરવાર થયા છે. ભલે રાજકોટ ટેસ્ટમાં એન્ડરસન રમી ના રહ્યો હોય, પરંતુ બ્રોડ અને વોક્સ જોરદાર રિવર્સ સ્વિંગ બોલિંગ કરી શકે છે, જેનું નુકસાન ભારતીય ટીમે સહન કરવું જ પડશે. રાજકોટ ટેસ્ટમાં ભારત તરફથી એકમાત્ર મોહંમદ શામી રિવર્સ સ્વિંગ બોલિંગ કરવામાં સફળ રહ્યો હતો. હવે અંગ્રેજોની રિવર્સ સ્વિંગ બોલિંગ ભારતીય બેટ્સમેનો માટે ખતરનાક બની શકે છે.

બેટ્સમેનોની નિષ્ફળતા
ભારતીય બેટ્સમેનોએ ન્યૂઝીલેન્ડ સામે બહુ સારી બેટિંગ નહોતી કરી. આ સ્થિતિમાં ભારતીય ટીમના પરાજયનું આ સૌથી મોટું કારણ બની શકે છે. કોહલી અને રહાણે સારી શરૂઆત કર્યા છતાં મોટી ઇનિંગ્સ રમવામાં નિષ્ફળ રહ્યા હતા. ન્યૂઝીલેન્ડ સામે જો આવી પરિસ્થિતિ રહી હતી તો હવે મોઇન અલી જેવો ઇંગ્લિશ સ્પિનર ભારતીય બેટિંગ માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. આમેય ભારતીય ટીમના નીચલા બેટિંગ ક્રમમાં બહુ દમ દેખાઈ રહ્યો નથી.

અંગ્રેજ સ્પિનર્સને ઓછા આંકવા એ ભૂલ હશે
ભારતીય ટીમ પણ ઘણી વાર સ્પિન બોલિંગ સામે વેરવિખેર થઈ જાય છે. દક્ષિણ સામે રમાયેલી શ્રેણીમાં ડીન એલ્ગર સામે ભારતીય ટીમ ઘૂંટણિયે પડી હતી. એવામાં ઈંગ્લેન્ડ પાસે તો મોઇન અલી, રશીદ જેવા સ્પિનર છે. ન્યૂઝીલેન્ડના સ્પિનર બિનઅનુભવી હતી, જ્યારે ઈંગ્લેન્ડ પાસે આદિલ રાશિદ અને મોઇન અલી ખુદને શાનદાર સ્પિનર સાબિત કરી ચૂક્યા છે. આ સ્થિતિમાં જો ભારતીય બેટ્સમેનો ઈંગ્લેન્ડના સ્પિનર્સને હળવાશમાં લેશે તો તેનું નુકસાન ટીમ ઇન્ડિયાએ ભોગવવું જ પડશે.

You might also like