સાઉથમ્પ્ટનમાં આજથી ચોથી ટેસ્ટઃ ભારતે આ પડકારોનો ઉપાય શોધવો પડશે

લંડનઃ ઈંગ્લેન્ડના વર્તમાન પ્રવાસમાં શરૂઆતની બંને ટેસ્ટ હાર્યા બાદ નોટિંગહમ ખાતેની ત્રીજી ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાએ વાપસી કર્યા બાદ ટીમનો ઉત્સાહ સાતમા આસમાને છે. હવે ટીમ ઇન્ડિયા શ્રેણીમાં ૧-૨થી પાછળ છે.

ત્રીજી ટેસ્ટમાં જીતથી ટીમ ઇન્ડિયાએ સાબિત કરી દીધું કે તે વિદેશી પીચ પર નબળી બેટિંગ ભૂતકાળની વાત બની ગઈ છે. ટીમે નોટિંગહમ ટેસ્ટની બંને ઇનિંગ્સમાં ૩૦૦થી વધુ રનનો સ્કોર નોંધાવ્યો હતો.

હવે આ શ્રેણીની બાકીની બંને મેચમાં ટીમ ઇન્ડિયાની અગ્નિપરીક્ષા થશે. એ સત્ય છે કે નોટિંગહમમાં ટીમે શાનદાર પ્રદર્શન કર્યું, પરંતુ વિરાટ કોહલી એ વાત સારી રીતે જાણે છે કે તેની ટીમ સામેના પડકારો જરાય ઓછા થયા નથી.

ત્રીજી ટેસ્ટમાં પરાજય બાદ ઈંગ્લેન્ડની બેટિંગની નબળાઈઓ ખુલ્લી પડી છે, પરંતુ એવું નથી કે ટીમની સંપૂર્ણ બેટિંગ નિષ્ફળ રહી છે. ત્રીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડના મધ્યક્રમના બેટ્સમેનોએ સારું પ્રદર્શન કર્યું હતું.

મોટો પડકાર ભારતની બોલિંગઃ
ટીમ ઇન્ડિયાની બોલિંગ બેશક હાલ શાનદાર છે, પરંતુ તેના માટે આ શ્રેણીમાં હજુ ઘણું કરવાની તક છે. પહેલાં વાત કરીએ બોલિંગમાં સુધારો કરવાની જરૂર શા માટે છે. બધાં જાણે છે કે ટીમ ઇન્ડિયાના બોલર જો નોટિંગહમ ટેસ્ટની પ્રથમ ઇનિંગ્સમાં ઈંગ્લેન્ડના બેટ્સમેનોને સસ્તામાં આઉટ ના કરી શક્યા હોત તો મેચનું પરિણામ કંઈક જુદું પણ આવી શક્યું હોત.

નોટિંગહમમાં ચોથા દિવસે ઈંગ્લેન્ડની ટીમને ઓલઆઉટ ના કરી શકવી, લોર્ડ્સમાં પણ ઈંગ્લેન્ડના પૂંછડિયા બેટ્સમેનોને આઉટ કરવામાં મોડું થવું-આ બધી વાતો ઉપાય ભારતીય બોલરોએ શોધવો જ પડશે. જો આમ ના થયું તો ભારતે મેચ ગુમાવવાનો વારો પણ આવી શકે છે.

ભારતના બોલિંગ કોચ ભરત અરુણ આ વાત સારી રીતે જાણે છે. એ યાદ રાખવું પણ જરૂરી છે કે પીચ અને હવામાનનો ફાયદો ઉઠાવવામાં ઈંગ્લેન્ડના બોલર્સ ભારતના બોલર્સ કરતાં એક ડગલું આગળ છે.

ટીમ ઇન્ડિયાની બેટિંગમાં સુધારો કરવાની જરૂરઃ
એમાં કોઈ શંકા નથી કે નોટિંગહમમાં ભારતીય બેટ્સમેનોએ બંને ઇનિંગ્સમાં ૩૦૦થી વધુનો સ્કોર નોંધાવ્યો, પરંતુ હજુ પણ ટીમની બેટિંગમાં સુધારાની જરૂર છે. એવું કોઈ માની શકે તેમ નથી કે હવે ટીમ ઇન્ડિયાની નિર્ભરતા વિરાટ કોહલી પર ખતમ થઈ ગઈ છે.

હજુય રાહુલ પોતાનો આત્મવિશ્વાસ સંપૂર્ણપણે પાછો મેળવી શક્યો નથી. શિખર ધવન પોતાની ઇનિંગ્સને આગળ ખેંચવામાં નિષ્ફળ રહ્યો છે. ફક્ત પુજારા અને રહાણેએ જ પોતાના પ્રદર્શનમાં સુધારો કર્યો છે. ભારતના બેટિંગ કોચ સંજય બાંગર આ વાતથી અજાણ નહીં જ હોય.

ઈંગ્લેન્ડની ફાસ્ટ બોલિંગનો તોડ ભારતને હજુ મળ્યો નથીઃ
અહીં ફક્ત બેટિંગની જ નહીં, ભારતની-ખાસ કરીને બેટિંગની રણનીતિ બહુ જ મહત્ત્વની છે. નોટિંગહમમાં એવું જરૂર લાગ્યું કે ટીમ ઇન્ડિયાના બેટ્સમેનોએ ઈંગ્લેન્ડના બોલર્સને થોડા ઘણા પરેશાન જરૂર કર્યા. આમ છતાં અત્યાર સુધી નવો બોલનો સામનો કરવામાં ભારતના બધા જ બેટ્સમેનોએ વધુ કામ કરવાની જરૂર છે જ. વિરાટ સિવાયના અન્ય બેટ્સમેનોની નબળાઈઓ પર ઈંગ્લેન્ડની ટીમ સતત કામ કરી રહી છે.

હવામાન-પીચના મામલે ભારતે ફ્રન્ટ ફૂટ પર આવવું પડશેઃ
હવે કોઈ પણ ટીમ પીચના મિજાજ પર નિર્ભર રહેવાનું જોખમ નહીં જ ઉઠાવે. ટીમ ઇન્ડિયાની બોલિંગ દિવસે ને દિવસે ધારદાર બનતી જાય છે. બીજી અને ત્રીજી ટેસ્ટમાં હવામાન અને પીચે બંને ટીમને સાથ આપ્યો છે.

લોર્ડ્સમાં ઈંગ્લેન્ડે આ બધી પરિસ્થિતિઓનો ફાયદો ઉઠાવ્યો હતો, જ્યારે ત્રીજી ટેસ્ટમાં બીજા દિવસે સવારે વરસાદનો ફાયદો ટીમ ઇન્ડિયાના બોલર્સે ઉઠાવ્યો હતો, જે ભારત માટે નિર્ણાયક સાબિત થયો હતો. આ સ્થિતિમાં કોઈ પણ ટીમ હવામાન અને પીચના મિજાજ અનુસાર રણનીતિ ઘડી શકે નહીં. ટીમ ઇન્ડિયાએ હવે કોઈ પણ પડકાર માટે તૈયાર રહેવું પડશે અને ઈંગ્લેન્ડ કરતાં સારું પ્રદર્શન કરવું પડશે.

ભારતનો આત્મવિશ્વાસ વધુઃ
ચોથી ટેસ્ટમાં જ્યારે ટીમ ઇન્ડિયા મેદાનમાં પર ઊતરશે ત્યારે તેનો આત્મવિશ્વાસ થોડો વધુ હશે, જે ઈંગ્લેન્ડને ભારે પડી શકે છે. કેપ્ટન વિરાટ ઈંગ્લેન્ડની ટીમ માટે માથાનો દુખાવો બની ગયો છે. બેટ્સમેનોમાં શિખર ધવન, ચેતેશ્વર પૂજારા, રહાણે અને પંડ્યાનો વિશ્વાસ પાછો ફરતો દેખાઈ રહ્યો છે. બોલર્સ શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે.

ભારત આ શ્રેણીની પ્રથમ ટેસ્ટની અંતિમ ઇનિંગ્સમાં ૧૯૪ રનનો પીછો કરતા ૩૧ રને હારી ગયું હતું, જ્યારે લોર્ડ્સમાં રમાયેલી બીજી ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાને ઇનિંગ્સ અને ૧૫૯ રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યાર બાદ ટીમે વાપસી કરતાં ઈંગ્લેન્ડને ત્રીજી ટેસ્ટમાં ૨૦૩ રને હરાવી દીધું હતું. હવે ચોથી ટેસ્ટમાં પણ ટીમ ઇન્ડિયાએ આવા જ શાનદાર પ્રદર્શનનું પુનરાવર્તન કરવું પડશે.

You might also like