‘વરદા’ બદલી શકે છે ચેન્નઈ ટેસ્ટનું સમીકરણ, 16મીથી શરૂ થશે અંતિમ ટેસ્ટ

ચેન્નઈઃ તે સમયના મદ્રાસ (હાલ ચેન્નઈ)માં ૧૯૯૬ના ઓક્ટોબરનું અંતિમ સપ્તાહ હતું. ભારતને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ શ્રેણીની બીજી ટેસ્ટ મેચ રમવાની હતી. ભારતીય સમુદ્ર કિનારે વર્ષના છેલ્લા બે-ત્રણ મહિનામાં વાવાઝોડાનું જોખમ સામાન્ય વાત હોય છે. એવું જ એક વાવાઝોડું એ ટેસ્ટ દરમિયાન પણ આવ્યું અને વરસેલા જોરદાર વરસાદને કારણે એ મેચમાં ફક્ત ૭૧ ઓવરની જ રમત શક્ય બની હતી. ત્રીજી ટેસ્ટ મેચ કટકમાં રમાવાની હતી, જ્યાં એ વાવાઝોડાની અસર પહેલાં જ જોરદાર વરસાદ પડ્યો હતો. એ ટેસ્ટથી પાંચ વર્ષ બાદ લેગ સ્પિનર નરેન્દ્ર હિરવાણી ટીમમાં વાપસી કરી રહ્યો હતો. તેણે વાપસીનો જશ્ન ઇનિંગ્સમાં ૫૯ રનમાં છ વિકેટ ઝડપીને મનાવ્યો હતો, તેમ છતાં વરસાદે ટેસ્ટ પૂરી થવા દીધી નહીં.

તમે વિચારી રહ્યા હશો કે વાવાઝોડું, વરસાદ… આ ક્રિકેટની વાત થઈ રહી છે કે હવામાનની… પરંતુ અહીં વાત ચેન્નઈ ટેસ્ટની જ થઈ રહી છે, જ્યાં ફરીથી ‘વરદા’ના નામનું વાવાઝોડું કાળો કેર વર્તાવી ચૂક્યું છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે શ્રેણીનો રોમાંચ આમ તો મુંબઈ ટેસ્ટમાં જીત સાથે જ ટીમ ઇન્ડિયાની ૩-૦ની સરસાઈથી અડધો ચૂક્યો છે, પરંતુ ક્રિકેટ ચાહકોની નજરમાં ચેન્નઈ ટેસ્ટમાં આ સરસાઈને ૪-૦ કરીને ઈંગ્લેન્ડને સંપૂર્ણ રીતે નેસ્તનાબૂદ કરી નાખી, ત્રણ શ્રેણીની હારનો બદલો લેવા પર ટકેલી છે. નિશ્ચિત રીતે જ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીના દિમાગમાં પણ એ જ ચાલી રહ્યું હશે, પરંતુ પરિસ્થિતિઓ કદાચ એટલી અનુકૂળ નહીં હોય, જેટલી પાછલી ચાર ટેસ્ટમાં જોવા મળી હતી.

‘વરદા’ વાવાઝોડાએ તામિલનાડુ ક્રિકેટ એસોસિયેશનની મુશ્કેલીઓમાં થોડો વધારો જરૂર કરી દીધો છે. જોકે મેદાન અને પીચમાં કોઈ ક્ષતિ થઈ નહીં હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. મેચ સમયસર જ શરૂ થશે એવું કહેવાઈ રહ્યું છે, પરંતુ જાણકારોની વાત માનવામાં આવે તો પીચનો મિજાજ કદાચ એવો નહીં જોવા મળે, જેવો શ્રેણીની અત્યાર સુધીની ટેસ્ટમાં જોવા મળ્યો એટલે કે જબરદસ્ત સ્પિન અને બાઉન્સવાળી પીચોના બદલે કંઈક અલગ પીચ ચેન્નઈમાં ભારતીય ટીમનું સ્વાગત કરી શકે છે.

પીચમાં ઊંડે સુધી ભેજ હોઈ શકે
વરસાદને કારણે પીચ પર ભરપૂર રોલિંગ થઈ શકશે નહીં. પૂરતું રોલિંગ ન થવાથી અને તડકો ન નીકળવાથી પીચમાં ભેજ રહેશે. મેદાનમાં વરસાદનું પાણી ભરાવાને કારણે પીચમાં ભેજ રહેવાનો જ. આ કારણે પીચ પૂરેપૂરી તૂટવાની શક્યતા બહુ જ ઓછી છે. ભેજવાળી પીચ પર બોલ થોડો રોકાઈને આવે છે, જેના કારણે બેટ્સમેનને રમવામાં મુશ્કેલી પડશે. ફાસ્ટ બોલરના બોલનો બાઉન્સ અનિયમિત બની જાય છે. ફ્લાઇટેડ બોલ ફેંકનારા સ્પિનરને આવી પીચથી ફાયદો થાય છે. ભારતીય સ્પિનર અશ્વિન, જાડેજા ફ્લાઇટના બદલે ફાસ્ટ સ્પિન પર વધુ ધ્યાન આપે છે. ઇંગ્લિશ સ્પિનર આદિલ રાશીદ બોલને ફ્લાઇટ આપવાને કારણે વધુ ખતરનાક બની શકે છે. પીચમાં ભેજને કારણે ફાસ્ટ બોલરને વધુ સ્વિંગ મળે છે. આ સ્થિતિમાં અંગ્રેજ ફાસ્ટ બોલર્સને પીચમાંથી વધુ ફાયદો મળી શકે છે, જોકે ભારતીય ફાસ્ટ બોલર્સ પણ વર્તમાન શ્રેણીમાં શાનદાર બોલિંગ કરી રહ્યા છે. ટૂંકમાં, આવતી કાલે સવારે ૯.૩૦થી વાગ્યા શરૂ થઈ રહેલી શ્રેણીની અંતિમ ટેસ્ટમાં કંઈક તો નવું જોવા મળશે એમાં કોઈ શંકાને સ્થાન નથી.
http://sambhaavnews.com/

You might also like