વિશાખાપટ્ટનમ : ભારત મજબૂત સ્થિતિમાં, કોહલી-પુજારાએ સંભાળી ઇનિંગ્સ

વિશાખાપટ્ટનમઃ પાંચ ટેસ્ટની શ્રેણીની બીજી મેચ આજે અહીં શરૂ થઈ છે. ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ભારતીય ટીમમાં બે ફેરફાર કરવામાં આવ્યા છે. પહેલી ટેસ્ટમાં સદંતર નિષ્ફળ રહેલા ગૌતમ ગંભીરના સ્થાને શાનદાર ફોર્મમાં રમી રહેલા કે. એલ. રાહુલનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે, જ્યારે રાજકોટ ખાતે રમાયેલી પહેલી ટેસ્ટમાં નબળું પ્રદર્શન કરનાર સ્પિનર અમિત મિશ્રાને પડતો મૂકવામાં આવ્યો છે અને તેના સ્થાને ઓફ સ્પિનર જયંત યાદવને ટેસ્ટ કેપ આપવામાં આવી છે, જ્યારે ઈંગ્લેન્ડે તેના સર્વશ્રેષ્ઠ ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસનને ટીમમાં સામેલ કર્યો છે.

અહીંની પીચમાં બીજા દિવસથી જ બોલ ટર્ન થવા લાગશે એવું પીચ ક્યૂરેટરનું કહેવું છે. પીચ પર જરાય ઘાસ દેખાતું નથી. ઈંગ્લેન્ડની ટીમમાં ડાબોડી બેટ્સમેનોની સંખ્યા ઘણી વધારે છે. આથી ઓફ સ્પિનરો આર. અશ્વિન અને ટેસ્ટમાં પદાર્પણ કરી કરેલા જયંત યાદવ પાસેથી ટીમ ઇન્ડિયા મોટી આશા રાખી રહી છે.

ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ તેનો નિર્ણય આ કંગાળ ભારતીય ઓપનરોએ નિષ્ફળ સાબિત કર્યો હતો. ઈજામાંથી સાજા થયા બાદ આજે કે. એલ. રાહુલે ટીમમાં વાપસી કરી હતી, પરંતુ ઇનિંગ્સની બીજી અને સ્ટુઅર્ટ બ્રોડની પહેલી જ ઓવરમાં તે ખાતું પણ ખોલાવે એ પહેલાં સ્ટોક્સના હાથમાં ઝિલાઈ ગયો હતો. આમ ભારતની પહેલી વિકેટ છ રને પડી હતી. જ્યારે ભારતનો સ્કોર ૨૨ રન હતો ત્યારે જેમ્સ એન્ડરસનની બોલિંગમાં મુરલી વિજય પણ ૨૦ રન બનાવી સ્ટોક્સના હાથમાં ઝિલાઈ ગયો હતો.

છેલ્લા અહેવાલ મળ્યા ત્યારે ભારતનો સ્કોર બે વિકેટે 210 રન છે. ચેતેશ્વર પૂજારા 97 રને અને વિરાટ કોહલી 91 રને બેટિંગ કરી રહ્યા છે.

ભારતીય સ્પિનર્સ પર નજર રહેશે
રાજકોટમાં ભારતીય સ્પિનર્સને ફક્ત નવ વિકેટ મળી હતી, જ્યારે ઈંગ્લેન્ડના બેટ્સમેનોએ ચાર સદી ફટકારી હતી. ત્યાર બાદ સારી વિકેટ પર વિકેટ ઝડપવાની અાર. અશ્વિનની ક્ષમતાઓ પર સવાલો ઊઠ્યા હતા. અશ્વિન પહેલી ટેસ્ટમાં ફક્ત ત્રણ જ વિકેટ ઝડપી શક્યો હતો. હવે વિશાખાપટ્ટનમમાં પહેલી વાર ટેસ્ટ મેચ રમાઈ રહી છે. અહીંની વિકેટ પણ સ્પિનર્સને ભરપૂર અનુકૂળ બનાવવામાં આવી છે એટલે ફરી એક વાર બધાની નજર ભારતીય સ્પિનર્સ પર રહેશે. આજે ભારતીય ટીમમાં અશ્વિન અને જાડેજાની સાથે ઓફ સ્પિનર જયંત યાદવ ટેસ્ટ ક્રિકેટમાં પદાર્પણ કરી રહ્યો છે.

આજે સ્ટેડિયમમાં ફ્રી એન્ટ્રી
આંધ્ર ક્રિકેટ એસોસિયેશન (એસીએ)એ ગઈ કાલે જાહેરાત કરી હતી કે ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે શરૂ થઈ રહેલી ટેસ્ટના પ્રથમ દિવસે દર્શકોને ફ્રી એન્ટ્રી મળશે. કોઈએ ટિકિટ લેવાની જરૂર નહીં રહે. એસોસિયેશનના જણાવ્યા અનુસાર જો બધું ઠીકઠાક રહ્યું તો મેચના દરેક દિવસે બધા માટે દરવાજા ખુલ્લા રહેશે.

આ મેદાન પર પ્રથમ વાર ટેસ્ટ મેચ રમાઈ રહી છે. અહીંનું એસોસિયેશન ઇચ્છે છે કે આ મોકો બધા ક્રિકેટ ચાહકો અને ખેલાડીઓ માટે ખાસ બની રહે અને સ્ટેડિયમ હાઉસફુલ બની રહે. એસીએના સચિવ જી. ગંગારાજુએ કહ્યું, ”આ આંધ્ર ક્રિકેટના ઇતિહાસમાં પહેલી ટેસ્ટ છે. અમે આખું સ્ટેડિયમ ભરેલું જોવા ઇચ્છીએ છીએ, પરંતુ સુરક્ષાનાં કારણોસર દરેક દિવસે એવું નહીં કરી શકીએ. અમે પહેલા દિવસની સ્થિતિ નિહાળ્યા બાદ નિર્ણય કરીશું કે બાકીના દિવસોમાં શું કરવું.” ઉલ્લેખનીય છે કે ભારત સરકાર દ્વારા કરવામાં આવેલી નોટબંધીના નિર્ણયથી ટિકિટના વેચાણ પર મોટો ફટકો લાગ્યો છે. આ નોટબંધીની અસર રાજકોટ ટેસ્ટ પર પણ પડી હતી.

You might also like