મુંબઈ ટેસ્ટઃ નવો ઇતિહાસ રચાશે કે પુનરાવર્તન થશે?

ઈંગ્લેન્ડે ટોસ જીતી બેટિંગ પસંદ કરીઃ ઈંગ્લેન્ડે જેનિંગ્સ અને બોલને ટીમમાં સામેલ કર્યાઃ ભારતીય ટીમમાં રહાણેના સ્થાને રાહુલ, શામીના સ્થાને ભુવનેશ્વરનો સમાવેશ

મુંબઈઃ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી પાંચ ટેસ્ટની શ્રેણીની ચોથી ટેસ્ટનો આજે અહીં મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં પ્રારંભ થયો છે. હવે જોવાનું એ રહે છે કે અહીં નવો ઇતિહાસ રચાશે કે પછી ભારતીય ટીમના પરાજયનું પુનરાવર્તન થશે. આજે અહીં ઈંગ્લેન્ડના કેપ્ટન એલિસ્ટર કૂકે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ઈંગ્લેન્ડે ટીમમાં ઓપનિંગ બેટ્સમેન જેનિંગ્સ અને મીડિયમ પેસર જેકોબ બોલનો સમાવેશ કર્યો છે, જ્યારે ભારતીય ટીમમાં ઈજાગ્રસ્ત અજિંક્ય રહાણેના સ્થાને કે. એલ. રાહુલ તેમજ મોહંમદ શામીના સ્થાને ભુવનેશ્વરકુમારનો સમાવેશ કરવામાં આવ્યો છે. રાહુલના ટીમમાં પાછા ફરવાથી પાર્થિવ પટેલ મધ્યક્રમમાં બેટિંગ કરશે. એક પછી એક ખેલાડીઓ ઈજાગ્રસ્ત થતા રહેતાં કરુણ નાયરને વધુ એક તક મળી છે.

છેલ્લા અહેવાલ મળ્યા ત્યારે ઈંગ્લેન્ડનો સ્કોર વિના વિકેટે ૮૧ રન છે. કૂક ૩૧ રને અને જેનિંગ્સ ૪૯ રને બેટિંગ કરી રહ્યા છે.

મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ટીમ ઇન્ડિયા ભરપૂર આત્મવિશ્વાસ સાથે મેદાનમાં ઊતરી છે. આ એ જ વાનખેડે સ્ટેડિયમ છે, જેનો ઇિતહાસ ઈંગ્લેન્ડની સાથે છે. ૨૦૧૨ના ગત પ્રવાસ દરમિયાન મહેમાન ટીમ અમદાવાદ ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટ હારીને મુંબઈ આવી હતી અને મુંબઈમાં રમાયેલી બીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડે દસ વિકેટે જીત હાંસલ કરી હતી અને ત્યાર બાદ તેણે કોલકાતા ખાતેની વધુ એક ટેસ્ટ જીતી લઈને શ્રેણી પોતાના નામે કરી લીધી હતી.

હવે જો ભારતીય ટીમ આજથી શરૂ થયેલી ટેસ્ટ જીતી લેશે તો એક નવો ઇતિહાસ રચાશે અને જો ઈંગ્લેન્ડ આ ટેસ્ટ જીતી લેશે તો ફરી એક વાર ઈંગ્લેન્ડ જીતનું પુનરાવર્તન થશે.

અમારે રાજકોટના પ્રદર્શનથી શીખવાની જરૂર છેઃ એલિસ્ટર કૂક
ઈંગ્લેન્ડના કેપ્ટન એલિસ્ટર કૂકને લાગે છે કે તેના ખેલાડીઓએ રાજકોટ ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટના પ્રદર્શનમાંથી કંઈક શીખવાની જરૂર છે, જેમાં તેઓએ સકારાત્મક રમતનું પ્રદર્શન કર્યું હતું. કૂકે કહ્યું, ”ટીમના મુખ્ય કોચ ટ્રેવર બેલિસનો એ સ્પષ્ટ સંદેશ છે કે અમારે રાજકોટ ખાતે કરેલા પ્રદર્શનમાંથી કંઈક શીખવું જોઈએ. અમે મોહાલી ટેસ્ટ સમાપ્ત થયા બાદ એકસાથે બેઠા હતા અને અમે ચર્ચા કરીહતી કે અમારે કેવી રીતે રમવું જોઈએ. રાજકોટ ટેસ્ટ અમારા માટે બ્લ્યૂપ્રિન્ટ હતી. અમે રાજકોટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. આશા છે કે અમે શ્રેણીમાં વાપસી કરીશું.
http://sambhaavnews.com/

You might also like