ટીમ ઇન્ડિયાએ પાંચ અલગ અલગ રંગના રબર બોલથી પ્રેક્ટિસ કરી

મુંબઈઃ ટેસ્ટ શ્રેણી પહેલાં આજકાલ બધાંનું ધ્યાન પીચ પર હોય છે. પહેલી વાત, ભારતે પોતાનું મજબૂત પાસું ગણાતી સ્પિન બોલિંગ માટે મદદગાર પીચ બનાવવી જોઈએ. બીજી વાત, બંને ટીમને જીતની તક મળે એ માટે ભારતે તટસ્થ પીચ બનાવવી જોઈએ. એક વાત ચોક્કસ છે કે ભારતમાં ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ સામે શ્રેણી દરમિયાન બનાવવામાં આવેલી પીચ દક્ષિણ આફ્રિકા સામે બનેલી પીચ કરતાં વધુ સારી હતી. દક્ષિણ આફ્રિકા સામે બનેલી પીચ િવશે આકરી ટીકા થઈ હતી.

ભારતીય સ્પિનર્સ અહીંની પીચ પર સારી બોલિંગ કરે છે. જોકે આ વખતે ઈંગ્લેન્ડના સ્પિનર્સ પણ સારી બોલિંગ કરી રહ્યા છે. પાંચ ટેસ્ટ મેચની શ્રેણીમાં અત્યાર સુધી રમાયેલી ત્રણ મેચમાં ઈંગ્લેન્ડનાે સ્પિનર આદિલ રશીદ સૌથી વધુ વિકેટ સાથે પ્રથમ ક્રમાંક પર છે. કદાચ આ જ કારણે ભારતીય બેટિંગ કોચ સંજય બાંગર ભારતીય બેટ્સમેનોને એક અલગ પ્રકારનો અભ્યાસ કરાવે છે.

ચોથી ટેસ્ટ આઠમી તારીખથી શરૂ થઈ રહી છે, તે પહેલાં બીસીસીઆઇએ એક વીડિયો જાહેર કર્યો છે, જેમાં બેટિંગ કોચ સંજય બાંગર અલગ અલગ રંગના રબરના બોલની સાથે પ્રેક્ટિસ કરાવી રહ્યો છે. અલગ અલગ રંગના બોલને અલગ શોટ માટે ઉપયોગમાં લેવામાં આવી રહ્યા છે. રબરના બોલનો એટલા માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, કારણ કે આવા બોલના બાઉન્સ વધુ થાય છે. સંજય બાંગરે આની પાછળનું કારણ પણ આપ્યું છે.

રંગ પાછળનું કારણ
• લાલઃ બોલ ઓવરપીચ હશે. બેટ્સમેનોએ ફ્રન્ટફૂટ પર પગ આગળ લાવીને બોલના પીચ સુધી પહોંચીને હળવેથી સ્પિન અને બાઉન્સ સામે રમવાનું છે.
• ભૂરોઃ આગળ આવીને મિડઓફ તરફ રમવાનું છે.
• પીળોઃ અલગ અલગ ફૂટવર્ક સાથે ઓન ડ્રાઇવ રમવાનું છે.
• નારંગીઃ બોલ શોર્ટ હશે તેથી ડિફેન્સિવ રમવાનું મુશ્કેલ હશે. બેટ્સમેને ઘૂંટણની મદદથી નીચા નમીને સ્વીપ કરવાની છે.
• લીલોઃ બોલની પીચ સુધી પહોંચીને શોટ હવામાં રમવાનો છે.
http://sambhaavnews.com/

You might also like