ભારત-બાંગ્લા મેચ વખતે સ્ટેડિયમ આટલું ગરમ કેમ થઈ જાય છે?

બર્મિંગહમઃ ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ દરમિયાન સ્ટડિયમનો માહોલ જ આટલો ગરમ દેખાતો હોય છે, પરંતુ બાંગ્લાદેશી પ્રશંસકોના અતિ ઉત્સાહએ બર્મિંગહમના એજબેસ્ટન સ્ટેડિયમને જરૂરથી વધારે ગરમ કરી દીધું હતું. બાંગ્લાદેશની ટીમ પહેલી વાર ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઇનલમાં પહોંચી હતી અને એ જ કારણ છે કે તેના પ્રશંસકો અતિ ઉત્સાહમાં હતા.

મેચ શરૂ થતાં પહેલાં જ તેઓ સ્ટેડિયમની બહાર ‘બાંગ્લાદેશ… બાંગ્લાદેશ…’ના નારા લગાવી રહ્યા હતા. તેઓને કોઈ પણ ભારતીય પ્રશંસક દેખાતો ત્યારે તેઓ એ જ કહેતા કે આ મેચમાં અલીમ દાર અને ઇયાન ગોલ્ડ નથી. ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયામાં ૨૦૧૫માં યોજાયેલા વિશ્વકપમાં જ્યારે ભારતે બાંગ્લાદેશને બીજા ક્વાર્ટર ફાઇનલમાં હરાવી દીધું હતું ત્યારે દાર અને ગોલ્ડ અમ્પાયર હતા. આ બંનેએ ઘણા એવા નિર્ણયો આપ્યા હતા, જે ભારતના પક્ષમાં ગયા હતા. ત્યાર બાદ બાંગ્લાદેશી ટીમ, પ્રશંસકો અને બાંગ્લાદેશી બોર્ડના અધ્યક્ષે આ અંગે સવાલો ઉઠાવ્યા હતા.

જે ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચ દરમિયાન જોવા મળે છે એવું જ હવે ભારત-બાંગ્લાદેશ વચ્ચેની મેચમાં જોવા મળી રહ્યું છે. ખાસ કરીને બાંગ્લાદેશી પ્રશંસક ભારતને પોતાનું કટ્ટર હરીફ માનવા લાગ્યા છે. જો સંખ્યાની વાત કરવામાં આવે તો ૨૫,૦૦૦ દર્શકોની ક્ષમતાવાળા આ સ્ટેડિયમમાં ગઈ કાલે ૨૪,૩૪૦ દર્શકો પહોંચ્યા હતા, જેમાં સૌથી વધુ ભારતીયો જ હતા. એજબેસ્ટન સ્ટેડિયમમાં વન ડે મેચ જોવા પહેલી વાર આટલી મોટી સંખ્યામાં દર્શકો પહોંચ્યા હતા, જે એક રેકોર્ડ છે. સ્ટેડિયમમાં જેવા ભારતીય દર્શકો ભાંગડા કરતા અને ઇન્ડિયા… ઇન્ડિયાના નારા લગાવતા કે તરત બાંગ્લાદેશીઓ ડ્રમ વગાડવા માંડતા હતા અને બાંગ્લાદેશ… બાંગ્લાદેશની બૂમો પાડવા માંડતા હતા.

‘ચક દે ઇન્ડિયા…’ ગૂંજ્યું
જે રીતે ભારત અને બાંગ્લાદેશની ટીમ મેદાનમાં એકબીજાને ટક્કર દઈ રહી હતી, કંઈક એવી જ રીતે સ્ટેડિયમમાં બંને દેશના પ્રશંસક એકબીજા સામે દ્વંદ્વ કરી રહ્યા હતા. જે સમયે તમિમ ઇકબાલ ભારતીય બોલર્સને ફટકારી રહ્યો હતો એ સમયે બાંગ્લાદેશી પ્રશંસકોનો ઉત્સાહ ચરમસીમાએ પહોંચી ગયો હતો, પરંતુ જેવો જાધવે તેને બોલ્ડ આઉટ કરી દીધો કે બાંગ્લાદેશીઓ ચૂપ થઈ ગયા અને આખા સ્ટેડિયમમાં ભારતીય ઝંડા લહેરાવા લાગ્યા હતા.

જ્યારે ભારતીય ટીમ બેટિંગ કરવા આવી અને ધવન-રોહિતની સાથે સાથે વિરાટે બાંગ્લાદેશી બોલર્સની ધોલાઈ કરવા માંડી એ જોઈને આખરે બાંગ્લાદેશી પ્રશંસકો પણ ‘યે દોસ્તી હમ નહીં તોડેંગે’ ગીત ગાવા લાગ્યા હતા. જ્યારે ભારતીય ટીમ મેચ જીતી તો સ્ટેડિયમમાં ‘ચક દે ઇન્ડિયા’ ગીત વાગી રહ્યું હતું અને આખા સ્ટેડિયમમાં ભારતીય તિરંગો લહેરાઈ રહ્યો હતો.

ભારત સામે આટલો ઉત્સાહ કેમ?
મિત્રો કહેવાતા ભારત અને બાંગ્લાદેશ હવે ક્રિકેટના મેદાનમાં કટ્ટર દુશ્મન બની ગયા છે. પરિસ્થિતિ એવી છે કે બાંગ્લાદેશના પ્રશંસકો અને મીડિયા ભારતને દુશ્મનની નજરે જોવા માંડ્યા છે. એનું કારણ એ છે કે પાછલાં કેટલાંક વર્ષોમાં બાંગ્લાદેશી ક્રિકેટ ટીમના પ્રદર્શનમાં ઘણો સુધારો થયો છે અને તેણે ઘણી મોટી ટૂર્નામેન્ટના નોકઆઉટમાં પહોંચવાનું શરૂ કરી દીધું છે. સંયોગથી જ્યારે જ્યારે મોટા ખિતાબ જીતવા માટે બાંગ્લાદેશ આગળ વધ્યું છે ત્યારે પડોશી ભારતે તેનો રસ્તો રોક્યો છે. ગત વર્ષે ટી-૨૦ વિશ્વકપનો ક્વાર્ટર ફાઇનલ મુકાબલો હોય કે ૨૦૧૫ના વિશ્વકપની ક્વાર્ટર ફાઇનલ, બંને મેચમાં ભારત સામે હાર્યા બાદ બાંગ્લાદેશી ખેલાડી, પ્રશંસકો, અધિકારીઓ અને એટલે સુધી કે બાંગ્લાદેશી મીડિયા પણ નિરાશામાં ગરકાવ થઈ ગયું હતું.
http://sambhaavnews.com/

You might also like