ભારતનો 37 રને ભવ્ય વિજય : ગુજરાતી ખેલાડીઓએ વધાર્યું ગૌરવ

એડિલેટ : ભારતે પહેલી ટી-20 મેચમાં ઓસ્ટ્રેલિયાને 37 રનથી પરાજીત કરી દીધું છે. આ જીતની સાથે ભારતે ત્રણ ટી-20ની સીરિઝમાં 1-0થી આગળ થઇ ગયું છે. આ મેચમાં પહેલા બેટિંગ માટે ઉતરેલા ભારતે 20 ઓવરનાં અંતે 3 વિકેટનાં નુકસાને 188 રન બનાવ્યા હતા. જેમાં કોહલીનાં 55 બોલમાં 90 રનોની ધુંઆધાર બેટિંગનો પણ સમાવેશ થાય છે. જેનાં પગલે 189 રનનાં લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમ 19.3 ઓવરમાં જ ઓલઆઉટ થઇ ગઇ હતી. ઓસ્ટ્રેલિયાની આખી ટીમ 151 રનમાં જ ઢગલો થઇ ગઇ હતી.

ઓસ્ટ્રેલિયાનો રકાસ 
જીતવા માટે 189 રનનાં લક્ષ્ય સાથે ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમની શરૂઆત સારી રહી હતી. જો કે ઓપનર વોર્નર કાંઇ ખાસ કરી શક્યો નહોતો. બુમરાહનાં બોલમાં તે 17 રન પર કોહલીને કેચ આપી બેઠો હતો. તાબડતોબ સ્મિથ પણ જાડેજાનાં બોલમાં કોહલીને કેચ આપી બેઠોહતો. સ્મિથ માત્ર 21 રન જ બનાવી શક્યો હતો. કંગારૂ ટીમને ત્રીજો ઝટકો ફીંચનો લાગ્યો હતો. ટકીને બેટિંગ કરી રહેલા ફીંચને અશ્વિેને LBW આઉટ કર્યો હતો. ફીંચે 33 બોલમાં 44 રન ફટકાર્યા હતા. ટ્રેવિસ હેડને જાડેજાએ 2 રન પર એલબીડબલ્યુ આઉટ કર્યો હતો. વોટસન આવતાની સાથે જ ભારતીય બોલરોની ધોલાઇ ચાલુ કરી હતી. પરંતુ 12 રન પર અશ્વિને તેનો ભોગ લઇ લીધો હતો.
ક્રિસ લી 17 રન પર હાર્દિક પંડ્યાનો ભોગ બન્યો હતો. હાર્દિકની આ પહેલી આંતરરાષ્ટ્રીય વિકેટ હતી. ફોકનર બુમરાહનાં બોલમાં ગુમરાહ થઇ ગયો અને માત્ર 10 રનમાંક્લિન બોલ્ડ થયો હતો. ભારત તરફથી બુમરાહે સૌથી વધારે 3 વિકેટ ઝડપી હતી. અશ્વિન, જાડેજા અને હાર્દિક પંડ્યાએ બે બે વિકેટો ઝડપી હતી.

ભારતની બેટિંગ ચકાસ

ઓસ્ટ્રેલિયાએ ભારતની વિરુદ્ધ પહેલી આંતરરાષ્ટ્રીય ટી-20 ક્રિકેટ મેચમાં ટોસ જીતીને પહેલા ફીલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ મેચમાં પહેલા બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં 3 વિકેટનાં નુકસાને 188 રન બનાવ્યા હતા. કોહલીએ 55 બોલ પર અણનમ 90 રનની ધુંઆધાર બેટિંગ કરી હતી. ઓસ્ટ્રેલિયાની સામે હવે 189 રનનું લક્ષ્ય છે.
પહેલા બેટિંગ કરવા માટે ઉતરેલી ભારતીય ટીમની તરફથી રોહિત શર્માએ ધવનની સાથે મળીને જબરદસ્ત શરૂઆત કરી હતી. જો કે વોટસને પોતાની પહેલી જ ઓવરનાં પહેલા જ બોલમાં રોહિતની વિકેટ ઝડપી હતી. રોહિતે 20 બોલમાં 31 રન ફટકાર્યા હતા. વોટસને તે જ ઓવરનાં પાંચમા બોલમાં ધવનની વિકેટ ઝડપી હતી. જે માત્ર 5 રન બનાવીને આઉટ થઇ ગોયત હતો. ધવનનો કેસ વિકેટ પાછળ રહેલા વાડેએ પકડ્યો હતો. ત્યાર બાદ સુરેશ રૈના પિચ પર આવ્યો હતો.
સુરેશ રૈનાએ પોતાનાં અસલી અંદાઝમાં બેટિંગ કરતા કોહલી સાથે મળીને ત્રીજી વિકેટ સુધી 134 રનની ભાગીદારી નોંધાવી હતી. રૈનાને અંતિમ ઓવરનાં બીજા બોલમાં ફોકનરે બોલ્ડ કર્યો હતો. રૈનાએ 34 બોલમાં 41 રન બનાવ્યા હતા. અંતે વિરાટ 90 રન પર અને ધોની 3 બોલમાં 11 રન બનાવીને નોટ આઉટ રહ્યા હતા.
ઓસ્ટ્રેલિયા તરફથી વોટસને બે વિકેટ જ્યારે ફોકનરે એક વિકેટ ઝડપી હતી. આ મેચમાં ભારતની તરફથી ટી-20 ક્રિકેટમાં હાર્દિક પંડ્યા આંતરરાષ્ટ્રીય પદાર્પણ કરી રહ્યો છે. ધોનીએ હાર્દિકને ટી-20 કેપ પહેરાવી હતી. વડોદરાનાં આ 22 વર્ષીય ઓલરાઉન્ડરને ટી-20 વર્લ્ડ કપ પહેલા પોતાની પ્રતિભા દેખાડવાની તક મળી છે. ભારતીય મધ્યક્રમને મજબુત કરવા માટે ટીમમાં યુવરાજ સિંહ અને સુરેશ રૈનાનો સમાવેશ કરવામાં આવ્યો છે. અનુભવી ફાસ્ટ બોલર આશીષ નેહરાને પણ લેવામાં આવ્યો છે.
ઓસ્ટ્રેલિયાની તરફથી ટ્રેવિસ હેંડ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કરશે. ઓસ્ટ્રેલિયાએ અગાઉ વનડે મેચની સીરિઝ 4-1થી કબજે કરી લીધી છે. હાલ તો ભારતીય ટીમ પર આ ટી-20 મેચ અને સીરીઝ જીતવાનું દબાણ છે. ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાને ટી-20 સીરિઝ જીતીને પોતાનો બદલો લઇ શકે છે.

You might also like