U-19 વર્લ્ડકપઃ ભારતે ૧૦૦ રને ઓસ્ટ્રેલિયાને કચડી નાખ્યું

માઉન્ટ મોન્ગાનુઈઃ ભારતીય ટીમે ગઈ કાલે અહીં શાનદાર બેટિંગ પ્રદર્શન બાદ ઉત્કૃષ્ટ બોલિંગ આક્રમણ દ્વારા આઇસીસી અંડર-૧૯ વર્લ્ડકપની પોતાની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાને ૧૦૦ રને હરાવી દીધું. કેપ્ટન પૃથ્વી શોની ૯૪ રનની ઇનિંગ્સ અને સાથી બેટ્સમેન મનજોત કાલરા (૮૬) સાથે ૧૮૦ રનની પ્રથમ વિકેટની ભાગીદારીથી ભારતે સાત વિકેટે ૩૨૮ રનનો પહાડ જેવો સ્કોર ખડક્યો હતો.

પૃથ્વી અને મનજોતના આઉટ થયા બાદ પણ કાંગારું બોલર્સને રાહત ના મળી, કારણ કે શુભમન ગિલે બોલર્સની ધોલાઈ કરતી ૬૩ રનની ઇનિંગ્સ રમી હતી. ભારતીય ફાસ્ટ બોલર્સ કમલેશ નાગરકોટી (૨૯ રનમાં ત્રણ વિકેટ) અને શિવમ્ માવી (૪૫ રનમાં ત્રણ વિકેટ)એ ફરી એક વાર પોતાની ઝડપથી બધાને પ્રભાવિત કર્યા હતા.

બંનેએ મળીને છ કાંગારું ખેલાડીઓને પેવેલિયન ભેગા કરી દીધા હતા, જેના કારણે ઓસ્ટ્રેલિયાની ટીમ ૪૨.૫ ઓવરમાં ૨૨૮ રનમાં ઓલઆઉટ થઈ જતાં ભારતનો ૧૦૦ રને વિજય થયો હતો. પૃથ્વીને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

ટૂર્નામેન્ટમાં પ્રથમ મેચમાં ટોચના બેટિંગ ક્રમે કેપ્ટન પૃથ્વીના ટોસ જીતીને બેટિંગ કરવાના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો, જોકે પૃથ્વી માત્ર છ રને સદી ચૂકી ગયો હતો. પૃથ્વી ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ અધ્યક્ષ જેમ્સ સધરલેન્ડના પુત્ર વિલ સધરલેન્ડની બોલિંગમાં આઉટ થઈ ગયો હતો. પૃથ્વીએ ૧૦૦ બોલનો સામનો કરીને આઠ ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા.

તેનાે સાથી ઓપનર મનજોત પણ સદી ચૂક્યો હતો. તેણે ૯૯ બોલમાં ૧૨ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી ૮૬ રનની ઇનિંગ્સ રમી હતી. જોકે આ બંને બાદ કોઈ મોટી ભાગીદારી નોંધાઈ નહોતી, પરંતુ શુભમને એક છેડો સંભાળી રાખ્યો હતો. તેણે ૫૪ બોલની પોતાની ઇનિંગ્સમાં છ ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો.

૩૨૯ રનના વિશાળ લક્ષ્યનો પીછો કરવા ઊતરેલી ઓસ્ટ્રેલિયાની ઇનિંગ્સ દરમિયાન નાગરકોટીએ સતત ૧૫૦ કિમીની ઝડપે બોલિંગ કરી હતી અને માવીએ પણ તેને જોરદાર સાથ આપ્યો હતો. માવીએ પણ લગભગ ૧૪૫ કિમીની ઝડપે બોલિંગ કરી હતી. બંને ફાસ્ટ બોલર્સે ઓસ્ટ્રેલિયન બેટ્સમેનોને પરેશાન કરી મૂક્યા હતા.

You might also like