આજે બીજી ટી-૨૦ઃ ગૌહાટીમાં ભારત-ઓસી. ટીમનું શાનદાર સ્વાગત

ગોહાટીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની ટી-૨૦ શ્રેણીની બીજી મેચ આજે ગોહાટીમાં સાંજે ૭.૦૦ વાગ્યાથી શરૂ થશે. ગોહાટીના બારસાપારા સ્ટેડિયમમાં પહેલી વાર આંતરરાષ્ટ્રીય ટી-૨૦ મેચ રમાવાની છે. ગોહાટી પહોંચેલી બંને ટીમનું શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું.

આસામમાં ‘જાપી’ પહેરવાનો રિવાજ છે. બંને ટીમની ઝલક મેળવવા માટે હજારો ક્રિકેટચાહકો એરપોર્ટ પર એકઠા થયા હતા. શહેરમાં સાત વર્ષ બાદ ઇન્ટરનેશનલ મેચનું આયોજન થઈ રહ્યું છે. ગોહાટીમાં છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ ૨૮ નવેમ્બર, ૨૦૧૦ના રોજ રમાઈ હતી, જ્યારે ભારતે ન્યૂઝીલેન્ડને વન ડે મેચમાં ૪૦ રનથી પરાજય આપ્યો હતો.

ન્યૂઝીલેન્ડ સામેની એ મેચ નેહરુ સ્ટેડિયમમાં રમાઈ હતી, પરંતુ હવે આજે મેચ બારસાપારા સ્ટેડિયમમાં રમાવાની છે, જેની દર્શક ક્ષમતા ૩૭,૦૦૦ની છે. મેચની ટિકિટ અગાઉથી જ વેચાઈ ચૂકી છે. મેચ પહેલાં આસામના મુખ્યપ્રધાન સર્વાનંદ સોનોવાલ સ્ટેડિયમનું ઉદ્ઘાટન કરશે.

ટી-૨૦માં ‘ફિફ્ટી’ પૂરી કરનારો ભારત ચોથો દેશ
રાંચીમાં ભારતે શ્રેણીની પ્રથમ ટી-૨૦ મેચ જીતી લઈને શ્રેણીમાં ૧-૦ની સરસાઈ હાંસલ કરી લીધી છે. ભારતની એ જીત ઓસ્ટ્રેલિયા સામેની સતત સાતમી જીત હતી. ભારતની એ ૫૦મી ટી-૨૦ જીત હતી અને આવું કરનારો ભારત વિશ્વમાં ચોથો દેશ બની ગયો છે. ભારત પહેલાં આ યાદીમાં પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકા સામેલ છે. ભારતે ૮૪ મેચમાંથી ૫૦ મેચ જીતી છે, ૩૧માં પરાજય થયો છે, જ્યારે એક મેચ ટાઇ રહી છે. ભારતની બે મેચમાં પરિણામ આવી શક્યું નથી. આ યાદીમાં પાકિસ્તાન ૬૯ જીત સાથે નંબર વન છે. પાક. ૧૧૭ ટી-૨૦ મેચ રમ્યું છે, જેમાં ૪૫માં તેનો પરાજય થયો છે, એક મેચ ટાઇ રહી છે, જ્યારે બે મેચમાં પરિણામ આવી શક્યું નથી. દક્ષિણ આફ્રિકાએ ૫૭ અને શ્રીલંકાએ કુલ ૫૧ ટી-૨૦ મેચ જીતી છે.

You might also like