બેંગલુરુમાં પણ ભારતની હાલત પુણે જેવી જ થશે?

નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાએ પુણે ટેસ્ટ મેચમાં જે રીતે ભારતને હરાવ્યું ત્યાર બાદ ઘણાં સમીકરણો બદલાઈ ગયાં છે. ઘણા ભૂતપૂર્વ ભારતીય દિગ્ગજોએ એ ભવિષ્યવાણી કરી હતી કે આ ટેસ્ટ શ્રેણી ભારતીય ટીમ જીતી લેશે, પરંતુ પહેલી મેચ બાદ એ કહેવું ખોટું નહીં હોય કે શ્રેણીની આગામી મેચમાં કંઈ પણ થઈ શકે છે. હવે ભારત-ઓસી. બેંગલુરુમાં શ્રેણીની બીજી ટેસ્ટ રમવાના છે અને અહીંના આંકડા ટીમ ઇન્ડિયાના પક્ષમાં બિલકુલ જ નથી.

બેંગલુરુના ચિન્નાસ્વામીમાં ભારતીય ટીમની કાંગારુંઓ સામે પાંચ વાર ટક્કર થઈ ચૂકી છે. આ પાંચ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમને ફક્ત એક મેચમાં જ જીત મળી છે. ઓસ્ટ્રેલિયાની ટીમ અહીં ભારતને બે ટેસ્ટ મેચમાં હરાવી ચૂકી છે અને બે ટેસ્ટ ડ્રો રહી છે. આમ કાંગારું ટીમનું પલડું બેંગલુરુમાં ઘણું ભારે છે.

ઓસ્ટ્રેલિયા સામે બેંગલુરુમાં રમાયેલી પાંચ ટેસ્ટ મેચોમાં ભારતીય ટીમને પહેલી અને છેલ્લી જીત વર્ષ ૨૦૧૦માં મળી હતી. ત્યાર બાદ બંને દેશ વચ્ચે અહીં એકેય ટેસ્ટ રમાઈ નથી. ૨૦૧૦માં રમાયેલી ટેસ્ટમાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને સાત વિકેટે પરાજય આપ્યો હતો. સૌથી મજાની વાત એ છે કે ટીમ ઇન્ડિયા તરફથી મુરલી વિજય અને ચેતેશ્વર પૂજારા જ એવા ખેલાડી છે, જેઓ વર્ષ ૨૦૧૦માં બેંગલુરુમાં ઓસ્ટ્રેલિયાની ટીમ સામે રમ્યા હતા.
http://sambhaavnews.com/

You might also like