ભારત-અફઘાનિસ્તાન વચ્ચે શરૂ થનારી ઐતિહાસિક ટેસ્ટમાં વરસાદનું વિઘ્ન નડશે?

બેંગલુરુઃ આવતી કાલથી શરૂ થનારી ભારત-અફઘાનિસ્તાન વચ્ચેની ઐતિહાસિક ટેસ્ટ મેચમાં વરસાદ વિલન બને તેવી શક્યતા છે. અફઘાનિસ્તાન ટેસ્ટ ક્રિકેટમાં પદાર્પણ કરી રહ્યું હોવાથી તેના માટે આ ઐતિહાસિક ટેસ્ટ મેચ છે. અહીં વરસાદને કારણે અફઘાનિસ્તાનના પ્રેટ્કિસ સેશનમાં પણ વિઘ્ન આવ્યું હતું.

અહીંનું એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ બહુ જ આધુનિક પાણી નિકાલની પ્રણાલીને કારણે વરસાદ સામે કામ પાર પાડવા માટે સક્ષમ છે. શહેરમાં અવારનવાર વરસાદી ઝાપટાં પડી રહ્યાં હોવાથી મેદાન કર્મીઓને પીચ સૂકી રાખવા ઘણી મહેનત કરવી પડી રહી છે.

પ્રેક્ટિસ દરમિયાન અફઘાનિસ્તાનના ખેલાડીઓ શાનદાર લયમાં જોવા મળ્યા હતો અને તેઓએ કોચ ફિલ સિમન્સની દેખરેખ હેઠળ બોલિંગ અને બેટિંગ પ્રેક્ટિસ કરી હતી. પ્રથમ શ્રેણી ક્રિકેટમાં સદી ફટકારનારો કેપ્ટન અસગર સ્ટેનિકજઈ, મોહંમદ શહજાદ, મોહંમદ નબી અને રહમત શાહ જેવા બેટ્સમેન નેટમાં સારા ફોર્મમાં જોવા મળ્યાહતા.

ઉલ્લેખનીય છે કે અફઘાનિસ્તાનની ટીમમાં રાશિદ ખાન, મુજીબ ઉર રહેમાન, ઝહીર ખાન અને આમિર હમજા એમ ચાર સ્પિનરને સામેલ કરવામાં આવ્યા છે. આ મેચમાં ભારતનો નિયમિત કેપ્ટન વિરાટ કોહલી રમવાનો નથી તેથી ટીમનું નેતૃત્વ અજિંક્ય રહાણે સંભાળી રહ્યો છે.

You might also like